વડોદરા, તા.૨૨ 

ઉત્તરાયણ પર્વ બાદ ઝાડ તેમજ કેબલ વીજ તાર અને કેબલો પર લટકતા દોરા પર પક્ષીઓ તેમજ ચામાચીડિયા ફસાઈ ઈજાગ્રસ્ત થવાનો સિલસિલો જારી રહેતાં આજે શાસ્ત્રીબ્રિજ પ્રિયલક્ષ્મી રોડ પર તેમજ ગોરવા વિસ્તારમાં પતંગના દોરામાં ફસાયેલા ચામાચીડિયાનેે રેસ્કયૂ કરીને વડોદરા વન વિભાગને સોંપવામાં આવ્યું હતું.

વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટના પ્રેસિડેન્ટ અરવિંદ પવાર પર એફસીઆઇ ગોડાઉન પ્રિયલક્ષ્મી મિલ એલેમ્બિક રોડ પરથી રણછોડભાઈનો ફોન આવ્યો હતો કે ચામાચીડિયું રાતના આસોપાલવના ઝાડ પર પતંગના દોરા પર ફસાઈને લટકી રહ્યું છે. આ કોલ મળતાં સંસ્થાના કાર્યકરોએ અડધો કલાકની ભારે જહેમત બાદ રેસ્કયૂ કરાયું હતું. જ્યારે ગોરવા દશામા ચાર રસ્તા સીતારામ મંદિર પાસે એક ચામાચીડિયું દોરામાં ફસાઈ ગયું હતું. ત્યાં સંસ્થાના કાર્યકર કિરણ શર્મા પહોંચી ગયા હતા અને પતંગના દોરામાં લટકી રહેલા ચામાચીડિયાને દોરામાંથી બહાર કાઢવામાં આવ્યું હતું. આ બંને ચામાચીડિયા વડોદરા વન વિભાગને સુપરત કરાયા હતા.