જૂનાગઢ જૂનાગઢમાં બસ સ્ટેન્ડ નજીક આવેલ દ્વારકાધીશ માર્કેટમાં ખાનગી લેબોરેટરીમાં આજે વહેલી સવારે આગ લાગવાથી લેબોરેટરીની બાજુમાં જ આવેલ ખાનગી હોસ્પિટલમાં દાખલ ૧૦ જેટલા દર્દીઓને મહા મહેનતે રેસ્ક્યુ કરી સ્થળાંતર કરવા પડ્યા હતા. ધુમાડામાં ગૂંગળાઈ ગયેલ ત્રણ દર્દીઓની હાલત ગંભીર ગણાવાઈ રહી છે.

પ્રાપ્ત વિગતો મુજબ જૂનાગઢ શહેરમાં બસ સ્ટેન્ડ નજીક આવેલ દ્વારકાધીશ માર્કેટમાં પ્રથમ માળ પર આવેલ એસ.આર.એલ. નામની ખાનગી લેબોરેટરીમાં રાત્રિના ચાર વાગ્યા આસપાસ અચાનક જ આગ લાગી હતી. આગ ધીમે ધીમે વિકરાળ બનતા લેબોરેટરીને નજીક જ આવેલ કનેરીયા હોસ્પિટલમાં આગના ઘૂમાડા પ્રસરી જતા ત્યાં દાખલ દર્દીઓને ભારે ગૂંગળામણનો ભોગ બનવું પડ્યું હતું. કનેરીયા હોસ્પિટલમાં દસ જેટલા દર્દીઓ સારવાર માટે એડમિટ હતા તેમને અલગ અલગ જગ્યાએથી રેસ્ક્યુ કરી બહાર કાઢવાની કામગીરી કરવામાં આવી હતી.

આગ પર કાબુ મેળવવા માટે ફાયરબ્રિગેડની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી પરંતુ દર્દીના પરિવારજનોના આક્ષેપ મુજબ ફાયરના સાધનો સમયસર કામ કરી રહ્યા ન હતા પાણીનો ધોધ થતો ન હતો ફાયર બ્રિગેડને વાહનમાંથી સીડી પણ ખુલતી ન હોવાનાં આક્ષેપ થયા છે. આ એસ.આર.એલ. લેબોરેટરીના સંચાલક હાર્દિક ઠાકર હોવાનું જાણવા મળે છે. બીજી તરફ લેબોરેટરીમાં આગ લાગવાના કારણે કનેરીયા હોસ્પિટલમાં સારવારમાં રહેલ દર્દીઓને બહાર નીકળવામાં ખૂબ જ મુશ્કેલી પડી હોવાનું નજરે જાેનાર પ્રત્યક્ષદર્શીઓ જણાવી રહ્યા હતા. હોસ્પિટલમાં કમ્પાઉન્ડર મુખ્ય દરવાજે તાળું મારી બહાર નીકળી ગયા હોય જેથી ફાયર બ્રિગેડે હોસ્પિટલમાં તાળા તોડી દર્દીઓના બહાર કાઢવા પડયા હતા. હોસ્પિટલના તબીબ ડો. મૌલિક કનેરીયાના જણાવ્યા પ્રમાણે કનેરીયા હોસ્પિટલમાં આગની કોઈ ઘટના નથી બની. પરંતુ નજીકમાં આવેલ લેબોરેટરીની આગના ધુમાડાથી સફોકેશન દર્દીઓને મુશ્કેલી પડી છે. દર્દીઓને સ્થળાંતર માટે પોલીસ અને ૧૦૮ સહિતનો કાફલાએ મહા મહેનતે દર્દીઓને બચાવવાની કામગીરી કરી હતી. આગની ઘટના અંગે તબીબ અને લેબોરેટરી સંચાલક ફાયર એનઓસી હોવાનો દાવો કરી રહ્યા છે પરંતુ હોસ્પિટલમાં આગ બાદ મીડિયાની ટીમે આગ કાબુમાં કરવા માટેના સાધનો એક્સપાયરી ડેટના હોવાનું બહાર આવ્યું છે. આગની ઘટનાથી મહાનગરપાલિકા ની કામગીરી પર અનેક સવાલો ઉઠયા છે હોસ્પિટલ સત્તાધીશો પાસે ફાયર એનઓસી છે કે કેમ તે પણ તપાસનો વિષય બન્યો છે પરંતુ હાલ દર્દીઓને બચાવવાનો પ્રયાસ થયો છે ત્યારે જૂનાગઢમાં ફરી આવી ઘટના ન બને તે માટે તંત્ર શું કરે છે તે જાેવું રહ્યું.