આ કોલ્ડપ્લે છે શું? 
29, સપ્ટેમ્બર 2024 દિપક આશર   |  

કોલ્ડપ્લે ભારતમાં આવી રહ્યું છે. આ સમાચારે સોશિયલ મીડિયા અને તેની બહારની દુનિયામાં હલચલ મચાવી દીધી છે. ઑક્ટોબર 2021માં બૅન્ડે જાહેરાત કરી કે તેઓ તેમના નવમા અને દસમા આલ્બમના પ્રચાર માટે પ્રવાસ કરશે. આ આલ્બમ્સ છે - 'મ્યુઝિક ઑફ ધ સ્ફિયર્સ' અને 'મૂન મ્યુઝિક'. આ પ્રવાસનું શીર્ષક હતું, મ્યુઝિક ઓફ ધ સ્ફિયર્સ વર્લ્ડ ટૂર. કોલ્ડપ્લેએ કહ્યું હતું કે તેઓ વિશ્વભરમાં પ્રવાસ કરશે. આ પ્રવાસ 18 માર્ચ 2022ના રોજ શરૂ થયો હતો. આ ટુર પણ મેલબોર્ન, સિડની અને અબુ ધાબી જેવા શહેરોમાંથી પસાર થઈને મુંબઈ આવી રહી છે. બેન્ડે જાહેરાત કરી કે તેઓ 18 અને 19 જાન્યુઆરી 2025 ના રોજ મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમમાં પરફોર્મ કરવા જઈ રહ્યા છે.

બ્રિટિશ મ્યુઝિક બેન્ડ કોલ્ડપ્લેએ મુંબઈમાં પરફોર્મ કરવાની જાહેરાત કરી કે તરત જ ભારતમાં ટિકિટ માટે દોડધામ થઈ ગઈ હતી, પરંતુ ટિકિટ માટેની આ સ્પર્ધા બુક માય શો એપ પૂરતી મર્યાદિત ન હતી, સ્પર્ધા સોશિયલ મીડિયા પર પણ હતી. ભારતમાં ઈન્ટરનેટ યૂઝર્સ હંમેશા કોઈ પણ બાબત પર 'કોહરામ' મચાવવાની તક શોધતા જ હોય છે, જેથી આ મુદ્દે હોબાળો પણ થયો હતો.

ટિકિટ બારી 22 સપ્ટેમ્બરે બપોરે 12 વાગ્યે ખુલવાની હતી. જનતા રાતથી જ પોતાના લેપટોપ અને ફોન સાથે તૈયાર હતી. સોશિયલ મીડિયા પર આવા અસંખ્ય ફોટા ફરતા થયા હતા, જેમાં એક વ્યક્તિ એકસાથે વધુ ફોન અને લેપટોપ પર ટિકિટ બુક કરવાનો પ્રયાસ કરી રહ્યો હોય. વેલ, 12 વાગ્યા પહેલા જ બુક માય શો પર એટલો બધો ટ્રાફિક હતો કે પ્લેટફોર્મ જ ક્રેશ થઈ ગયું હતું! ટિકિટો દરરોજ વેચાતી ગઈ. જે બાદ કોલ્ડપ્લેએ બીજી જાહેરાત કરી હતી. તેઓએ જણાવ્યું કે લોકોના ઉત્સાહને ધ્યાનમાં રાખીને તેઓ વધુ એક શો કરશું! બેન્ડ 21 જાન્યુઆરીએ મુંબઈમાં પણ પરફોર્મ કરશે અને તેની ટિકિટ બુક કરવાનો સમય બપોરે 2 વાગ્યાનો હતો. આ સ્લોટની ટિકિટો પણ આવતાની સાથે જ ખાલી થઈ ગઈ હતી! કોલ્ડપ્લે માટે આવો ભયાનક ક્રેઝ કેમ? શું છે આ બેન્ડની કહાની? કેટલીક રસપ્રદ બાબતો જાણીએ.

કોલ્ડપ્લેને એક શબ્દ આપવો હોય તો, કહી શકાય સન્સેશન!! ક્રિસ માર્ટિન, ગાય બેરીમેન, જોની બકલેન્ડ અને વિલ ચેમ્પિયન. આ ચાર છોકરાઓની જુગલબંધીથી અસ્તિત્વમાં આવ્યું છે - આ બ્રિટિશ બેન્ડ. આ બ્રિટિશ બેન્ડ સમકાલીન સંગીતમાં બનેલી સૌથી સેન્શેસનલ બાબતોમાંની એક તરીકે ઉભરી આવ્યું છે. આજે કર્કશ ગિટાર, હેમરિંગ ડ્રમ્સ અને મોટાભાગે ઘોંઘાટવાળા સંગીતની વચ્ચે આ છોકરાઓ સોફ્ટ ગિટાર, મધુર સંગીત અને દિલને ગમી જાય એવા ગીતો સાથે લોકો વચ્ચે આવે છે. કદાચ આ એકદમ વિરોધાભાસી શૈલીને કારણે તેઓ આ મુકામ પર પહોંચી શક્યા છે.

આ છોકરાઓમાં એવું શું ખાસ છે કે જેના કારણે તેઓ ટોચ પર પહોંચી ગયા અને ત્યાં જ સ્થાન જાળવીને બેઠા છે? મોટાભાગના લોકો કહે છે કે તેમની દરેક રચના પાછળ આધ્યાત્મિકતાનો સ્પર્શ છે, અને એવું લાગે છે કે તેઓ દરેક તારમાંથી દિલને છૂ લે એવું સંગીત રેલાવે છે. એક બ્રિટિશ રૉક બેન્ડની રચના ૧૯૯૬માં ગાયક ક્રિસ માર્ટિન અને ગીટારિસ્ટ જોન બકલેન્ડ દ્વારા કરવામાં આવી હતી. શરૂઆતમાં આ બેન્ડને પેક્ટોરાલ્ઝ નામ આપવામાં આવ્યું હતું. બેઝિસ્ટ ગાય બેર્રિમેન આ બેન્ડમાં જોડાયા ત્યારબાદ બેન્ડનું નામ સ્ટારફીશ રાખવામાં આવ્યુ હતું. એ પછી ચોથા મેમ્બર વીલ ચેમ્પિયન ડ્રમ્મર, ગાયક, અન્ય વાજિંત્ર વગાડનાર તરીકે જોડાયા હતા.

બેન્ડની શરૂઆત એવી રીતે થઈ કે ક્રિસ અને જોની બંને યુનિવર્સિટી કોલેજ લંડનમાં મળ્યા હતા. વર્ષ હતું 1996. કોલેજનું પહેલું અઠવાડિયું હતું. બંનેનો જુસ્સો સરખો હતો. ક્રિસ અને જોનીએ અગાઉ 'બિગ ફેટ નોઈઝ' અને 'પેક્ટોરાલ્ઝ' નામથી પરફોર્મ કર્યું હતું. 1997માં તે ગાય બેરીમેનને મળ્યો હતો. આ પછી તેણે બેન્ડનું નામ 'સ્ટારફિશ' રાખ્યું હતું. લાંબા સમય સુધી બેન્ડ આ નામ હેઠળ કોન્સર્ટમાં પ્રદર્શન કરવાનું ચાલુ રાખ્યું હતું. 1999માં 'ધ સાયન્ટિસ્ટ' ગીતના વિડિયો માટે 'સ્ટારફિશ' 'કોલ્ડપ્લે' બન્યું હતું, બેન્ડના મુખ્ય ગાયક ક્રિસ માર્ટિને આ ગીતને રિવર્સ ગાવાની પ્રેક્ટિસ પણ કરી હતી.

તેણે 2000માં તેનો પહેલો સ્ટુડિયો આલ્બમ 'પેરાશુટ્સ' રિલીઝ કર્યું હતું. અમેરિકન રોક ગિટારવાદક જોય સેટેરિયાનીએ 2008માં કોલ્ડપ્લે બેન્ડ સામે કેસ દાખલ કર્યો હતો. જોયનો દાવો હતો કે બેન્ડે તેમના ગીત 'વિવા લા વિદા' માટે 'ઈફ આઈ કુડ ફ્લાય'માંથી તેમના ગીતો ચોરી લીધા હતા. કોલ્ડપ્લેનું પહેલું હિટ ગીત 'શિવર' હતું. રિલીઝ થયા બાદ તે હિટ લિસ્ટમાં 35મા નંબર પર હતું. લોકપ્રિય ગીતો - ફિક્સ યૂ, ક્લૉકસ, ધ સાયન્ટિસ્ટ, પૈરેડાઇઝ, આ સ્કાય ફૂલ ઓફ સ્ટાર્સ વગેરે છે.

વર્ષ 1998માં આલ્બમ સેફ્ટી લાવ્યા પછી, કોલ્ડપ્લેએ 1999માં પાર્લોફોન સાથે કોન્ટ્રેક્ટ કર્યો હતો. તેમનું પ્રથમ આલ્બમ પેરાશુટ્સ (2000) લખ્યું હતું. તેને બ્રિટિશ આલ્બમ ઓફ ધ યર માટે બ્રિટ એવોર્ડ અને શ્રેષ્ઠ સંગીત આલ્બમ માટે ગ્રેમી એવોર્ડ મળ્યો હતો. ગ્રૂપનું ફોલો-અપ, એ રશ ઓફ બ્લડ ટુ ધ હેડ (2002) પણ ખુબ જ પોપ્યુલર થયા હતા. એક્સ ઍન્ડ વાય (2005)ને ગ્રેમી એવોર્ડ્સમાં શ્રેષ્ઠ રોક આલ્બમ માટે શોર્ટલિસ્ટ કરવામાં આવ્યું હતું. એ પછી આ બેન્ડના વિવા લા વિડા ઓર ડેથ એન્ડ ઓલ હિઝ ફ્રેન્ડ્સ (2008) ખુબ જ વખાણાયાં હતા. બંને રિલીઝ પોતપોતાના વર્ષોમાં બેસ્ટ સેલર બન્યા હતા. એટલું જ નહીં 30થી વધુ દેશોમાં ચાર્ટમાં ટોચ પર રહ્યા હતા. વિવા લા વિડાનું ટાઇટલ ટ્રેક 21મી સદીમાં બિલબોર્ડ હોટ 100 અને યુકે સિંગલ્સ ચાર્ટમાં એકસાથે લીડ કરનાર કોઈ બ્રિટિશ બેન્ડનું પ્રથમ ગીત હતું.

કોલ્ડપ્લેના વિશ્વભરમાં 100 મિલિયનથી વધુ આલ્બમ્સ વેચાયા છે. કોલ્ડપ્લે એ અત્યાર સુધીના સૌથી વધુ વેચાતા મ્યુઝિકમાં સામેલ છે. ફ્યુઝે તેમને ઇતિહાસમાં છઠ્ઠા-સૌથી વધુ પુરસ્કૃત જૂથ તરીકે સ્થાન આપ્યું હતું, જેમાં બેન્ડ દ્વારા સૌથી વધુ બ્રિટ એવોર્ડ જીતવાનો સમાવેશ થાય છે. તેઓ યુનાઇટેડ કિંગડમમાં સૌથી વધુ વેચાતા 50માંથી ત્રણ આલ્બમ ધરાવે છે.

કોલ્ડપ્લેએ અત્યાર સુધીની 15 સૌથી વધુ કમાણી કરનાર ટુરમાંથી બે પોતાના નામે કરી છે. બ્રિટિશ ફોનોગ્રાફિક ઈન્ડસ્ટ્રીએ તેમને વિશ્વના 'સૌથી પ્રભાવશાળી અને અગ્રણી' કલાકારોમાંના એક તરીકે વર્ણવ્યા છે. 2023માં ટાઈમે બેન્ડને સૌથી વધુ પ્રભાવશાળી એક્શન લીડર્સ તરીકે ગણાવ્યું છે. વર્ષ 2016માં પણ કોલ્ડપ્લેએ ગ્લોબલ સિટીઝન ફેસ્ટિવલ અંતર્ગત ભારતમાં પ્રદર્શન કર્યું હતું. તે જ વર્ષે જાન્યુઆરીમાં તેમનું એક ગીત રિલીઝ થયું હતું - હાયમન ફોર ધ વીકએન્ડ. બેન્ડે વારાણસીમાં તેનું શૂટિંગ પણ કર્યું હતું. વીડિયોમાં સોનમ કપૂર અને બિયોન્સ પણ જોવા મળી રહી છે. કેટલાક લોકોએ આ ગીતની ટીકા પણ કરી હતી અને કહ્યું હતું કે ભારતીયોને એવી રીતે જ દર્શાયાવાય છે, જે રીતે અગાઉ હોલિવૂડની ડઝનેક ફિલ્મોમાં કરવામાં આવ્યું હતું.

મુંબઈમાં યોજાનારા શો માટેનો ક્રેઝ એ હદે છે કે વાત ન પૂછો! એક કિસ્સામાં કોન્સર્ટની ટિકિટ માટે કરવામાં આવેલી તમામ મહેનત વ્યર્થ ગઈ ત્યારે લોકો તેમના દુઃખને છુપાવી શક્યા નહીં. આવી સ્થિતિમાં જો કોઈને કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટ ભેટ તરીકે મળે તો? આવી સરપ્રાઈઝ એક યુગલને તેમના મેરેજમાં આપવામાં આવી હતી. કન્યાના માતા-પિતાએ કંઈક અલગ કરવાનું વિચાર્યું હતું. તેઓએ કપલને ગિફ્ટમાં કોલ્ડપ્લેના કોન્સર્ટની ટિકિટ ઓફર કરી હતી! હાં, આ કિસ્સો સત્ય હકીકત છે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution