વડોદરા:7 મહિનાથી સગર્ભા હોવા છતાં નર્સ એ કોરોનાના દર્દીઓની સેવાને આપ્યું મહત્ત્વ
19, ઓક્ટોબર 2020

વડોદરા-

કોરોના મહામારી શરૂ થઈ ત્યારથી તમામ હોસ્પિટલોમાં ડોક્ટર્સ અને નર્સ જીવના જોખમે દર્દીઓની સેવા કરી રહ્યા છે. આવું જ એક ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું વડોદરામાં. સયાજી હોસ્પિટલમાં છેલ્લા 7 વર્ષથી કામ કરતા નર્સ કાનન સોલંકી 7 મહિનાથી સગર્ભા હોવા છતાં તેઓ ફરજ નિભાવી રહ્યા છે. તેમની આ કામગીરીને હોસ્પિટલના સ્ટાફે ખૂબ જ બિરદાવી છે. આ અંગે માહિતી આપતાં સયાજી હોસ્પિટલના કોવિડ વિભાગના વહિવટી નોડલ અધિકારી ડો. બેલીમ ઓ. બીએ જણાવ્યું કે, કાનને ધાર્યું હોય તો તે માર્ચ મહિનાથી રજા લઈ શકી હોત, પરંતુ કાનને પોતાની ચિંતા કર્યા વગર દર્દીઓની સેવાને મહત્ત્વ આપ્યું અને કોવિડ વોર્ડમાં ફરજ બજાવવાનું સ્વીકાર્યું. ઓગસ્ટમાં તેઓ કોરોના સંક્રમિત થયાં હતાં. કાનનની સ્થિતિની ગંભીરતા જોતા અધૂરા માસે પ્રસૂતિ કરાવવાનો નિર્ણય કર્યો છે. બાળકીનો જન્મ થતા બાળકીનું વજન 1 કિલો જ હતું. બાળકીને જીવતી રાખવા માટે 15 દિવસ સુધી વેન્ટિલેટર પર રાખવામાં આવી હતી. જોકે માતા માટે સ્તનપાન કરાવવું શક્ય ન હતું એટલે બ્રેસ્ટ મિલ્ક પંપની મદદથી બાળકીને દૂધ પીવડાવવામાં આવ્યું હતું.કાનન સૌથી વધુ ધાવણ દાન આપનારી માતા બનીકાનને વધારાના દૂધનું સયાજી હોસ્પિટલની માતૃ દૂધ બેંકને રોજરોજ દાન આપવાનું શરૂ કર્યું. એણે લગભગ 53 દિવસમાં 9.23 લિટર જેટલું જેની કોઈ કિંમત ન આંકી શકાય એવું અમૂલ્ય માતૃ દૂધ બેંકમાં જમા કરાવ્યું, જે માતાની મમતારૂપે આવા દૂધની જરૂર વાળા નબળાં, અધૂરા માસે જન્મેલા બાળકોમાં જીવન શક્તિરૂપે વહેંચાયું. કાનન આ માતાના દૂધની બેંકની સૌથી વધુ ધાવણ દાન આપનારી દાતા બની છે. કાનન અને તેની નવજાત બાળકીને 53 દિવસની મેરેથોન સારવાર સયાજીમાં મળી છે. હાલમાં બંને સ્વસ્થ છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution