૮૬૫ વર્ષના ઇતિહાસમાં પરંપરા તૂટી : કોરોના મહામારીની અસર
16, નવેમ્બર 2020

નડિયાદ : ડાકોર રણછોડરાય મંદિર ૮૬૫ વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત એવું બન્યું છે કે બેસતાં વર્ષે મંદિર અડધા દિવસ માટે બંધ રહ્યાં બાદ સાંજે ૪ વાગે દર્શન ખુલ્યાં હતા. ૨૫૦ વર્ષ જૂની ગોવર્ધન પૂજા અને અન્નકૂટ લૂંટ ઉત્સવ પરંપરા પણ પ્રતીકાત્મક રીતે બંધ બારણે જ સંપન્ન કરાઈ હતી. મંદિરના દરવાજા બંધ હોવાથી પ્રભુના દર્શન થઈ શક્યા નહોતા. અન્નકૂટ લૂંટ ઉત્સવ પરંપરા બાબતે હકારાત્મક ઉકેલ આવ્યો હોવા છતાં વહીવટી તંત્ર અને પોલીસ તંત્રએ મંદિરના મુખ્ય દરવાજા બંધ રાખવા અને દર્શનાર્થીઓ પ્રવેશ બંધ રાખવા મંદિર મેનેજમેન્ટ ઉપર દબાણ બનાવ્યું હતું. પરિણામે રવિવારે બપોર સુધી મંદિર બંધ રાખવામાં આવ્યું હોવાના અહેવાલે લોકોમાં અણગમો ઊભો કર્યો હતો. 

નૂતન વર્ષે સવારે નિત્ય રીતિથી રાજભોગ બાદ ગોવર્ધનપૂજાની કરી હતી. મંદિરના ચોકમાં ગાયનાં ગોબરથી (ભાવાત્મક રૂપે) શ્રી ગોવર્ધનનાથજીનું સ્વરૂપ બનાવવામાં આવ્યું હતું. ઘીના દીવા, હલ્દી, કુમકુમ , અબીલ વડે ચોક પુરાયો અને જળ, દૂધ, દહીંથી શ્રી ગોવર્ધનનાથજીને સ્નાન કરાવાયુ હતું. ચુઆ, ચંદન, કુમકુમ, અબીર, ગુલાલ આદી સમર્પિત કરાવ્યા બાદ સૂક્ષ્મ વસંત ખેલ પણ કરાવવામાં આવ્યો હતો.શ્રી ગિરિરાજજીને, ગાયને અને ગોવાળો ને હલ્દી, કુમકુમનાં થાપા દેવાય અને ઉપરણો ઓઢાડવામાં આવ્યા હતાં. ગાયોને પ્રસાદી ફુલડો આરોગાવાય છે. શ્રી ગિરિરાજજી ગોવર્ધનનાથજીની પૂજા કરી પરિક્રમા કરાય છે. પ્રભુ અંદર પધારે પછી શીતળ ભોગ ધરાવવામાં આવે છે.

બીજી તરફ સાંજે ૪.૩૦ કલાકથી શ્રદ્ધાળુઓને નિત્ય કાર્યક્રમ મુજબ દર્શન લાભ મળ્યો હતો. પરંપરાગત ૧૫૧ મણની સામગ્રીનો અન્નકૂટ માત્ર પ્રતીકાત્મક પદ્ધતિમાં ૧૧ મણમાં સમેટાયો હતો. ડાકોર રણછોડરાય મંદિરમાં નૂતન વર્ષના પ્રથમ દિને નિત્ય રીતિથી રાજભોગ સર્યા બાદ ગોવર્ધનપૂજાની તૈયારી થાય છે. અન્નકૂટ મહોત્સવ એ નંદબાબા સહીત વ્રજજનોનો અન્યાશ્રય છોડાવવાની અને સ્વર્ગના રાજા ઈન્દ્રના માનભંગની લીલા છે. ગોવર્ધન પર્વતને ટચલી આંગળીએ ધારણ કરી પ્રભુએ ઇન્દ્રનું અભિમાન તોડ્યું હોવાની પ્રસિદ્ધ મહાભારત કથા છે.જે ભાવ સાથે ડાકોર મંદિરમાં ગોવર્ધન પૂજા થાય છે.ગોવર્ધન પૂજાને સાર્થક કરવા અન્નકૂટ ઉત્સવ કરવામાં આવે છે. બંધ બારણે પ્રભુને સ્થાનિક બ્રાહ્મણો દ્વારા અન્નકૂટ પીરસાય છે.

ડાકોર ટેમ્પલ કમિટીના ટ્રસ્ટી મંડળે ૨૫૦ વર્ષ એટલે કે હાલના મંદિરના નિર્માણકાળથી અન્નકૂટ પરંપરા અહીંના લોકરિવાજ મુજબ અમલમાં મૂકી છે, જે મુજબ સવારે મંદિરમાં પ્રતિકાત્મક ગોવર્ધન પૂજા કરવામાં આવે છે.ત્યારબાદ તે હેતુને સાર્થક કરવા અન્નકૂટ ઉત્સવ કરવામાં આવે છે.

