વિશ્વ આદિવાસી અધિકાર દિને સરકારની નીતિ સામે આદિવાસીઓનું વિરોધ પ્રદર્શન
14, સપ્ટેમ્બર 2020

રાજપીપળા : સંયુક્ત રાષ્ટ્રે વર્ષ ૨૦૦૭માં ૧૩ મી સપ્ટેમ્બરને વિશ્વ આદીવાસી અધિકાર દિવસ તરીકે ઘોષિત કર્યો છે.ગુુજરાતના આદિવાસીઓ ૧૩મી સપ્ટેમ્બર ૨૦૨૦ ના રોજ ૧૪ માં “વિશ્વ આદીવાસી અધિકાર” દિવસે પોતાના વિશેસ અધિકારોની માંગ બુલંદ કરવા સરકાર સામે રણસિંગુ ફૂંકયું હતું.૧૪માં વિશ્વ આદિવાસી અધિકાર દિવસે નર્મદા જિલ્લા સહિત ગુજરાતના ઉમરગામથી અંબાજી સુધીના ગુજરાતની પૂર્વપટ્ટીમાં વસતા આદિવાસીઓએ મૂળભૂત અધિકારો મેળવવા સરકાર વિરુદ્ધ મોરચો માંડ્યો છે. 

ઈન્ડિજિનસ આર્મી ઓફ ઇન્ડિયાના સ્થાપક અને આદીવાસી ટાઇગર સેનાના અધ્યક્ષ ડો.પ્રફુલ્લ વસાવાએ જણાવ્યું હતું કે પુર્વપટ્ટીમા ૧ કરોડથી વધુ આદિવાસીઓ માટે ગુજરાત સરકારની યોજનાઓ ખતરાની ઘંટી છે.ગુજરાત સરકાર વિકાસ માટે નહીં પરંતુ વિનાશ માટે આદિવાસી વિસ્તારોમાં વિવિધ પ્રોજેક્ટ લાવી રહી છે.જેથી ભારતીય બંધારણમા આપેલા આદિવાસીઓના અધિકારોનું ચીરહરણ થઈ રહ્યું છે.આદિવાસીઓને સામાજિક-શૈક્ષણિક-આર્થિક- રાજનૈતિક રીતે પછાત રાખવાના ગુજરાત સરકારના મહા ષડયંત્રોની ગંધ આવી રહી છે.કેવડિયા બચાવો આંદોલન આજે ગુજરાતના ખૂણેખૂણે પ્રસરી ચુક્યું છે.સ્ટેચ્યુ ઓફ યુનીટીના વિકાસ પ્રોજેક્ટની સાથે દેશના અન્ય એવા પ્રોજેકટ કે જેનાથી આદીવાસી ઓના અધિકારો છીનવાય છે એવા પ્રોજેક્ટો વિરુદ્ધ અવાજ ઉઠાવે તે માટે સામાજિક ક્રાન્તિની શરૂઆત થઈ ચુકી છે.ગુજરાત સરકારની આદિવાસી વિરોધી નિતીનો વિરોધ પુર્વપટ્ટીમા થાય તો જ સરકારના પેટનું પાણી હલે.આદિવાસીઓએ સરકાર સમક્ષ માંગ મુકતા જણાવ્યું હતું કે સ્ટેચ્યુ ઓફ યુનિટી એરીયા ડેવલપમેન્ટ એન્ડ ટુરીઝમ ગવર્નન્સ એક્ટ રદ કરી સંવિધાનની પાંચમી અનુસુચિનો અમલ કરો. અનુસુચિ-૫ તેમજ ૭૩ (અઅ) માં જમીન સંબંધિત સંશોધનો રદ કરો અને આદિવાસીઓની જમીન પરત કરો.જંગલોના સંવર્ધનના નામે ખાનગી કંપનીઓને જંગલોની ફાળવણી બંધ કરો.દિલ્હી-મુંબઈ ઈન્ડસ્ટ્રીયલ કોરીડોર બંધ-રદ કરો.પાર-તાપી-નર્મદા રિવર લિંક યોજના બંધ કરો.રાષ્ટ્રીય ઉદ્યાન, પ્રવાસનધામ, અભ્યારણ્યના નામે

પ્રકૃતિનો વિનાશ બંધ કરો.આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર તથા આદિવાસી અધિકારોનું સન્માન તેમજ પાલન કરો.બુલેટ ટ્રેન પ્રોજેક્ટ, ઈન્ડસ્ટ્રીયલ કોરીડોર, ભારત માલા જેવી યોજનાઓ રદ કરો.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution