07, નવેમ્બર 2023
વડોદરા, તા.૬
વડોદરા શહેરમાં મહિસાગર સ્થિત ચાર ફ્રેન્ચકૂવા રાયકા-દોડકા, ફાજલપુર અને પોઈચામાંથી દરરોજનું રપ૦થી ૩૦૦ એમએલડી પાણી શહેરના ઉત્તર અને પૂર્વ ઝોનમાં ૬ લાખ લોકોને પૂરું પાડવામાં આવે છે. છેલ્લાં ત્રણ-ચાર દિવસથી પીળા રંગનું પાણી મળતાં પાલિકાતંત્રે જીપીસીબીને જાણ કરી સેમ્પલો લેવડાવ્યા છે. જાેકે, હજી રિપોર્ટ આવ્યો નથી. પાલિકાતંત્રના પ્રાથમિક રિપોર્ટ મુજબ પાણી પીવાલાયક હોવાનો દાવો કરાયો છે, પરંતુ પીળા રંગના પાણીનું કારણ શું છે એ બાબતે તંત્ર ચૂપ છે! ૬ લાખ લોકોના સ્વાસ્થ્ય સામે જાેખમ હોવા છતાં ૭૨-૭૨ કલાકથી તંત્ર ચૂપ છે! તેની કોઈ સ્પષ્ટતા હજી સુધી થઈ નથી. શહેરના લોકો પાલિકાના કમિશનરને પૂછી રહ્યાં છે કે અમે પી રહ્યાં છીએ આ પાણીનો રંગ પીળો કેમ થયોય તપાસ કરીને તાત્કાલિક શહેરની જનતાને જણાવો. જાેકે, પાલિકાએ પાણીની ગુણવત્તામાં સુધારાનો દાવો કર્યો છે.
શહેરના લગભગ ૩૦થી ૪૦ ટકા વિસ્તારમાં મહીસાગર સ્થિત રાયકા-દોડકા, પોઈચા અને ફાજલપુર સ્થિત ફ્રેન્ચકૂવામાંથી પાણી ઉત્તર અને પૂર્વ ઝોનની ટાંકીઓમાં પહોંચાડી વિતરણ કરવામાં આવે છે. પરંતુ છેલ્લાં કેટલાંક દિવસથી પાણી પીળું મળતું હોવાની ફરિયાદો મળતાં શનિવારે પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ ફ્રેન્ચવેલ ખાતે દોડી ગયા હતા અને જીપીસીબીને આ અંગેની જાણ કરી ચારેય ફ્રેન્ચવેલ પાસેથી નદીમાંથી પાણીના સેમ્પલો લીધા હતા. શનિવારે જ પાલિકાએ પ્રાથમિક રિપોર્ટમાં પાણી પીવાલાયા છે તેમ કહ્યું હતું.
પાલિકાતંત્રના કહેવા મુજબ ચોમાસા દરમિયાન નદીમાં ઊગી નીકળેલી વનસ્પતિ કોહવાઈ જવાના કારણે પાણી લીલા રંગનું થયું હોય તેવી શક્યતા વ્યક્ત કરી છે. પરંતુ વનસ્પતિ હોય તો કઈ વનસ્પતિ છે? તેની કોઈ સ્પષ્ટતા કરાઈ નથી. જ્યારે હજી જીપીસીબીનો રિપોર્ટ પણ આવ્યો નથી. ત્યારે પીળાશ રંગનું પાણી માટેનું કારણ વનસ્પતિ કે અન્ય કોઈ? તેની સ્પષ્ટતા વિગતવાર રિપોર્ટ આવ્યા બાદ જ થઈ શકશે તેમ જાણવા મળે છે.
રાયકા-દોડકા, પોઈચા, ફાજલપુરનું પાણી શુદ્ધ કરવા ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવો
મહીસાગર નદીથી જે ચાર ફ્રેન્ચકૂવામાંથી પાણી લેવાય છે તે પૈકી રાયકા-દોડકા, પોઈચા અને ફાજલપુર કૂવામાંથી અપાતા પાણી માટે વૉટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ નથી. આ ત્રણેય કૂવામાંથી શહેરીજનોને પાણી વિતરણ કરવામાં આવે છે. તેનું માત્ર જે તે ઓવરહેડ ટાંકી ખાતે ક્લોરિનેશન કરીને આપવામાં આવે છે. ત્યારે આ ત્રણેય કૂવાઓ ખાતે પણ વૉટર ટ્રીટમેન્ટ બનાવવા જાેઈએ તેવી રજૂઆત કોંગ્રેસ પક્ષના નેતાએ કરી હતી. તેમણે કહ્યું હતું કે, મહીનદીમાં દૂષિત પાણી સિંધરોટ સુધી પહોંચી ગયા છે. જાે કોર્પોરેશન તાકીદે કાર્યવાહી નહીં કરે તો દૂષિત પાણી ફ્રેન્ચકૂવા સુધી પણ પહોંચી જશે.
અગાઉ નદીકાંઠાની કંપનીઓ કેમિકલયુક્ત પાણી છોડતાં વિવાદ થયો હતો
મહિસાગર નદીકાંઠે સાવલી, વડોદરા અને પાદરા તાલુકામાં અનેક કંપનીઓ આવેલી છે. પાદરા તાલુકામાં તો કેટલાક નદીકાંઠાના ગામોમાં બોરમાં પણ લાલ રંગના કેમિકલયુક્ત દૂષિત પાણી મળતાં ચામડીના રોગો થવા લાગ્યા છે. કેટલાક વરસો અગાઉ નદીકાંઠાની કેટલીક કંપનીઓ દ્વારા કેમિકલયુક્ત પાણી નદીમાં છોડાતાં વિવાદ થયો હતો. જીપીસીબીએ આ અંગેની તપાસ બાદ નોટિસો પણ આપી હોવાનું જાણવા મળે છે. ત્યારે હવે ચોમાસાની સીઝન પૂરી થયા બાદ પીળા રંગનું પાણી મળી રહ્યું છે, ત્યારે પ્રશ્ન એ થાય છે કે કેમ દૂષિત પાણી મળે છે, તેનું સાચું કારણ જાહેર કરાશે કે પછી છૂપાવવામાં આવશે તે જાેવાનું રહ્યું.