10, જુલાઈ 2024
1386 |
વડોદરા શહેરમાં રસ્તે રખડતા ઢોરોના કારણે અવાર નવાર અકસ્માતની ઘટનાઓ બનતી હોય છે. રસ્તે રખડતા ઢોરો અને તેના પાલકો સામે વડોદરા મહાનગર પાલિકા અને પોલીસ દ્વારા કાયદસેરના પગલા લેવામાં આવે છે. પરંતુ પશુ પાલકો સુધરવાનુ નામ નથી લઇ રહ્યાં અને રસ્તા પર ખુલ્લેઆમ ઢોરો જાેખમી રીતે રખડતા જાેવા મળે છે. તેવામાં પાલીકાની ઢોર પાર્ટી રસ્તે રખડતા ઢોરને પકડવા જતા પશુ પાલકે તેમની ઉપર હીંસક હુમલો કર્યો હોવાની ઘટના બની છે.
આ બનાવની વિગત એવી છે કે, રસ્તે રખડતા ઢોરોને પકડવા માટે વડોદરા મહાનગર પાલીકાની ઢોર પાર્ટી સતર્કતા દાખવી રહીં છે. ત્યારે કેટલીક વખત ઢોર પાર્ટી એક્શન લેતી હોય છે, ત્યારે તેમની ઉપર પશુ પાલકો દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાના અનેક કિસ્સા પોલીસ ચોપડે નોંધાયેલા છે. તેવામાં આજરોજ ગોલ્ડન ચોકડી ખાતે રસ્તે રખડતા ઢોરને પકડવા માટે પાલિકાની ટીમ પહોંચી હતી. જ્યાં એક પશુ પાલક આવી પહોંચતા ઢોર પાર્ટીના કર્મીઓ સાથે ઉગ્ર વર્તન કરી ગાળા ગાળી અને ઝપાઝપી કર્યા બાદ ડાંગ વડે હુમલો કર્યો હતો. જે બાદ તેની ડાંગ છીનવી લેતા તેના ફુટપાથ પર પડેલો પથ્થર પાલિકાના કર્મચારીના માથામાં મારી દેતા તેઓ લોહીથી લથબથ થઇ ફુટપાથ પર પડી ગયા હતા. આ મામલે પાલિકાની ટીમ દ્વારા સ્થાનિક પોલીસને જાણ કરતા હરણી પોલીસ સ્થળ પર પહોંચી હુમલાખોર પશુ પાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.