દિલ્હી-

વિશ્વભરમાં લોકશાહીની સંસ્થાઓ અને તેમના મૂલ્યોનું જતન કરવાના સંકલ્પને અમેરીકન પ્રમુખ જો બાયડેને ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની પોતાની પહેલી વાતચીત દરમિયાન દોહરાવ્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે, આવો સંકલ્પ જ ભારત-અમેરીકા વચ્ચેના સંબંધોને ટેકો આપનારો બની રહેશે. 

મોદીએ કહ્યું હતું કે, બંને વચ્ચે થયેલી વાતચીતમાં ભારતીય પ્રશાંત અને તેનાથીય આગળના વિસ્તારોમાં શાંતિ અને સુરક્ષા સ્થપાય એ માટે બંને દેશો એકબીજા સાથે વ્યૂહાત્મક ભાગીદારી સાધશે અને કાનૂનગત આંતરરાષ્ટ્રીય સીમારેખાનું સન્માન કરે છે. વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, પર્યાવરણમાં થતા ફેરફારો બાબતે સજાગ રહીને તેમાં સુધારો કરવા માટે અમે પ્રતિબદ્ધ છીએ. તેમણે કહ્યું હતું કે, આગામી સમયમાં બંને દેશ સાથે મળીને એવી રીતે કામ કરશે, જેથી તેઓ કોવિડ-19ને મહાત કરી શકે, વિશ્વભરના અર્થતંત્રમાં બંને દેશોના લોકોને ફાયદો થાય એવું યોગદાન આપી શકે અને વૈશ્વિક ત્રાસવાદની સામે ટક્કર આપી શકાય એ રીતે બંને દેશો એકબીજાની સાથે કામ કરશે.