કુઆલાલામ્પુર-

મલેશિયાના ધાર્મિક મામલાઓના મંત્રી જુલ્કિફલી મોહમ્મદ પોતાના વિચિત્ર પ્રસ્તાવને લઈ ચર્ચામાં આવ્યા છે. જુલ્ફિકલી મોહમ્મદે ટ્રાન્સજેન્ડર લોકોની ધરપકડ બાદ તેમને શિક્ષિત કરવા જણાવ્યું છે. પોતાના આ પ્રસ્તાવના કારણે જુલ્ફિકલીએ તમામ ટીકાઓનો સામનો કરવો પડી રહ્યો છે. મલેશિયાના સામાજીક કાર્યકર્તા જુલ્ફિકલીના આ પ્રસ્તાવનો વિરોધ કરી રહ્યા છે.

સામાજીક કાર્યકર્તાઓના કહેવા પ્રમાણે અહીં પહેલેથી જ માનવાધિકારો સુરક્ષિત નથી અને આ પ્રસ્તાવ ટ્રાન્સજેન્ડર્સ માટે વધુ એક ઝાટકા સમાન સાબિત થશે. રાજકીય તખ્તાપલટ બાદ સત્તામાં આવેલા પેરિકાટન ગઠબંધનના જુલ્ફિકલી મોહમ્મદે તાજેતરમાં જ એવી જાહેરાત કરી હતી કે તેમણે ઈસ્લામિક અધિકારીઓને ટ્રાન્સજેન્ડર લોકોને સાચા રસ્તે પાછા લાવવા સંપૂર્ણ લાઈસન્સ આપ્યું છે.

જુલ્ફિકલી મોહમ્મદે પોતાની એક ફેસબુક પોસ્ટમાં લખ્યું હતું કે, 'ઈસ્લામ એક એવો ધર્મ છે જે શિક્ષિત કરવા ઈચ્છે છે. અમે પ્રધાનમંત્રીના વિભાગમાં ધાર્મિક મામલાઓની વિંગ અંતર્ગત તમામ એજન્સીઓના એકીકૃત પ્રયત્નોની દિશામાં કામ કરીશું.' જુલ્કિફલીની આ જાહેરાત બાદ કાર્યકર્તાઓમાં આક્રોશ વ્યાપેલો છે. કાર્યકર્તાઓના કહેવા પ્રમાણે આ ગઠબંધન સત્તામાં આવ્યું ત્યાર બાદ માત્ર ચાર મહીનામાં જ અનેક નિર્ણયો લેવામાં આવ્યા છે જે માનવાધિકારનું હનન કરે છે.