વડોદરા, તા.૩ 

ષષ્ઠ પીઠાધિશ્વર ગો. દ્વારકેશલાલજી મહારાજનો જન્મદિવસ આવતીકાલે કારતક વદ-૪ શુક્રવારના રોજ શ્રી કલ્યાણરાયજી મંદિર ખાતે ઉજવવામાં આવશે. સવારે શ્રૃંગાર સામયે કલ્યાણરાય પ્રભુના સુવર્ણ પલના તેમજ નંદમહોત્સવના દર્શન થશે. ત્યાર બાદ રાજભોગમાં સોનાના બંગલાના દર્શન થશે. પૂ.મહારાજશ્રીના જન્મદિવસ નિમિત્તે દર વર્ષે યોજાનારી માર્કન્ડેય પૂજાનું આયોજન કોરોના મહામારીમાં સોશિયલ ડિસ્ટન્સિંગના કારણે આ વરસે કરવામાં આવશે નહીં. તેમના જન્મદિવસે વડોદરા તેમજ ગુજરાતની તમામ હવેલી-મંદિરોના મુખ્યાજી, કીર્તનયાજી તેમજ વિદ્વાન શાસ્ત્રીજીઓ અને વૈષ્ણવ સમુદાયના ગાદીપતિઓ, સંતો-મહંતો પ્રત્યક્ષ હાજરી ન આપતાં પોતાના સ્થાનથી જ શુભેચ્છાઓ પ્રદાન કરશે. ત્યાર બાદ સાંજે ૬.૩૦ કલાકે કલ્યાણરાયજી મંદિરમાં વેદપાઠ ધ્વનિ દ્વારા પૂ. મહારાજનું સત્કાર, સન્માન અને અભિનંદન કરવામાં આવશે. આ પ્રસંગે સવિશેષ દેશ-વિદેશ તેમજ ગુજરાતના સમગ્ર વૈષ્ણવોને પ્રાગટયના પ્રેમભર્યા વધામણાં રૂપે પુષ્ટિ ટીવી, યૂ ટયૂબ ચેનલ દ્વારા પૂ.ના રિકોર્ડેડ માર્કન્ડેય પૂજનનું પ્રસારણ બપોરે ૧ર.૩૦ કલાકે તેમજ રાત્રે ૮ કલાકે પૂ.મહારાજના જીવનચરિત્રમ્‌નો પ્રસારણ પણ પુષ્ટિ ટીવી, યૂ ટયૂબ ચેનલ પર કરવામાં આવશે. આ અનેરા ઉત્સવે પૂ. મહારાજશ્રીની નિશ્રામાં ચાલતા વિપો ગ્લોબલ સંસ્થાના માધ્યમથી વિવિધ સેવાકાર્યોની ઉજવણી આ વર્ષ દરમિયાન કરવામાં આવશે.