અમરેલી, અમરેલી જિલ્લાના રાજુલામાં આવેલી કન્યા શાળા નંબર-૧માં ચાલુ વર્ગખંડમાં છતમાંથી પોપડાં પડતાં બે વિદ્યાર્થિની ઈજાગ્રસ્ત થઈ હતી. બે પૈકીની એક વિદ્યાર્થિનીને ગંભીર ઈજાઓ પહોંચી હોવાથી વધુ સારવાર માટે ભાવનગર ખેસડવામાં આવી છે. શાળામાં દુર્ઘટના સર્જાયા બાદ જર્જરિત વર્ગખંડો બંધ કરવાનો ર્નિણય લેવાયો છે. રાજુલામાં આવેલી કન્યા શાળા નંબર- શાળા ચાલી રહી હતી. ત્યારે ધોરણ ૮ના ક્લાસમાં છતમાંથી અચાનક પોપડાં ખરી પડતાં નીચે અભ્યાસ કરી રહેલી વિદ્યાર્થિનીઓ પર પડ્યાં હતાં, જેમાં રિયા વાઢેર અને શ્રુતિ મોઠિયા નામની વિદ્યાર્થિનીઓને ઈજાઓ પહોંચી હતી. ઘટનાના પગલે શિક્ષકો દોડી આવ્યા હતા અને ઘાયલ વિદ્યાર્થિનીઓને સારવાર માટે હોસ્પિટલમાં ખેસડવામાં આવી હતી. એમાં શ્રૃતિને મહુવાની હોસ્પિટલમાં અને રિયાને વધુ ઈજાઓ પહોંચી હોવાથી ભાવનગર સારવાર માટે ખસેડવામાં આવી છે. રાજુલાની જે કન્યા શાળામાં આ ઘટના બની છે એ શાળા ૬૦ વર્ષ જૂની હોવાનું જાણવા મળ્યું છે. વર્ષ ૨૦૧૫માં શાળાના ઓરડાઓનું રિનોવેશન કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. શાળાના આચાર્ય દિનેશ વાળાએ કહ્યું હતું કે જે છતમાંથી પોપડાં પડ્યાં એ જર્જરિત ન હતી. તેમ છતાં કોઈ કારણોસર આ ઘટના બની હતી. ભવિષ્યમાં આ પ્રકારની ઘટના ન બને એ માટે હવે આ બિલ્ડિંગમાં શિક્ષણકાર્ય બંધ કરી સામે આવેલા બિલ્ડિંગમાં ખસેડવાનો ર્નિણય કર્યો છે. રાજુલા તાલુકા શિક્ષણ અધિકારી હિનાબેન ચાંઉએ કહ્યું હતું કે જે વર્ગખંડમાં આ ઘટના બની એ બંધ કરવાની સૂચના આપવામાં આવી છે. ભવિષ્યમાં આ પ્રકારની દુર્ઘટના ન બને એ માટે શાળાઓને તકેદારી રાખવા પણ સૂચના આપવામાં આવી છે.