સૌરાષ્ટ્ર-

બંગાળની ખાડીમાંથી ઉદભવેલુ વાવાઝોડુ ગુલાબ ઓરિસ્સા અને આંઘ્રપ્રદેશમાં વ્યાપક અસર સર્જયા બાદ, આગળ વધીને નબળુ પડી ખંભાતના અખાતમાં વેલમાર્ક લો પ્રેશર સ્વરૂપમાં ફેરવાયુ છે. જે આવતીકાલ સવાર સુધીમાં ડિપ્રેશનમાં ફેરવાઈ જશે. અને ત્યાર બાદ તે ફરી વાવાઝોડાનું સ્વરૂપ ધારણ કરીને પાકિસ્તાનના મકરાણ તરફ આગળ વધે તેવી સંભાવના હવામાન વિભાગે વ્યકત કરી છે. બંગાળની ખાડીમાંથી ઉદભવીને ઓરિસ્સા, આંઘ્રપ્રદેશ, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં તેની અસર વર્તાવીને વાવાઝોડુ ગુલાબ નબળુ પડીને ફરી પાછુ મજબૂત થઈ ને સૌરાષ્ટ્ર અને કચ્છમાં તેની અસર વર્તાવશે.

હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી 3 દિવસ એટલે કે પહેલી ઓક્ટોબર સુધી સૌરાષ્ટ્ર અને કચ્છના વિવિધ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.બદલાયેલા વાતાવરણને કારણે, દરિયો તોફાની બની રહેવાની સંભાવનાને ધ્યાને લઈને હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના તમામે તમામ બંદર ઉપર ભયસુચક 3 નંબરનુ સિગ્લન લગાવવા તાકીદ કરી છે.દરિયાકાંઠે 40 કિલોમીટરની ઝડપે પવન ફુંકાવાની સંભાવના હોવાથી, ગુજરાત અને મહારાષ્ટ્રના માછીમારોને આગામી 30 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી માછીમારી માટે દરિયા ના ખેડવા માટે હવામાન વિભાગે સલાહ આપી છે. અને દરિયામાં ગયેલા માછીમારોને નજીકના દરિયાકાંઠે તેમની બોટને લાગરવા માટે કહ્યુ છે.