વડોદરા : મા શક્તિની ભક્તિ તેમજ આરાધનાનું પર્વ એવા નવરાત્રિ મહોત્સવનો આવતીકાલથી પ્રારંભ થઈ રહ્યો છે. કલા અને સંસ્કારીનગરી વડોદરાના ગરબા વિશ્વ પ્રસિદ્ધ છે અને ગરબા એ વડોદરાની ઓળખ છે. કોરોનાની મહામારીના કારણે રાજ્ય સરકારે તમામ ગરબાના આયોજન પર પ્રતિબંધ મૂકયો છે જેથી વડોદરાના ઈતિહાસમાં પ્રથમ વખત સંસ્કારી નગરીમાં ગરબા વગર નવરાત્રિ મહોત્સવની ઉજવણી થશે. જેથી હજાર વરસોથી ચાલી આવતી પરંપરા આ વરસે તૂટશે. પરંતુ સરકારની બેધારી નીતિને લઈસને કેટલાંક ગરબારસિકો નિરાશ થયા છે. 

કલા, સંસ્કારી અને ઉત્સવપ્રિય નગરી તરીકે ઓળખ ધરાવતા વડોદરામાં દરેક તહેવારોની ઉત્સાહપૂર્વક અને ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. ગણેશોત્સવ અને નવરાત્રિ એ વડોદરાની વિશેષ ઓળખ છે. તેમાંય વડોદરાના ગરબા વિશ્વવિખ્યાત છે અને હજારો ખેલૈયાઓ એકસાથે એક જ સ્થળે રમવાનો વિશ્વ રેકોર્ડ પણ વડોદરાના નામે છે. પરંતુ આ વરસે નવરાત્રિ મહોત્સવને કોરોનાનું ગ્રહણ નડયું છે. નવરાત્રિમાં ગરબા રમવા માટે યુવક-યુવતીઓ દ્વારા બે-ત્રણ મહિના પહેલાંથી ચણિયાચોળી, કેડિયા, આર્ટિફિશિયલ જ્વેલરી, ઝભ્ભા-પાયજામા વગેરેની ખરીદીમાં, તો બીજી તરફ ગાયકવૃંદો ગરબાની પ્રેક્ટિસમાં અને આયોજકો મેદાનોને સમતળ કરી તેની સજાવટ-રોશની કરવામાં વ્યસ્ત થઈ જાય છે. પરંતુ આ વરસે કોરોનાની મહામારીના કારણે રાજ્ય સરકારે કોઈપણ ગરબાના આયોજન પર પ્રતિબંધ ફરમાવ્યો છે. પરંતુ જાહેર સ્થળો, માર્ગો તેમજ સાર્વજનિક સ્થાનો પર માતાજીની આરતી-પૂજા માટે પોલીસની મંજૂરી મેળવી પરવાનગી આપવામાં આવી છે. જાે કે, ફલેટ, સોસાયટીના પ્રિમાઈસીસમાં માતાજીની પૂજા-આરતી માટે કોઈપણ પરવાનગી લેવી નહીં પડે તેવો ગાઈડલાઈનમાં ફેરફાર

કરાયો છે.

આવતીકાલથી નવલાં નોરતાંનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે વરસોના ઈતિહાસમાં વડોદરામાં પ્રથમ વખત ગરબાના કોઈપણ આયોજન વગર નવરાત્રિ પર્વની ઉજવણી કરવામાં આવશે. જેથી નવરાત્રિ ઉત્સવની વરસોની પરંપરા તૂટશે. અનેક સંસ્થાઓ અને જ્ઞાતિના સંગઠનો દ્વારા પણ ગરબાના આયોજન કરાય છે, તે પણ આ વરસે થઈ શકશે નહીં. પરંતુ બીજી તરફ ચૂંટણીમાં નિયમો સાથે રેલી, સભાઓને મંજૂરી આપવામાં આવી છે જેને લઈને લોકોમાં રોષ જાેવા

મળી રહ્યો છે.