આ દરમિયાન આજુબાજુના ૮૦થી વધુ ગામોને અન્નકૂટનો પ્રસાદ લેવા તેડુ મોકલવામાં આવે છે. ગામના ક્ષત્રિય શ્રદ્ધાળુઓ પોતાના ગામ, ફળિયાનું નેતૃત્વ લઇ પ્રસાદી લૂંટવા પહોંચે છે અને જે પ્રસાદ મંદિરથી લઇ પોતાના ઘર ફળીયા મિત્રો સુધી પહોંચે છે. ડાકોરના ઠાકોરજીનો આ ઠાઠ માણવા અનેક ભક્તો શ્રદ્ધાળુઓ ડાકોર મંદિર પહોંચે છે.જો કે આ લૂંટાઉત્સવમાં માત્ર આજુબાજુના ક્ષત્રિય જ્ઞાતિના લોકો જ ભાગ લઇ શકે છે. પરંતુ કોવિડ ગાઈડલાઈન મુજબ આ પરંપરા શક્ય ન હોઈ પ્રતિકાત્મક રીતે અન્નકૂટ ઉજવાયો હતો.

૧૫ નવેમ્બર, ૨૦૨૦ના રોજ ડાકોર મંદિરમાં થયેલ પ્રતીકાત્મક અન્નકૂટમાં કુલ ૧૧ મણની સામગ્રી બનાવાઈ હતી જેમાં ૫૧ ભાત,બુંદી,જલેબી, મોહનથાળ, ચૂરમાનો લાડુ, ઘઉં નો શિરો, ગાંગળીયો શિરો, લીલો મેવો, રાજભોગ સહિતની સામગ્રી પ્રભુને પીરસવામાં આવી હતી.

પરંપરાગત અન્નકૂટ ઉત્સવમાં ૧૫૧ મણની સામગ્રી બનાવવામાં આવતી હતી. જેમાં ભાત, બુંદી, મોહનથાળ,શશાકભાજી, ફળ ફળાદી વગેરે મૂકવામાં આવે છે ત્યારબાદ સવા કિલોનો બુંદીનો લાડુ ટોચે પધરાવી સજાવટ કરવામાં આવે છે. તેનાં ઉપર ગાયનું શુધ્ધ ઘી છાંટવામાં આવે છે. ત્યારબાદ તુલસીનો હાર ચઢાવી શ્રીજીમહારાજને ભોગ ધરાવવામાં આવે છે. જોકે આ તમામ સામગ્રી ૩૦૦૦ કિલો જેટલી થાય છે. આ સમગ્ર સામગ્રી પ્રભુ સન્મુખ પીરસવામાં મંદિરના સેવકો, બ્રાહ્મણો, સ્નાન કરી, ધોતી પહેરી અપરસમાં (પલળતા કપડે) પીરસતા હોય છે. ત્યારબાદ શ્રીજીમહારાજના પટ ખુલતા કપૂર આરતીથી કરવામાં આવે છે. આસપાસના ગામોમાં આમંત્રણ આપવાથી આવેલ ક્ષત્રિય ગ્રામજનો અન્નકૂટ લૂંટવા દોડે છે. જે પ્રભુને ધરેલ અન્નકૂટ લૂંટાયા બાદ સમગ્ર મંદિર પરીશરને પાણીથી ધોવામાં આવે છે. આ દિવસે મંદિર નિત્યક્રમ અનુસાર ન ખુલતા એક કલાક મોડા ખુલે છે. પ્રતિકાત્મક અન્નકૂટની પ્રભુએ ધરેલી સામગ્રી મંદિરની ગૌશાળામાં ગાયોનું ભોજન બની હતી. મંદિર પરંપરામાં પ્રથમ વખત આ રીતે અન્નકૂટ સામગ્રી ગાયોને જમાડવામાં આવી હોવાની ઘટના છે. અત્રે ઉલ્લેખનીય છે કે અન્નકૂટ લૂંટ ઉત્સવ બંધ રહેતાં આસપાસના ગામોના ક્ષત્રિયોએ પ્રસાદી સ્વીકારવાનો નનૈયો ભણ્યો હતો. મંદિર મેનેજમેન્ટ દ્વારા પ્રભુના પ્રસાદનો વેડફાટ ન થાય તે માટે ગૌશાળામાં જ સમગ્ર સામગ્રી મોકલવાનો ર્નિણય લેવાયો હતો.

મહત્વનું છે વહીવટી તંત્ર ક્ષત્રિય ગામોના ગ્રામજનોની ધમાલનો કાલ્પનિક ભય પ્રદર્શિત કરી રહ્યા હતાં. તેવી કોઈ જ અઘટિત અણબનાવની ઘટના પૂરાં દિવસ દરમ્યાન બનવા પામી નહોતી. ભક્તો માટે ભક્તોના થઈને રહેતા ભગવાનના ધામમાં પ્રકાશપર્વ દિવાળીના દિવસોમાં જ સરકારી સત્તાનો અહંકાર અંધકાર બની ફેલાયોનો માહોલ હતો. મંદિર બંધ રાખવાના ર્નિણય બાબતે જનતા, ભક્તો, શ્રદ્ધાળુ, વ્યાપારી સૌ આક્રોશ વ્યક્ત કરી રહ્યાં હતા. નવાં વર્ષના પ્રથમ દિને જ હરિદર્શનથી વંચિત ભક્તો નિરાશાના નિસાસા નાખી રહ્યાં પરત ફર્યા હતા.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution