08, ફેબ્રુઆરી 2021
માંડવી, માંડવી નગરનાં છેવાડે આવેલ ખેડપુર ગામ ખાતે મુખ્ય માર્ગ પર જ અનેક ચીજ વાસ્તુઓની લારીઓ પર ખરીદી કરવા ઉભા રહેતા વાહન ચાલકો પોતાનું વાહન માર્ગ પર જ મૂકી જતા કાયમ ટ્રાફિક સમસ્યાઓ ઉભી થતી રહે છે. કારણ કે માર્ગ સિંગલ ટ્રેક હોવાથી અને વાપી શામળાજી મુખ્ય માર્ગ હોવાથી મોટા વાહનો પણ ૨૪ કલાક પસાર થતા હોવાથી અમુક વાર તો વાહનોની લાંબી કતારો પણ થઈ જાય છે.
માર્ગ સાંકડો હોવાથી લારી ચાલકો સાથે અકસ્માત થવાનો ભય પણ સર્જાયેલો રહે છે. અગાઉ કિમ ખાતે રાત્રી દરમ્યાન માર્ગની બાજુમાં સુતેલ ૧૫ જેટલા વ્યક્તિઓને ટ્રક ચાલક દ્વારા કચડી કડાયા હતા. તેનાં એક સપ્તાહમાં જ વરજાખણ ખાતે ભજનમાં જતા માણસોથી ભરેલ છોટા હાથી માર્ગની બાજુમાં ઉભો હતો તેને એક ટ્રક ચાલક દ્વારા અડફેટે લેતા એક વ્યક્તિનું મોત થયું હતું. અને બે દિવસ જ અગાઉ ફેદરિયા ખાતે એક બાઇક ચાલકને સામેથી આવતા ટ્રક ચાલક દ્વારા અડફેટે લેતા એક યુવકનું મોત થયું હતું. તો આવા બેફામ બનેલ ટ્રક ચાલકો દ્વારા આ સ્થળ પર કોઈ અકસ્માત સર્જાય તો જવાબદાર કોણ? તેથી આ સ્થળ પર માર્ગ પર વાહન પાર્ક કરનારાઓને અટકાવવા જરૂરી છે.