27, એપ્રીલ 2025
જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં નિર્દોષ ટુરિસ્ટો પર કરવામાં આવેલા કાયરતાપૂર્ણ હુમલાનો દેશભરમાં જબરદસ્ત વિરોધ થઈ રહ્યો છે. આતંકવાદી હુમલામાં ૨૭ નાગરિકોના મોત બાદ વિફરેલુ ભારત દુશ્મન દેશ પાકિસ્તાન પર જબરદસ્ત હુમલો કરે તેવી સંભાવના છે. હાલમાં દેશ ઉપર યુધ્ધના વાદળો ઘેરાયેલા છે. તેવા સંજાેગોમાં દેશની આંતરિક સુરક્ષા પણ એટલી જ મહત્વની છે. દેશની આંતરિક સુરક્ષા જાળવવાની જવાબદારી પોલીસની છે. વડોદરા પોલીસની વાત કરીએ તો છેલ્લા ત્રણેક દિવસથી પોલીસે શહેરના ખૂણેખાંચરે છૂપાયેલા શંકાસ્પદ બાંગ્લાદેશી અને પાકિસ્તાની નાગરિકોને શોધવાની ઝૂંબેશ શરૂ કરી છે. ગઈકાલે શહેરના તુલસીવાડી વિસ્તારમાં પોલીસે લગભગ ૪૦૦થી ૫૦૦ જેટલા શંકાસ્પદોની તપાસ કરી હતી. જે દરમિયાન પાંચ બાંગ્લાદેશી નાગરિકો ઝડપાઈ ગયા હતા. આજે પોલીસે આજવા રોડના એકતા નગર વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધર્યું હતુ. જે દરમિયાન ૧૦૦ મહિલાઓ અને ૨૦૦ પુરુષો શંકાસ્પદ મળી આવ્યા હતા. જેથી ડિટેલ વેરિફિકેશન માટે તમામ ૩૦૦ જણાને પોલીસ મથકે લાવવામાં આવ્યા હતા. હાલમાં તમામના ભારતીય હોવાના આધાર પુરાવાની ચકાસણી થઈ રહી છે. તમને જાણીને આશ્ચર્ય થશે પણ એકતા નગરમાંથી ત્રણ બાંગ્લાદેશીઓ મળી આવ્યા છે. અત્યાર સુધીની ગણતરીમાં ત્રણ બાંગ્લાદેશી હોવાની વાતને પોલીસનું સમર્થન મળ્યુ છે. હજી બીજા ઘણા લોકોના વેરિફિકેશન બાકી છે. રાત સુધીમાં આંકડો વધે તેવી શક્યતા છે. વડોદરાની જેમ પાદરામાં પણ પોલીસે ૫૦૦ જેટલા શંકાસ્પદોના વેરિફિકેશનની કામગીરી શરૂ કરી છે. પાદરામાં આવેલા સોની બજારમાં કામ કરતા બંગાળી કારીગરો પોલીસના શંકાના દાયરામાં છે. બંગાળી બોલતા કારીગરોમાં કોઈ બાંગ્લાદેશી ઘુસણખોર છૂપાયો છે કે કેમ ? તે જાણવા માટે પોલીસે વેરિફિકેશન અભિયાન શરૂ કર્યું છે. પોલીસની સતર્કતા વચ્ચે વડોદરા રેલવે પોલીસે પાંચ બાંગ્લાદેશી નાગરિકોને ઝડપી પાડ્યા છે. પોલીસે તમામને ડિપોર્ટ કરવાની કાર્યવાહી શરૂ કરી છે.