દિલ્હી-

બાંગ્લાદેશમાં હેફજાત-એ-ઈસ્લામના સમર્થકોએ એક હિંદુ ગામ પર હુમલો કરી દીધો હતો. સુનામગંજના શલ્લા અપજિલામાં આવેલા એક હિંદુ ગામ પર બુધવારે સવારે હજારો લોકોના ટોળાએ હુમલો કરી દીધો હતો. હકીકતે એક હિંદુ વ્યક્તિએ ફેસબુક પોસ્ટ દ્વારા બંગબંધુની મૂર્તિનો વિરોધ કરનારા હેફજાત-એ-ઈસ્લામના સંયુક્ત મહાસચિવ માવલાના મુફ્તી મામુનુલ હકની ટીકા કરી હતી.

એક અહેવાલ પ્રમાણે હેફજાત-એ-ઈસ્લામના અમીર અલ્લામા જુનૈદ બાબુનગરી, સંયુક્ત મહાસચિવ માવલાના મુફ્તી મામુનુલ હક અને અન્ય કેટલાય કેન્દ્રીય નેતાઓએ સોમવારે એક કાર્યક્રમ દરમિયાન બંગબંધુની મૂર્તિનો વિરોધ કર્યો હતો. બંગબંધુ શેખ મુજીબઉર રહમાન બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ હતા.

અનેક કટ્ટરપંથી ઈસ્લામી સંગઠનો વર્તમાન વડાપ્રધાન શેખ હસીનાના પિતા બંગબંધુ શેખને રાષ્ટ્રપતિ માનવાની મનાઈ કરે છે. હેફજાત-એ-ઈસ્લામે બંધબંધુની મૂર્તિનો વિરોધ કર્યો હતો અને એક હિંદુએ તે વિરોધ સામે સવાલ ઉઠાવ્યો એટલે તેના ગામ પર હુમલો કરવામાં આવ્યો હતો. હુમલાના કારણે અનેક સ્થાનિકોએ જીવ બચાવવા ઘર છોડીને ભાગવું પડ્યું હતું અને ૭૦-૮૦ ઘરોમાં તોડફોડ થઈ હોવાના અહેવાલ છે.