વડોદરા, તા.૨૯

શહેર નજીક સોખડા ખાતે અક્ષરગમન હરિપ્રસાદ સ્વામીજીના નશ્વરદેહના અંતિમ દર્શને આજે બીજા દિવસે પણ સત્સંગીઓ અને રાજકીય અગ્રણીઓ, નેતાઓ, મંત્રીઓ મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા. હરિભક્તોના ભારે ધસારાને પગલે સોખડામાં ભારે ધસારાને પગલે સોખડા જવાના માર્ગો ઉપર વાહનોની પાંચ કિ.મી. ઉપરાંતની લાંબી લાઈનો જાેવા મળી હતી. જાે કે, પોલીસ વિભાગ અને મંદિર પ્રબંધન દ્વારા ધસારાને ધ્યાનમાં રાખીને પાર્કિંગ અને વાહન વ્યવહારની વ્યવસ્થા જાળવવામાં આવી હતી અને ભીડને ટાળવા માટે દર્શનનો સમય પણ વધારાયો હતો.

બુધવાર સવારથી જ અંતિમ દર્શન માટે મુકાયેલા અક્ષરગમન હરિપ્રસાદ સ્વામીજીના નશ્વરદેહના અંતિમ દર્શન માટે આજે નર્મદા રાજ્ય મંત્રી યોગેશ પટેલ, આદિજાતિ મંત્રી ગણપત વસાવા, કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ સિદ્ધાર્થ પટેલ, અર્જુન મોઢવાડિયા, ભરતસિંહ સોલંકી, ઉપરાંત અન્ય મહાનુભાવો અને સાધુ-સંતોએ હાજરી આપી પુષ્પ અર્પણ કર્યા હતા. જ્યારે વડાપ્રધાન મોદી તેમજ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષા સોનિયા ગાંધીએ પણ શોક સંદેશો પાઠવ્યો હતો.

સોખડા-હરિધામ મંદિરના સંત બ્રહ્મલીન હરિપ્રસાદ સ્વામીજીના નશ્વરદેહના અંતિમ દર્શન બુધવારથી ભક્તો માટે મંદિરના પ્રાંગણમાં જ ખુલ્લા મુકાયા હતા. પહેલા દિવસે વડોદરા સહિત ૭ જિલ્લામાંથી ૧ લાખથી વધુ ભક્તોએ સવારે ૮થી રાતના ૧૧ વાગ્યા સુધી દર્શન કર્યા હતા. આજે પણ સવારથી હજારોની સંખ્યામાં હરિભક્તો દર્શન માટે પહોંચ્યા છે અને સાંજ સુધીમાં આ સંખ્યા એક લાખને પાર થઈ ગઈ હતી. મંદિર તંત્ર તરફથી પણ ભક્તોને દર્શન માટે અગવડ ન પડે એ માટે પાર્કિંગ વ્યવસ્થા તેમજ વરસાદથી બચવા અને આરામ કરવા ડોમ બનાવવામાં આવ્યા છે. હરિપ્રસાદ સ્વામીજીના નશ્વરદેહના દર્શન કરવા માટે આજે ગુરુવારે સવારે ૮થી બપોરે ૧૨ વાગ્યા દરમિયાન મુંબઈ શહેર, પૂણે, નેત્રંગ તાલુકો, નર્મદા જિલ્લો, બેંગ્લુરુ મંડળ તેમજ દક્ષિણ ભારતને સમય ફાળવવામાં આવ્યો છે. જ્યારે બપોરે ૧૨થી સાંજે ૪ વાગ્યા દરમિયાન સુરત શહેર, ચોર્યાસી તથા જલાલપોર તાલુકો, બારડોલી, કામરેજ, ઓલપાડ, નવસારી તાલુકો, તાપી જિલ્લો, ખેરગામા તાલુકો, વલસાડ, ડાંગ જિલ્લાને સમય ફાળવવામાં આવ્યો છે અને સાંજે ૪ થી રાત્રે ૮ વાગ્યા દરમિયાન ભરૂચ, અંકલેશ્વર, હાંસોટ તાલુકાને સમય ફાળવવામાં આવ્યો છે.

હરિધામ સોખડા મંદિર પરિસરમાં ૩૧ જુલાઈ અને ૧ ઓગસ્ટના રોજ મહેમાનો અને મહાનુભાવો માટે દર્શનની વ્યવસ્થા રખાઈ છે. આ બંને દિવસમાં મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, ભાજપના કેન્દ્રીય મંત્રીઓ મંદિર ખાતે દર્શને પહોંચે એવી સંભાવના છે.