અમદાવાદ

અમદાવાદમાં એસજી હાઇવે પર સોલા વિસ્તારમાં સરકારી હોસ્પિટલ આવેલી છે. કોરોના સમયગાળામાં આ હોસ્પિટલમાં પણ કોરોનાના સેંકડો દર્દીઓને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા અને હજુ પણ સંખ્યાબંધ દર્દીઓ સારવાર હેઠળ છે. કોરોના મહાકાળમાં અને આમ પણ ડોક્ટરોને ભગવાનનું રૂપ માનવામાં આવે છે. પરંતુ એ જ સરકારી ડોક્ટરો કાળી કમાણી માટે લાંચના રવાડે ચઢે ત્યારે તેઓ માનવતાના દુશ્મની સાથે સાથે સમાજના પણ દુશ્મન અને કલંક સમાન છે. એસીબીએ સોલાના બે મેડિકલ ઓફિસરોને અધધ.. કહી શકાય એટલી ૮ લાખની લાંચ લેતા ઝડપી પાડ્યા છે ત્યારે આ બે મેડિકલ ઓફિસરોને ત્યાં તપાસ કરીને તેમની બે નંબરની માલ મિલ્કતો પણ શોધી કાઢવી જોઇએ. સરકારી રકમની ચુકવણીમાંથી લાખોની કટકી લેવાની લાલચ માનવ સેવા સાથે જોડાયેલા તબીબોમાં પેસે તે સમાજ માટે એક ચિંતાનો વિષય પણ કહી શકાય. એસીબી દ્વારા અપાયેલી સત્તાવાર માહિતી પ્રમાણે, આ કામે હકીકત એવી છે કે, કોવિડ-૧૯ અંગે સોલા સિવિલ હોસ્પિટલમા દાખલ થયેલ દર્દીઓ માટે પાણી તેમજ સોલા સિવિલ હોસ્પિટલ સ્ટાફને ચા-નાસ્તો, જમવાનું તેમજ પાણી પૂરૂ પાડવા માટે સુપ્રિટેન્ડન્ટ, સોલા સિવિલ હોસ્પિટલ દ્વારા ઓર્ડર થતા જે ઓર્ડર આધારે ફરીયાદીના ભાઇ દ્વારા ચાર માસ સુધી કોવિડ-૧૯ અંગે ચા- પાણી તથા જમવાનું પૂરૂ પાડ્યું જે કેન્ટિન ફેસિલિટી બાબતે રજૂ કરેલ બિલ રૂ.૧,૧૮,૦૦,૦૦૦/- મંજૂર કરવા માટે પ્રથમ ૩૦% લેખે લાંચની માંગણી કરેલ રકઝકના અંતે ૧૬% લેખે રૂ.૧૬,૦૦,૦૦૦/-ની લાંચની માંગણી કરેલ જેમાં ફરીયાદી પાસેથી અગાઉ બે તબક્કે રૂ.૧૦,૦૦,૦૦૦/- લઇ લીધેલ તથા બાકીના રૂ.૬,૦૦,૦૦૦/- તથા ફરીયાદીશ્રીના ભાઇની કેન્ટિનનું ટેન્ડર ત્રણ વર્ષ માટે મંજૂર કરવા બીજા રૂ.૨,૦૦,૦૦૦/-ની લાંચ માંગી હતી, એમ કુલ્લે રૂ.૮,૦૦,૦૦૦/-ની લાંચની માંગણી કરી હતી. લાંચની માંગણીમાં બંન્ને આરોપીઓએ એકબીજાની મદદગારી કરી આરોપી.નં.૧ નાઓએ સોલા સિવિલ હોસ્પિટલ સુપ્રિટેન્ડન્ટ ઓફિસની સામે વેઈટીંગ રૂમમાં ફરીયાદી પાસેથી રૂ.૮,૦૦,૦૦૦/- માંગી સ્વીકારી બંન્ને આરોપીઓને રંગેહાથે ઝડપી લેવામાં આવ્યા હતા અને એકબીજાની મદદગારી કરી ગુનો કર્યાની ફરિયાદ તેમની સામે નોંધવામાં આવી છે. લાંચ લેનાર બન્ને મેડિકલ ઓફિસરના નામ (૧)ડૉ. ઉપેન્દ્ર ભાઇ ગોપાલભાઇ પટેલ-મેડીકલ ઓફિસર, (ઇન્ચાર્જ આર.એમ.ઓ) ,વર્ગ-૨, સોલા સિવિલ હોસ્પિટલ, સોલા, અમદાવાદ.અને (૨). ડૉ. શૈલેષકુમાર ચેલાભાઇ પટેલ મેડીકલ ઓફિસર (ઇન્ચાર્જ વહીવટી અધિકારી), વર્ગ-૨, સોલા સિવિલ હોસ્પિટલનો સમાવેશ થાય છે. બન્ને ડોક્ટર આરોપીઓને ડીટેઈન કરી કોવિડ-૧૯નો ટેસ્ટ કરાવી ધરપકડની કાર્યવાહી હાથ ધરી છે.