લોભી હોય ત્યાં ધુતારા ભુખે ના મરે, પત્નીએ ચોરીની બીકે 50 લાખ રોકડા અને દાગીના જમીનમાં દાટ્યા, ચોર લૂંટી ગયા
08, ફેબ્રુઆરી 2021

નડિયાદ-

નડિયાદ જીઆઇડીસીમાં લોખંડના ડ્રમ બનાવવાની ફેક્ટરી બંધ હાલતમાં છે. જાેકે વોચમેન તરીકે ફરજ બજાવતા આધેડને જમીન લે-વેચના મામલે તકરાર થતાં તેમના વિરુદ્ધ એટ્રોસિટીની ફરિયાદ થતાં પિતા-પુત્ર જેલમાં હતા. આ સમયે ચોરી થવાની બીકે વોચમેનની પત્નીએ દાગીના અને રોકડ ખાડો ખોદી સંતાડી દીધા હતા, જે ૪ શખસ ચોરી જતાં આ મામલે નડિયાદ રુરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે.

નડિયાદ જીઆઇડીસીમાં અરવિંદભાઈ રમણભાઈ ઝાલા વોચમેન તરીકે ફરજ બજાવે છે. તેમણે તેમના મિત્રને આપેલા ઉછીના રૂ. ૨,૨૦,૦૦૦ મામલે તકરાર થયા બાદ તેમની સામે એટ્રોસિટી અન્વયે ફરિયાદ નોંધાતાં અરવિંદભાઈ અને તેમના પુત્રની અટક કરી જેલમાં મોકલી આપવામાં આવ્યા હતા. પતિ-પુત્રને જેલ થતાં ચોરીની બીકે અરવિંદભાઇનાં પત્ની સોનલબેને રૂ. ૨,૨૦,૦૦૦ના દાગીના અને રોકડા રૂ. ૫૦ લાખ ફેક્ટરીની જમીનમાં ખાડો ખોદીને સંતાડી દીધા હતા, જે ૪ અજાણ્યા શખસે સોનલબેન અને તેમની દીકરીને માર મારી લઇ ગયાં હતાં. આ બાબતમાં ખાનગી તપાસમાં ચોરી સંજય રઈજીભાઈ તળપદા, દેવેન્દ્ર ઉર્ફે દેવો રાજુભાઇ તળપદા, નરેન્દ્ર સંતુભાઈ તળપદા અને દિનેશ ગોવિંદભાઈ તળપદાએ કરી હોવાનું માલૂમ પડતાં રુરલ પોલીસ મથકે ફરિયાદ કરવામાં આવતાં પોલીસે તપાસ હાથ ધરી છે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution