તા.૧૨ સપ્ટેમ્બર, ૨૦૧૬ના રોજ શકરપુર ગ્રામ પંચાયતના ખાતામાં ૩૦૭૮ બેલેન્સ હતું. હું સરપંચ તરીકે ચૂંટાયા બાદ તા.૧૭ જાન્યુઆરી, ૨૦૧૭થી ગ્રામ પંચાયતમાં સત્તા સંભાળી હતી. ગ્રામ્ય વિકાસના કામોનું આયોજન કરવાનું હોઇ નાણાપંચની ગ્રાન્ટ બાબતે તપાસ કરતાં ખાતામાં માત્ર વ્યાજ સહિત ૩૨૪૧ રૂપિયા જમા રહ્યાં હતાં. વધુ તપાસ હાથ ધરતાં સમગ્ર પ્રક્રિયાને અનુસર્યા વગર સદર ભ્રષ્ટાચારમાં પૂર્વ સરપંચ દિનેશચંદ્ર પટેલ, તલાટી નરેશભાઈ એમ.મકવાણા, સ્થાનિક કોન્ટ્રેક્ટર ભૌમિક ગજ્જર, એચ.એ.ગજ્જર સામેલ હોવાનું જાણવા મળ્યુ હતું. આ બાબતે ૩૪,૨૫,૦૧૩ રૂપિયા જેટલી રકમની ઉચાપત થઈ હોવાથી તપાસ હાથ ધરી ભ્રષ્ટાચારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવા ટીડીઓ, ડીડીઓ, કલેક્ટર કચેરી, ડીએસપી કચેરીએ રજૂઆત કરી હતી. પરિણામે ટેક્‌નિકલ બાબતોની તપાસ કરવા આણંદ જિલ્લાના નાયબ કાર્યપાલક ઈજનેર જે.કે.પેટલ સહિતની જિલ્લા ટીમ, તાલુકા વિકાસ અધિકારી રણજીતસિંહ માટીએડા સહિતના અધિકારીઓએ તપાસ આદરી હતી. 

ડીડીઓને કૌભાંડીઓ સામે કાયદાકીય કાર્યવાહી કરવા અંગે રિપોર્ટ કરાયો હતો, પણ ખાલી નાટક જ થયાં હતાં

તાલુકા વિકાસ અધિકારીના ૭૫૯/૧૮ના પત્રથી નાયબ જિલ્લા વિકાસ અધિકારી- જિલ્લા પંચાયત વિકાસ શાખાને પૂર્વ સરપંચ, તલાટી કમ મંત્રી, પેટા કોન્ટ્રેક્ટર ગજ્જર દ્વારા નાણાકીય ઉચાપત થતી હોઇ તેઓની સામે કાયદાકીય કાર્યવાહી કરવાની બાબતે રિપોર્ટ રજૂ કરી દીધો હોવા છતાંય આજ દિન સુધી જિલ્લા કક્ષાએથી કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી ન હતી. ખાલી નાટક જ થયાં હતાં. વર્તમાન સરપંચ દ્વારા વાંરવાર રજૂઆત અને કાયદેસરની પ્રક્રિયા અનુસરવાના પરિણામે પુનઃ તપાસનો દોર શરૂ થયો છે.

વિકાસના કામે ગેરરીતિ છતાં સ્થાનિક કોન્ટ્રેક્ટરને કોન્ટ્રેક્ટ અપાઇ રહ્યાં છે?

વિકાસના કામે નાણાકીય ગેરરીતિઓમાં મોખરે કહેવાતાં ભ્રષ્ટ કોન્ટ્રેક્ટર ભૌમિક ગજ્જરને રાજકીય આશીર્વાદથી હાલ પણ તાલુકા પંચાયતના વિવિધ ગ્રાન્ટોના કોન્ટ્રેક્ટ અને પેટા કોન્ટ્રેક્ટ અપાઇ રહ્યા છે. જેને કારણે વિકાસના કામોમાં ગેરરીતિઓ થવાની સબળ આશંકાઓ વર્તાઈ રહી છે. આજ દિન સુધી કોન્ટ્રેક્ટર ભૌમિક ગજ્જર દ્વારા કરાયેલાં વિકાસના કામોની વિજિલન્સ દ્વારા તટસ્થ તપાસ હાથ ધરાય તો મસમોટા કૌભાંડો બહાર આવવાની સંભાવના રહેલી છે.

ડીડીઓના આદેશાનુસાર ટેક્‌નિકલ બાબતોની તપાસ હાથ ધરી

૧૩ અને ૧૪ની નાણાપંચની ગ્રાન્ટમાંથી થયેલ નાણાકીય ગેરરીતિઓ બાબતે તપાસ કરવા જિલ્લા વિકાસ અધિકારીના આદેશનુસાર ખંભાતના શકરપુર ખાતે ટેક્‌નિકલ બાબતોની તપાસ આદરી છે. જિલ્લા ટીમ, તાલુકા વિકાસ અધિકારી, સરપંચ, પૂર્વ સરપંચ, કોન્ટ્રેક્ટર, તલાટીની ઉપસ્થિતિમાં સ્થળ નિરીક્ષણ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. - જે.કે.પટેલ, નાયબ કાર્યપાલક ઈજનેર, આણંદ