કોરોના મહામારીને પગલે આર્થિક ભીંસના પગલે બે લોકોનો આપઘાત
29, જુલાઈ 2020

સુરત-

કોરોનાને કારણે લોકોની આર્થિક હાલત કફોડી બની છે. જેના પગલે લોકો પોતાની જિંદગીનો પણ અંત આણતા ખચકાતા નથી. સુરતમાં આર્થિક ભીંસને પગલે આપઘાતના અનેક બનાવો સામે આવ્યા છે. આર્થિક સ્થિતિ કફોડી બનતા સુરતમાં વધુ બે લોકોએ આપઘાત કરી લીધો છે. ઉધના ખાતે આર્થિક ભીંસને પગલે ફેબ્રિકેશનનું કારખાનું ધરાવતા યુવાન કારખાનેદારે આત્મહત્યા કરી હતી. જયારે બીજા બનાવમાં વરાછામાં એક રત્નકલાકારે બંને હાથની નસ કાપ્યા બાદ ફાંસો ખાઇને આપઘાત કરી લીધો છે. આપઘાતના બે બનાવથી ચકચાર મચી જવા પામી છે. કોરોના મહામારીને લઈને પહેલા લાૅકડાઉન બાદ અનલોક શરૂ થયું પરંતુ વેપાર અને ઉધોગ હજુ પણ પાટા પર ચઢ્યા નથી. ત્યારે સુરતમાં આર્થિક ભીંસને લઈને બે લોકોએ આપઘાત કરી લેવાની ઘટના સામે આવી છે.

જેમાં પહેલા બનાવમાં ઉધનામાં હરીનગર પાસે ઉમિયાભવન ખાતે રહેતા ૨૮ વર્ષીય ભરતકુમાર નાથુરામ લુહાર ઘરમાં ગ્રાઉન્ડ ફલોર પર ફેબ્રિકેશનનું યુનિટ ચલાવતા હતા. ગતરોજ સવારે તેમણે યુનિટમાં લોખંડના હૂક સાથે પાઇપ બાંધી ગળેફાંસો ખાઇને જીવન ટૂંકાવ્યુ હતું. આપઘાત કરનાર યુવાન ભરતકુમાર મૂળ રાજસ્થાનનો વતની હતો. પરિવારના સભ્યો ભેગા મળીને ફેબ્રિકેશનનું યુનિટ ચલાવતા હતા. તેમણે એક વર્ષ પહેલા ફોર વ્હીલર કાર હપ્તેથી લીધી હતી. જેના હપ્તા સમયસર ભરી શકતા ન હતા. સાથે તેમને નાણાકીય તકલીફ હોવાથી સતત માનસિક તાણ અનુભવતા હતા. જેથી તેણે આ પગલું ભર્યુ હતું. આ અંગે ઉધના પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ઘરી છે. બીજા બનાવમાં વરાછા રોડ પર છીતુનગરમાં રહેતા ૪૨ વર્ષીય હરેશભાઇ કેશવજીભાઇ માકડીયાએ ગતરોજ સવારે ઘરમાં બેડરૂમમાં બંને હાથની નસ કાપી લીધી હતી.

બાદમાં તેણે છતના હુક સાથે દોરી બાંધી ગળેફાંસો ખાઇને જીવન ટૂંકાવ્યું હતું. તેના પરિચિતે કહ્ય્š કે હરેશભાઇ મૂળ રાજકોટના ઉપલેટાના જામટીંબલીના વતની હતા. તેમને એક સંતાન છે. હરેશભાઈ હીરાનું કામ કરતા હતા. લાૅકડાઉનમાં હીરા ફેક્ટરી બંધ હોવાને લઈને તેઓ બેકાર બન્યા હતા. અનલોક બાદ પણ તેમની ફેક્ટરી શરુ થઇ ન હતી. જેને લઇને આર્થિક ભીંસમાં રહેતા હોવાને લઈને સતત ચિંતામાં રહેતા હતા. પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ લાગતા તેઓએ આવેશમાં આવીને આપઘાત કરી લીધો હતો. વરાછા પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ શરુ કરી છે. આભાર - નિહારીકા રવિયા

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution