દિલ્હી-

સુપ્રીમ કોર્ટના મુખ્યન્યાયાધીશ એનવી રમન્ના અને ન્યાયાધીશ ડી વાય ચંદ્રચુડ તેમજ સૂર્યકાંતની બેંચે કહ્યું કે આ મામલે એક વિસ્તૃત આદેશ જારી કરવામાં આવશે. સાથે એવી પણ સ્પષ્ટતા કરી કે અમે આવા મામલાઓમાં સીબીઆઇ કે ઇડી જેવી તપાસ એજન્સીઓ અંગે કોઇ આદેશ નહીં આપીએ ના તો કોઇ સલાહ આપીશું. કેમ કે તેનાથી આ એજન્સીઓના મનોબળ પર અસર થશે. જાેકે આ એજન્સીઓએ એ સુનિશ્ચિત કરવું જાેઇએ કે તપાસ વધુ ઝડપથી પૂર્ણ થઇ જવી જાેઇએ.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે આવા ૨૦૦ જેટલા કેસો કોર્ટોમાં પેન્ડિંગ છે, સોરી મિસ્ટર તુષાર મહેતા પણ જે રિપોર્ટ સામે આવી રહ્યા છે તે આશ્ચર્યજનક છે, ધારાસભ્યો અને સાંસદો સામેના કેસોમાં ૧૦થી ૧૫ વર્ષ વીતી ગયા હોવા છતા ચાર્જશીટ દાખલ નથી કરવામાં આવી. આવા કેસોમાં માત્ર સંપત્તિઓ જપ્ત કરી લેવાથી નહીં ચાલે. સુપ્રીમ કોર્ટમાં અશ્વિની ઉપાધ્યાય દ્વારા એક જાહેર હિતની અરજી થઇ છે જેમાં જાે કોઇ સાંસદ કે ધારાસભ્ય તેમની વિરુદ્ધના કેસોમાં દોષીત ઠરે તો તેમને આજીવન ચૂંટણી લડવા પર પ્રતિબંધ મુકવામાં આવે તેવી માગણી કરવામાં આવી છે. સાથે જ આવા કેસોનો ઝડપી નિકાલ કરવાની પણ માગણી કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારોને કહ્યું હતું કે દ્વેષપૂર્ણ કેસોને પરત લેવાના સરકાર પાસે અધિકાર છે અને કોર્ટ તેના વિરુદ્ધમાં નથી. જાેકે જે રાજ્યોના કેસ હોય ત્યાંની હાઇકોર્ટ દ્વારા તેની ચકાસણી થવી જાેઇએ. સાંસદો અને ધારાસભ્યોની સામે જે આપરાધીક કેસો પેન્ડિંગ છે તેના નિકાલમાં થઇ રહેલા વિલંબને લઇને પણ સુપ્રીમ કોર્ટે ચિંતા વ્યક્ત કરી હતી અને કેન્દ્રને યોગ્ય મદદ કરવા પણ કહ્યું છે.