વડોદરા-

ડભોઈ તાલુકાના એક ગામમાં રહેતા યુવકે આદિવાસી સમાજની ગરીબ સગીરાને લગ્નની લાલચ આપી વિશ્વાસમાં લઇ દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી હતી. આ સગીર ગર્ભવતી બનતાં યુવકે તેની માતાની મદદથી યુવતીને ગર્ભપાત કરવા તેમજ જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. ઘટનાની જાણ સગીરાની માતાને થતાં પીડિતાની માતાએ દુષ્કર્મ આચારનારા ચિંતન ઉર્ફે ચિંન્ટુ શૈલેષ પાટણવાડીયા અને આરોપીની માતા કોકીલા શૈલેષ પાટણવાડીયા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ તમામ વચ્ચે પીડિતાએ ગત 11 ઓક્ટોબરના રોજ એક સ્વસ્થ બાળકીને જન્મ આપ્યો હતો.પીડિતાએ બાળકીને જન્મ આપતાં સગીરાની માતાએ યુવકને સગીરા સાથે લગ્ન કરવા જણાવ્યું હતું, પરંતુ યુવક અને તેની માતા દ્વારા જાતી વિષયક અપશબ્દો કહી પીડિતાનો અસ્વિકાર કર્યો હતો. જેથી પીડિતાની માતાએ ડભોઈ પોલીસ સ્ટેશન ખાતે એટ્રોસિટી એક્ટ, પોસ્કો સહિત દુષ્કર્મની ફરિયાદ કરી હતી. જે ફરિયાદને આધારે ડભોઈ પોલીસે આરોપી યુવક ચિંતન ઉર્ફે ચિંન્ટુ શૈલેષ પાટણવાડીયા અને તેની માતા કોકીલા પાટણવાડીયાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.