છોટાઉદેપુર, પાવી જેતપુર તાલુકાના ગઢ ભીખાપુરા ગામે ભાથીજી મહારાજની ઝાયણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં સેંકડોની સંખ્યામાં લોકો ભેગા થયા હતા. આ કાર્યક્રમમાં ભેગા થયેલા લોકોએ સોશ્યલ ડીસ્ટન્સનો ભંગ કરતાં નજરે પડ્યા હતા અને મોટાભાગના લોકોએ માસ્ક પહેરવાની પણ તસ્દી લીધી ન હતી. આટલું ઓછું હોય તેમ આ ઝાયણીના કાર્યક્રમમાં કવાંટના જૈન મુની રાજેન્દ્રમુનિ મહારાજ, પાવી જેતપુર એપીએમસીના ચેરમેન અને જીલ્લા ભાજપ કિસાન મોરચાના પ્રમુખ મયુર પટેલ હાજર રહ્યા હતા. અને આ બંને મહાનુભાવોએ પણ માસ્ક પહેરવાની તસ્દી સુધ્ધાં લીધી ન હતી. સમગ્ર કાર્યક્રમના વિડીયો તથા ફોટોગ્રાફ્સ સોશ્યલ મીડીયામાં વાઇરલ થયા હતા. એક તરફ ભાજપ સરકાર લોકોને કોરોના મહામારીથી બચવા સોશ્યલ ડીસ્ટન્સ રાખવા અને માસ્ક પહેરવા આગ્રહ કરે છે અને બીજી બાજુ ભાજપના જ નેતાઓ સરકારની કોરોના ગાઈડ લાઈનનો સરેઆમ ભંગ કરતાં નજરે પડે છે. સરકારે કોઈપણ કાર્યક્રમમાં ૧૦૦ થી વધુ લોકો ભેગા ન થવા ગાઈડલાઇન બહાર પાડી છે તેમ છતાં આવા કાર્યક્રમો કરીને નિયમનો ભંગ કરાય છે.