રોકડ ૬૫ હજાર ભરેલું પર્સ તફડાવીને બે ગઠિયા ફરાર
09, ઓક્ટોબર 2020

વડોદરા -

પોતાની કંપનીના કર્મચારીઓના પગાર માટે બેન્કમાંથી પૈસા ઉપાડીને જઈ રહેલા વેપારીને તેમની કારમાં કંઈક થયું હોવાનું જણાવીને બે લોકોએ તેમને ઉભા રાખ્યા હતા. જેની ગણતરીની મિનિટોમાં જ રોન્ગ સાઈડ પરથી બાઈક લઈને આવેલા બે શખ્સો તેમની પાસેથી પર્સ ખૂંચવીને ફરાર થઇ ગયા હતા. બનાવ સંદર્ભે ફતેગંજ પોલીસમથકના પોલીસ કર્મીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને આ અંગે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, રણોલી ખાતે પારસ એન્જીનીયરીંગ વર્કસ નામની કંપની ધરાવતા શૈલેષભાઇ છગનભાઇ શાહ અને તેમનો પુત્ર કૃણાલ શાહ તેમની કંપનીના કર્મચારીઓને પગાર ચૂકવવા માટે ફતેગંજ સ્થિત એચડીએફસી બેંકમાંથી અંદાજે ૬૫ હજાર રૂપિયા ઉપાડીને રણોલી તરફ જઈ રહ્યા હતા. એવામાં પાછળથી ટૂ વ્હીલર લઈને આવેલા શખ્સે ‘તમારી ગાડીમાં કંઈક થયું છે એમ જણાવતા પિતા પુત્ર ગાડીમાંથી ઉતર્યા હતા. જ્યારબાદ ગાડીમાં કોઈ તકલીફ ન જોવા મળતા તેઓ ગાડીમાં પરત બેઠા હતા. જ્યારબાદ ગાડી શરુ કરતા અસહ્ય દુર્ગંધ આવવા લાગી હતી. જેને કારણે તેઓ પોતાનું પર્સ લઈને પાછા બહાર નિકળ્યા હતા. આ વખતે બહાર નીકળતાની સાથે જ સામેની તરફથી કાળા રંગના બાઈક પર બે શખ્સો આવ્યા હતા અને તેમના હાથમાંનું પર્સ ખેંચીને નાસી છૂટ્યા હતા. જેના કારણે તેઓએ બુમરાણ મચાવતા લોકોના ટોળા એકત્ર થઇ ગયા હતા. બાઈક પર આવેલા બે શખ્સો પૈકી બાઈક ચાલકે હેલ્મેટ પહેર્યું હતું. જ્યારે પાછળ બેસેલા વ્યક્તિએ ટોપી પહેરી હોવાનું તેઓએ જણાવ્યું હતું. આ ઘટનાની જાણ ફતેગંજ પોલીસને કરવામાં આવતા ફતેગંજ પોલીસનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને આસપાસના લોકોના નિવેદનો લેવાની સાથે તપાસ શરુ કરી હતી. એકતરફ મોડીસાંજે ફતેગંજ પોલીસ દ્વારા ફરિયાદ નોંધાવની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને બીજી બાજુ બાઈક લઈને આવેલા બંને ગઠિયાઓની શોધખોળના ચક્રો ગતિમાન કર્યા હતા.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution