વડોદરા

શહેરના બદામડીબાગ સ્થિત આર્ટ ગેલેરી પાલિકા દ્વારા તોડી પડાયા બાદ સંસ્કારી અને કલાનગરી એવા વડોદરા શહેરની પોતાની આર્ટ ગેલેરી નથી. છેલ્લા ચાર-પાંચ વર્ષથી આર્ટ ગેલેરીની માગ કરી રહેલા કલાકારોએ આજે સુરસાગર મહાદેવ મંદિર પાસે ‘નો આર્ટ ગેલેરી, નો વોટ’ની રંગોળી બનાવી અનોખો વિરોધ કર્યો હતો.

પાલિકા દ્વારા બદામડીબાગ સ્થિત વિવેકાનંદ આર્ટ ગેલેરી તોડી પાડીને અહીં સિટી કંટ્રોલ અને કમાન્ડ સેન્ટર બનાવ્યું છે. આ આર્ટ ગેલેરીમાં વરસોથી કલાકારો રંગોળી, ચિત્ર અને ફોટો પ્રદર્શન સહિતનું આયોજન કરતા હતા. જે તે સમયે પાલિકાના સત્તાધીશો દ્વારા રૂા.પ કરોડના ખર્ચે નવી આર્ટ ગેલેરી બનાવવાની બાંહેધરી આપવામાં આવી હતી.

 પરંતુ અત્યાર સુધી માત્ર બાંહેધરી જ રહી છે. શહેરના કલાકારો દ્વારા આ અંગે સત્તાધીશો અને તંત્રને અનેકવાર રજૂઆતો કરાઈ હોવા છતાં કોઈ કાર્યવાહી નહીં કરાતાં રોષ વ્યક્ત કરી રહ્યા છે.

આજે શહેરના કલાકારોએ સુરસાગર તળાવ મહાદેવના મંદિર પાસે પાલિકાની યોજાનારી ચૂંટણી પૂર્વે અનોખો કલાત્મક વિરોધ નોંધાવી ‘નો આર્ટ ગેલેરી, નો વોટ’ની રંગોળી બનાવી આગામી ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો હતો. વિરોધ કરી રહેલા કલાકારોએ જણાવ્યું હતું કે, સાડા ચાર વર્ષથી કલાનગરી એવા વડોદરા શહેરમાં પોતાની આર્ટ ગેલેરી નથી. છેલ્લા સાડા ચાર વર્ષથી કલાકારોએ વિવિધ સ્તરે રજૂઆતો કરી છે, પરંતુ માત્ર વચનો આપવામાં આવ્યા છે. ત્યારે હવે આગામી પાલિકા ચૂંટણીમાં વોટિંગનો બહિષ્કાર કરવાનો વારો આવ્યો છે. અમારી માગણીના સમર્થનમાં શહેરના તમામ કલાકારો જાેડાશે અને ‘નો આર્ટ ગેલેરી, નો વોટ’ અભિયાન આગામી દિવસોમાં વધુ તેજ બનાવાશે તેમ કહ્યું હતું.