પાટણ-

ગુજરાત સરકારે પોતાની પ્રેસ રીલિઝમાં કહ્યું હતું કે, સીએમ વિજય રૂપાણીએ પાટણ જિલ્લામાં ૨૨૩ કરોડના વિકાસકામોની ભેટ આપતા જણાવ્યું હતું કે પાણી વગર વિકાસ શક્ય નથી, ગુજરાતની વિકાસયાત્રાને અવિરત રાખવા ગુજરાતને પાણીદાર રાજ્ય બનાવવું છે. આ માટે પાણીના સ્ત્રોત ઉભા કરીને નેવાંના પાણીને મોભે ચડાવીને પણ છેવાડાના માનવી સુધી પીવાનું શુદ્ધ પાણી પહોચાડયા છે. રાજ્યમાં પાણીની સમસ્યાને ભૂતકાળ બનાવવા માટે સરકાર દ્વારા પાણી પુરવઠા અને સિંચાઇની વ્યાપક યોજનાઓ આ સરકારે સફળતાથી પાર પાડી છે એમ પણ તેમણે ઉમેર્યુ હતું. હર હાથ કો કામ, હર ખેત કો પાની... ના સૂત્રને સાર્થક કરવા નર્મદા, ઉકાઇ, કડાણા, પાનમ, ધરોઇ, દાંતીવાડા જેવા મોટા ડેમો થકી સિંચાઇ યોજનાઓનું કાર્યક્ષેત્ર વધારવામાં આવ્યું છે તેમજ રાજ્યમાં ૧ લાખ કિ.મી. લાંબી પાઇપલાઇન વિતરણ નેટવર્ક ઉભુ કરી રાજ્યના છેવાડાના અંતરિયાળ વિસ્તારોમાં શુદ્ધ પાણી આ સરકારે પહોંચાડ્યું છે,

તેમ વિજય રૂપાણીએ કહ્યું હતું. ભૂતકાળની કોંગ્રેસ સરકારના શાસનમાં નર્મદા ડેમના દરવાજા નાંખવાની મંજુરી ન મળવાને કારણે ગુજરાતની પ્રજા પાણી વિના ટળવળતી હતી તેની વેદના વ્યક્ત કરતા સીએમએ ઉમેર્યુ હતું કે તત્કાલીન સીએમ અને હાલના પીએમ મોદીએ ગુજરાતની પાણીની સમસ્યાની ચિંતા કરી અને પીએમ થયાના ૧૭ જ દિવસમાં નર્મદા ડેમના દરવાજા નાંખવાની મંજુરી આપી, નર્મદાનું લાખો ક્યુસેક મીઠું પાણી દરીયામાં વહી જતું અટકાવ્યું છે અને વિકાસના નવા દ્વાર ખૂલી ગયા છે. સીએમએ ઉમેર્યુ હતું કે, ગુજરાતે પાવર ગ્રિડ ઉભી કરી છે તેમજ જ્યોતિગ્રામ યોજના થકી ગામડાઓમાંથી અંધારું ઉલેચ્યું છે. તેમજ દરીયાના ખારા પાણીને મીઠું પાણી બનાવવા માટે રાજ્યમાં ૫ સ્થળોએ ડીસેલીનેશન પ્લાન્ટ ઉભા કરવામાં આવી રહ્યા છે તેની વિસ્તૃત છણાવટ તેમણે કરી હતી. પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાએ જણાવ્યું હતું કે, દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના તમામ નાગરિકોને શુદ્ધ પીવાનું પાણી મળી રહે તેની ચિંતા કરી છે

અને તેમણે વર્ષ-૨૦૧૯માં જલ જીવન મિશન સમગ્ર દેશમાં અમલી બનાવ્યું છે. આ ઉમદા મિશનને વર્ષ-૨૦૨૨ સુધીમાં ગુજરાત રાજ્યમાં પૂર્ણ કરવા સંવેદનશીલ ઝ્રસ્એ સુચારૂ આયોજન કર્યુ છે. તેણે ઉમેર્યુ હતું કે, પાટણ જિલ્લામાં આજ રોજ નર્મદા મુખ્ય કેનાલ આધારીત શુદ્ધ પીવાનું પાણી પુરૂ પાડવા માટે રાધનપુર શહેર તેમજ રાધનપુર અને સાંતલપુર તાલુકાના ૧૨૭ ગામોની રૂ.૧૭૩.૭૩ કરોડની પાણી પુરવઠા યોજના તથા હારીજ શહેરમાં ૩.૦૦ એમ.એલ. ક્ષમતાના સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ માટે રૂ.૯.૧૭ કરોડ અને રાધનપુર શહેરમાં ૬.૦૦ એમ.એલ. ક્ષમતાના સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ માટે રૂ.૧૪.૯૭ કરોડ મળી કુલ રૂ.૧૯૭. ૮૭ કરોડના કામોનું ખાતમૂર્હત કરવામાં આવ્યું છે. આ પ્રસંગે પાણી પુરવઠા વિભાગના સચિવ ધનંજય દ્વિવેદીએ મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરી જણાવ્યું હતું કે, પાટણ જિલ્લામાં કુલ-૨,૯૭,૮૫૦ ગ્રામિણ વિસ્તારના ઘરોમાંથી ૨,૯૨,૨૨૯ ઘરોને શુદ્ધ પીવાના પાણી માટે નલ સે જલ યોજના અંતર્ગત આવરી લેવામાં આવ્યા છે.