નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, વડોદરા સંચાલિત પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં આગામી તારીખ ૨૬, ૨૭ અને ૨૮ જૂન, ૨૦૨૫ દરમિયાન “કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ” ની ભવ્ય ઉજવણી થવા જઈ રહી છે. આ ઉત્સવનો મુખ્ય ઉદ્દેશ્ય "શ્રેષ્ઠ વિદ્યાર્થી થકી શ્રેષ્ઠ નાગરિક, શ્રેષ્ઠ નાગરિક થકી શ્રેષ્ઠ સમાજ અને શ્રેષ્ઠ સમાજ થકી શ્રેષ્ઠ રાષ્ટ્રનું નિર્માણ" કરવાનો છે.
નૂતન ભારતના ભવિષ્યને વધુ સક્ષમ બનાવવા માટે બાળકોનું શિક્ષણ અત્યંત અગત્યનું પાસું છે. બાળકોનો શાળામાં પ્રવેશ થાય, તેઓ બાલવાટિકાથી ધોરણ-૮ સુધીનો અભ્યાસ પૂર્ણ કરે અને ત્યારબાદ ઉચ્ચ અભ્યાસ માટે આગળ વધે તે સુનિશ્ચિત કરવાના આયોજનના ભાગરૂપે આ "શાળા પ્રવેશોત્સવ" ઉજવવામાં આવે છે. નૂતન ભારતના શિલ્પી અને દીર્ઘદ્રષ્ટા ભારતના પનોતાપુત્ર માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબની ઉમદા વિચારધારાની ફળશ્રુતિ રૂપ આ ઉત્સવ એક પાયાની શીલા સમાન છે.
પ્રધાનમંત્રી દ્વારા દીકરીઓના શાળા છોડવાના પ્રમાણમાં ઘટાડો થાય તથા દીકરાઓ અને દીકરીઓ એક સમાન રીતે શાળામાં પ્રવેશ મેળવી, અભ્યાસ કરીને ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરે અને એક સ્વાયત્ત અને સક્ષમ ભારતની રચના થાય તેવા પ્રયત્નો કરવામાં આવ્યા. જેના પરિણામ સ્વરૂપ આજે વર્ષોથી ઉજવવામાં આવતા "શાળા પ્રવેશોત્સવ" ના કારણે બાળકોના શાળા પ્રવેશનું પ્રમાણ ૧૦૦% સુધી પહોંચી ગયું છે, જ્યારે શાળા છોડવાનું પ્રમાણ ખૂબ જ ઓછું થયેલ છે, જે ગુજરાત રાજ્ય માટે એક અમૂલ્ય ઉપલબ્ધિ સમાન છે.
વડોદરામાં પ્રવેશોત્સવની ઉજવણી અને શૈક્ષણિક કીટ વિતરણ
પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, વડોદરા સંચાલિત ૧૨૧ પ્રાથમિક શાળાઓ (જેમાં ૧૦૨ ગુજરાતી માધ્યમ, ૧૩ હિન્દી માધ્યમ અને ૦૬ અંગ્રેજી માધ્યમની શાળાઓનો સમાવેશ થાય છે) માં આ "શાળા પ્રવેશોત્સવ" ની ઉજવણી હાથ ધરવામાં આવનાર છે.
આ "શાળા પ્રવેશોત્સવ" દરમિયાન બાલવાડીમાં ૩૭૪૬ અને બાલવાટિકામાં ૪૧૨૦ બાળકોને વિવિધ મહાનુભાવોની હાજરીમાં પ્રવેશ આપવામાં આવનાર છે. રાજ્ય સરકાર દ્વારા વડોદરા મહાનગર પાલિકા કક્ષાએ વિવિધ મહાનુભાવો અને સામાજિક અગ્રણીઓની હાજરી માટે સૂચન કરવામાં આવ્યું છે. આ મહાનુભાવો આગામી તારીખ ૨૬, ૨૭ અને ૨૮ જૂન, ૨૦૨૫ દરમિયાન વિવિધ શાળાઓમાં હાજરી આપી બાલવાડી અને બાલવાટિકામાં નવિન પ્રવેશપાત્ર બાળકોને શાળામાં આવકારશે. આ ઉપરાંત, આંગણવાડી અને માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં પણ બાળકોને આવકારવામાં આવશે.
"શાળા પ્રવેશોત્સવ" અંતર્ગત નવિન પ્રવેશપાત્ર તમામ ભૂલકાંઓને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, વડોદરા દ્વારા એક શૈક્ષણિક કીટ આપવામાં આવનાર છે. જેમાં સ્કૂલબેગ, વોટર બેગ, નોટબુક, પેન્સિલ, રબર, સંચો, ફુટપટ્ટી, કંપાસ, બુટ-મોજા, ગણવેશ જેવી વિવિધ સામગ્રીનો સમાવેશ થાય છે. આ સાથે સમગ્ર શિક્ષા કચેરી, ગુજરાત રાજ્ય દ્વારા વિદ્યા પ્રવેશ, મારી લેખન પોથી નોટબુક, ફ્લેશ કાર્ડ, ચાર્ટ, ચિત્રપોથી, વર્તાપોથી જેવી વિવિધ સામગ્રી પણ પૂરી પાડવામાં આવનાર છે, જેથી બાલવાટિકામાં પ્રવેશ પામનાર બાળકોનો અભ્યાસ સુચારુ રીતે થઈ શકે.
ઉપસ્થિત રહેનાર મહાનુભાવો
આ “શાળા પ્રવેશોત્સવ” માં ગાંધીનગરથી પધારનાર પદાધિકારી તથા અધિકારીઓ, જેમાં બાલકૃષ્ણ શુકલ (મુખ્ય દંડક ગુજરાત વિધાનસભા તથા ધારાસભ્ય રાવપુરા વિધાનસભા), કમલ દયાણી (એડી. ચીફ સેક્રેટરી ટુ ગવર્મેન્ટ), અવંતિકા સિંઘ ઔલખ (સેક્રેટરી ટુ ચીફ મિનિસ્ટર), શિલ્પાબેન ડી પટેલ (સચિવ, સમગ્ર શિક્ષા), દિલશાદ એમ પઠાણ (સંયુક્ત સચિવ), સુરભી ગૌતમ (રીજનલ કમિશનર ઓફ મ્યુ.), ડૉ. રણજીતકુમાર સિંઘ (કમિશનર ઓફ આઈસીડીએસ), અંકિતા એ મોદી (ઉપ સચિવ), કીર્તિ એ ચૌહાણ (ઉપ સચિવ) વગેરે ઉપસ્થિત રહેશે.
આ ઉપરાંત, વડોદરા મહાનગરના મેયર પિન્કીબેન સોની, વડોદરા લોકસભાના સાંસદ ડૉ. હેમાંગ જોષી, વિવિધ વિધાનસભાના ધારાસભ્ય યોગેશ પટેલ, મનિષાબેન વકીલ, કેયુર રોકડીયા, ચૈતન્ય દેસાઈ, ડે. મેયર ચિરાગ બારોટ, સ્ટેન્ડિંગ કમિટી અધ્યક્ષ ડૉ. શીતલ મિસ્ત્રી, શહેર ભાજપ અધ્યક્ષ ડૉ. જયપ્રકાશ સોની, દંડક શૈલેશ પાટીલ, શાસકપક્ષ નેતા મનોજ પટેલ સહિતના પદાધિકારીઓની પ્રેરક ઉપસ્થિતિમાં શાળાનાં બાળકોને પ્રવેશ આપવામાં આવનાર છે.
સાથે જ, મ્યુનિસિપલ કમિશ્નર અરુણ મહેશ બાબુ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરાનાં અધ્યક્ષ નિષિધ દેસાઈ, ઉપાધ્યક્ષ અંજનાબેન ઠક્કર, શાસનાધિકારી ડૉ. વિપુલ ભરતીયા, અને અન્ય સભ્યો મિનેષ પંડ્યા, શર્મિષ્ઠાબેન સોલંકી, ડૉ. ભરતભાઈ ગજ્જર, આદિત્ય પટેલ, કિરણ સાળુંકે, જિજ્ઞેશ પરીખ, નિલેશ કહાર, રણજીત રાજપુત, રીટાબેન માંજરાવાલા, વિજય પટેલ, નીપાબેન પટણી, જીગ્નેશ સોની તથા કિશોર પરમાર સહિતના પદાધિકારીઓ “શાળા પ્રવેશોત્સવ” દરમિયાન વિવિધ શાળાઓમાં જઈને બાલવાડી તથા બાલવાટિકામાં પ્રવેશ મેળવતાં બાળકોને આવકારશે.