માંડવી અંબા માતાના ચોકમાં થતા માત્ર પુરુષોના ગરબા પહેલીવાર નહીં યોજાય

શહેરના માંડવી રોડ ઘડિયાળી પોળ સ્થિત પ્રાચીન અંબા માતાના મંદિર ખાતે નવરાત્રિ પર્વમાં એકમાત્ર પુરુષોના ગરબા યોજાય છે. પરંતુ આ વરસે પહેલી વખત ગુજરાત સરકાર દ્વારા જે ગાઈડલાઈન જારી કરી છે તેને ધ્યાનમાં રાખી ગરબા નહીં યોજાય તેમ જાણવા મળે છે. વડોદરાના ઘડિયાળી પોળમાં માતા અંબા જગતજનની મા હરસિદ્ધિના સ્વરૂપે સદીઓથી બિરાજમાન છે. નવરાત્રિ પર્વે માતાજીના દર્શન, પૂજા-અર્ચના અને આરાધનાનો અનેરો મહિમા છે. નવરાત્રિમાં માત્ર માઈભક્તોના ગરબીના નામે ઓળખાતા પુરુષોના ગરબા અહીં થાય છે, જે વિશ્વવિખ્યાત છે. પરંતુ આ વરસે કોરોનાની મહામારીના કારણે અંબા માતા મંદિરનું સંચાલક ટ્રસ્ટ લોકોના આરોગ્યના હિતમાં ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરશે અને તકેદારીના ભાગરૂપે આ વરસે નવરાત્રિ પર્વે પુરુષોની ગરબી મોકૂફ રાખવામાં આવી છે, માત્ર દર્શન અને આરતી થશે.

ચુંદડી, પૂજાપાનો સામાન ખરીદવા ભીડ ઉમટી

આવતીકાલથી નવરાત્રિ પર્વનો પ્રારંભ થઈ રહ્યો છે. ત્યારે આજે બજારમાં પૂજાપાનો સામાન અને માતાજીની ચંુદડી વગેરેની ખરીદી તેમજ માતાજીની મૂર્તિની ખરીદી માટે લોકોની ભીડ જાેવા મળી હતી. તેમાંય ખાસ કરીને એમ.જી. રોડ, ઘડિયાળી પોળમાં ચંુદડી, કંકુ, અગરબત્તી, ધૂપ સહિત પૂજાપાનો સામાન ખરીદવા માટે લોકોની ભીટ ઉમટતાં વેપારીઓ ખુશખુશાલ જાેવા

મળ્યા હતા.

માતાજીના મંદિરો રાત્રે ૧૦ વાગ્યા સુધી જ ખૂલ્લા રાખી શકાશે

જોઈન્ટ પોલીસ કમિશનર ચિરાગ કોરડિયાના જણાવ્યા પ્રમાણે, શહેરમાં માતાજીના મંદિરો દર્શનાર્થીઓ માટે રાત્રે ૧૦ વાગ્યા સુધી ખુલ્લા રાખી શકાશે. સરકારની ગાઇડલાઇન મુજબ પોળ, સોસાયટી, પાર્ટી પ્લોટ, ગરબા મેદાનો સહિત કોઇપણ જગ્યાએ ગરબા રમવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. માત્ર મૂર્તિની સ્થાપના કરી શકાશે અને એક કલાકની સમય મર્યાદામાં જ આરતીની પૂર્ણ કરી દેવાની રહેશે. આરતીમાં પણ ૨૦૦ વ્યક્તિઓની મર્યાદામાં જ ભેગા થઇ શકશે. પ્રસાદ પેકેટમાં વિતરણ કરી શકશે.

રણુ-ઘડિયાળી પોળ માતાજીનું મંદિર દર્શનાર્થે ખૂલ્લું રહેશે

કોરોનાની મહામારીને પગલે નવરાત્રિ દરમિયાન પાવાગઢ મહાકાળી માતાજીનું મંદિર અને કારેલીબાગ સ્થિત ઐતિહાસિક બહુચરાજી માતાજીનું મંદિર દર્શનાર્થે બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જ્યારે પાદરા તાલુકાના રણુ સ્થિ મા તુલજા ભવાની માતાજીનું મંદિર તેમજ વડોદરાના ઘડિયાળી પોળ સ્થિત અંબા માતાનું મંદિર નિયમો અને સરકારની ગાઈડલાઈન મુજબ દર્શનાર્થે ખૂલ્લું રહેશે.