નવી દિલ્હી, તા. ૧૫ 

ટ્રમ્પ પાસે હવે અમેરીકન પ્રમુખ તરીકે માંડ પાંચેક દિવસનો જ સમય બાકી રહ્યો છે, પણ તેમનો કડક મિજાજ હજી ગયો નથી. ગુરુવારે તેમણે ચીન પર વધુ એકવાર સખત વલણ અખત્યાર કરીને ૯ જેટલી ચીની કંપનીઓ પર પ્રતિબંધ મૂકી દીધો છે. આ પ્રતિબંધને પગલે હવે અમેરીકન નાગરીકો કે કંપનીઓ આ ચીની કંપનીઓમાં રોકાણ નહીં કરી શકે. આ પહેલા પણ ટ્રમ્પે ૩૯ જેટલી ચીની કંપનીઓ પર પ્રતિબંધ મૂક્યો છે.

અમેરીકન અધિકારીઓનો આક્ષેપ હતો કે આ કંપનીઓ ત્યાંની સેના સાથે સીધી સંકળાયેલી છે અને તેમને એ આર્થિક અને ટેકનીકલ મદદ કરતી રહે છે. ટ્રમ્પના આ કદમ પર બાયડેન ચૂપ રહ્યા છે. પાંચ દિવસ સુધી સત્તા પર રહેનારા ટ્રમ્પ બાબતે તેઓ કોઈ ટીપ્પણી આપતા નથી અને વધુમાં પોતાના ચૂંટણીપ્રચાર દરમિયાન તેમણે કહ્યું હતું કે, ચીન પર લગામ જરુરી છે.

આ ચીની કંપનીઓની મુશ્કેલી હવે એટલા માટે વધી જશે, કેમ કે, તેમણે હવે પોતાના ભંડોળ પર આધારીત રહેવું પડશે. કોઈપણ અમેરીકી નાગરીક કે કંપની તેમને મદદ નહીં કરે. યુરોપીય કંપનીઓને પણ આ કંપનીઓને મદદ કરવા દેવાશે નહીં. ખાસ કરીને અમેરીકામાં વેપાર કરતી મોબાઈલ કંપની શાઓમી અને ઓઈલ કંપની કોનોકને ઘણી સમસ્યાઓ નડશે. કોનોક ચીનની સૌથી મોટી ઓઈલ કંપની છે, અને અમેરીકાનો પ્રતિબંધ લાગવાથી દુનિયાના ઘણા દેશોના રસ્તા તેના માટે બંધ થઈ જશે. મનાય છે કે, સાઉથ ચાઈના સીમાં ચીનના વધી રહેલા હસ્તક્ષેપને જાેતાં અમેરીકાએ તેના પર આવા પ્રતિબંધ લગાવ્યા છે.