પ્રવેશોત્સવની સફળતા અને શાળાઓનો વિકાસ
આ “શાળા પ્રવેશોત્સવ” ની પ્રતિવર્ષ ઉજવણીના ફળ સ્વરૂપ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં બાલવાટિકાના બાળકોના પ્રવેશમાં ઉત્તરોત્તર વધારો જોવા મળેલ છે:
વર્ષ બાલવાડી પ્રવેશ બાલવાટિકા પ્રવેશ
૨૦૨૩-૨૦૨૪ ૩૫૨૬ ૩૮૮૮
૨૦૨૪-૨૦૨૫ ૩૬૪૮ ૪૦૪૫
૨૦૨૫-૨૦૨૬ ૩૭૪૬ ૪૧૨૦
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા કુલ ૦૬ અંગ્રેજી માધ્યમની શાળાઓ પણ શરૂ કરવામાં આવી છે, જેમાં ચાણક્ય, પંડિત દીનદયાળ ઉપાધ્યાય, પ્રમુખ સ્વામી મહારાજ, કવિ દુલાકાગ, કુબેરેશ્વર અને પૂ. ડોંગરેજી મહારાજ અંગ્રેજી પ્રાથમિક શાળાઓનો સમાવેશ થાય છે.
આ સાથે, ધોરણ-૮ સુધી વિવિધ પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓને અગ્રિમ અભ્યાસ અર્થે અન્ય શાળામાં જવું ન પડે તે ઉત્તમ હેતુથી કુલ ૧૦ માધ્યમિક શાળાઓની પણ શરૂઆત કરવામાં આવેલ છે. જેમાં ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન (ગોત્રી ગામ), ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જી (અટલાદરા), કવિ પ્રેમાનંદ (રામ નગર), સ્વામી વિવેકાનંદ (સવાદ), માં ભારતી (અકોટા), વીર સાવરકર હિન્દી માધ્યમિક (ગોરવા), માધવરાવ ગોળવલકર (હરણી), વીર ભગતસિંહ (ફતેપુરા), કુબેરેશ્વર (માંજલપુર), અને પૂ. ડોંગરેજી મહારાજ (જયરત્ન) માધ્યમિક શાળાઓનો સમાવેશ થાય છે. આ શાળાઓમાં ચાલુ વર્ષે કુલ ૫૩૯ વિદ્યાર્થીઓએ ધોરણ ૯ માં નવો પ્રવેશ મેળવ્યો છે, અને હાલ ધોરણ ૧૦ માં કુલ ૪૦૫ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે.
"એક પેડ માં કે નામ" : પર્યાવરણ જાગૃતિનો સંકલ્પ
આ “શાળા પ્રવેશોત્સવ” ની ઉજવણી દરમિયાન વૃક્ષારોપણ તથા પર્યાવરણની જાળવણી અંગે જાગૃતિ ફેલાય તે માટે રાજ્ય સરકાર દ્વારા એક ઉત્તમ પહેલ કરવામાં આવેલ છે. જેના ભાગરૂપે “શાળા પ્રવેશોત્સવ” માં ઉપસ્થિત રહેનાર તમામ મહાનુભાવો, પદાધિકારીશ્રી, અધિકારી વગેરે દ્વારા “એક પેડ માં કે નામ” રૂપી સંકલ્પ વૃક્ષનું આરોપણ કરવામાં આવનાર છે. શાળા પરિવારમાં જાગૃતિ ફેલાવીને વિદ્યાર્થીગણ, વાલીગણ વગેરેને પર્યાવરણની જાળવણી માટેના પ્રયત્નો હાથ ધરવા જાગૃત કરાશે.
આ પ્રમાણે, સક્ષમ ભારતનો પાયો સક્ષમ સમાજ અને સક્ષમ સમાજના રચયિતા એવા આજનાં આ ભૂલકાંઓ બાળકો પણ અભ્યાસ કરી સક્ષમ બને તે અર્થે “શાળા પ્રવેશોત્સવ” ની ઉજવણી હાથ ધરાનાર છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા દરેક વાલીઓને વિનંતી કરે છે કે તેઓ પોતાના બાળકને યોગ્ય સમયે શાળામાં દાખલ કરી તેને નવો શૈક્ષણિક આરંભ આપશે. આપણી સૌની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, વડોદરા ઉજવવા જઈ રહી છે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ - ૨૦૨૫. આવો, “આપણે સૌ સાથે મળી આ શાળા પ્રવેશોત્સવને બનાવીએ સમાજોત્સવ.”
Loading ...