અમદાવાદમાં અર્બન હેલ્થ સેન્ટરોમાં વેક્સિન અપાશે

અમદાવાદ,તા.૧૭

અમદાવાદમાં આજથી તમામ અર્બન હેલ્થ સેન્ટરો પર વેક્સિનેશન શરૂ, સરકાર તરફથી આપવામાં આવ્યો કોવિશિલ્ડ અને કો-વેક્સિનનો જથ્થો. વિશ્વના અનેક દેશોમાં કોરોનાના કેસો ફરી વધી રહ્યા છે. ભારતમાં પણ કોરોનાને લઇ ફરી એક વખત ચિંતા વ્યક્ત કરાઈ છે. ગુજરાત સરકાર દ્વારા પણ કોરોનાને લઈ ગાઇડલાઇનનો અમલીકરણ કરાવવાના પ્રયાસો શરૂ થયા છે. ત્યારે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા પણ કોરોનાને લઈને સતર્કતા દાખવામાં આવી રહી છે. કોરોના સામેનું વેક્સિનેશન લોકો માટે ખૂબ જ અક્સિર સાબિત થયું હતું. જેને લઇ અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ફરી એક વખત રસીકરણ અભિયાન પર ધ્યાન આપવામાં આવ્યું છે.

આજથી તમામ અર્બન હેલ્થ સેન્ટરો પર વેક્સિનેશન શરૂ કરાયું છે. સરકાર તરફથી કોવિશિલ્ડ અને કો-વેક્સિનનો જથ્થો આપવામાં આવ્યો છે. સરકાર તરફથી કોવિશિલ્ડના ૧૮ હજાર ડોઝ આપવામાં આવ્યા છે. જ્યારે ૨૫ હજાર ડોઝ કો-વેક્સિનના આપવામાં આવ્યા છે.

નોંધનીય છે કે, વિદેશમાં કોરોનાના કેસ વધતા સરકાર દ્વારા ભારતમાં પણ તકેદારીના ભાગરૂપે જે પણ લોકોને વેક્સિનનો પ્રિકોશન ડોઝ બાકી હોય તેને લેવા માટે સૂચના આપવામાં આવી હતી. પરંતુ અમદાવાદમાં વેક્સિનનો જથ્થો જ ઉપલબ્ધ નહોતો અને રાજ્ય સરકાર પાસે વેક્સિનની માંગણી કરવામાં આવી હતી. રાજ્ય સરકારે પણ કેન્દ્ર સરકાર પાસેથી વેક્સિનની માંગ કરી હતી. આરોગ્ય મંત્રીએ કહ્યું હતું કે, લોકોએ રસી લેવાની બંધ કરી હતી એટલે નવા ડોઝ મંગાવ્યા નહોતા. હાલ અચાનક લોકો રસી લેવામાં વધારો થયો છે. કોવિશિલ્ડ અને કો વેક્સિનની માંગણી ભારત સરકાર પાસે કરી છે, કોરોના વિરોધી રસીના ૧૨ લાખ ડોઝ ભારત સરકાર પાસે માગ્યા છે. રાજ્ય સરકારે ૧૦ લાખ કોવિશિલ્ડ અને ૨ લાખ કો-વેક્સિનના ડોઝની માંગણી કરી છે.આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં કોરોના રસીના એક પણ ડોઝ બગડ્યા નથી, સીરમ ઈન્સ્ટિટ્યૂટ તરફથી જે પણ ડોઝ મળ્યા તેના પૂરો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું હતું કે, એક વાયલમાંથી ૧૦ ડોઝ આપવામાં આવે છે અને પ્રથમ ડોઝ લીધા બાદ ૪ કલાકમાં તમામ ડોઝ લેવાના હોય છે. મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, કેન્દ્રની ગાઈડલાઈન પ્રમાણે ડોઝ પૂર્ણ ન થાય તો તેનો ઉપયોગ થતો નથી. કેન્દ્રની ગાઇડલાઇન પ્રમાણે ડોઝ પૂર્ણ ન થાય તો વેક્સિનનો ડોઝ બગડ્યો ન કહેવાય. આમ મંત્રી દ્વારા વેક્સિનના ડૉઝ બગડી ગયા હોવા અંગે ખુલાસો કરીને જાણકારી આપી હતી.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution