ન્યૂયોર્ક
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સોશિયલ મીડિયામાં પરત ફરવાની તૈયારી કરી રહ્યાં છે. તેઓ પોતાનું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ લોન્ચ કરવાના છે. ટ્રમ્પ સોશિયલ મીડિયામાં પરત ફરશે તેની જાણકારી ટ્રમ્પના જૂના સલાહકાર અને પ્રવક્તા જેસન મિલરે આપી છે. ફોક્સ ન્યૂઝ સાથે વાતચીત દરમિયાન મિલરે કહ્યું કે, ટ્રમ્પ આગામી બે-ત્રણ મહિનામાં સોશિયલ મીડિયામાં પરત ફરી શકે છે. સાથે જ તેમણે કહ્યું કે, સોશિયલ મીડિયામાં વાપસી માટે પ્લેટફોર્મ પણ પોતે ટ્રમ્પનું જ હશે. આગામી દિવસોમાં ટ્રમ્પનું આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ગેમ ચેન્જર સાબિત થશે.
જો કે, મિલરે આ મામલે વધુ માહિતી આપી નથી. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સોશિયલ મીડિયામાં નથી. ૬ જાન્યુઆરી, ૨૦૨૧ના રોજ ટ્રમ્પ પર અમેરિકી કેપિટલ પર હિંસા ભડકાવવાનો આરોપ લાગ્યો હતો. જે બાદ ટ્વિટર અને ફેસબુકે તેમનું એકાઉન્ટ હંમેશા માટે સસ્પેન્ડ કર્યું હતું.
જાન્યુઆરીમાં હિંસા બાદ ટ્વિટરે ટ્રમ્પનું એકાઉન્ટ ૧૨ કલાક માટે બ્લોક કર્યું હતું. સાથે જ તેમના એકાઉન્ટ પર શેર થયેલ એક વીડિયો અને બે ટ્વિટ દૂર કરવામાં આવી હતી. પરંતુ તે બાદ તેમનું એકાઉન્ટ હંમેશા માટે સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું. આ પછી તેમની ટીમ ટ્રમ્પના ટ્વિટર હેન્ડલ દ્વારા આ પગલાની ટીકા કરવામાં આવી હતી અને કહેવામાં આવ્યું હતું કે અમને ચૂપ કરી શકાતા નથી.
Loading ...