ન્યુ યોર્ક-

દુનિયાની સૌથી ભયાનક જેલોમાં જેને સામેલ કરી શકાય એવી ગ્વાંતોનમો બે જેલને ફરીથી બંધ કરવાની કવાયત શરૂ થઈ ગઈ છે. રાષ્ટ્રપતિ જો બાયડેન આ જેલને કેવી રીતે બંધ કરી શકાય તેની શક્યતાઓ તપાસી રહ્યા છે. વ્હાઈટહાઉસના અખબારી સચિવ જેન સાકીએ કહ્યું હતું કે, બાયડેનનું લક્ષ્ય છે કે, પોતાના કાર્યકાળ પહેલાં તેઓ આ જેલને બંધ કરી દે.

રાષ્ટ્રીય સુરક્ષા પરીષદના પ્રવક્તા એમિલી હોર્ને કહ્યું હતું કે, વિવાદાસ્પદ જેલને બંધ કરવા માટે સંરક્ષણ, રાજ્ય અને ન્યાયના મંત્રાલયો સાથે મળીને કામ કરવું પડશે. રાષ્ટ્રપતિ ઓબામાએ પોતાના કાર્યકાળ દરમિયાન કહ્યું હતું કે, આ જેલને બંધ કરી દેવાય એવો પ્રસ્તાવ તેઓ કોંગ્રેસ સમક્ષ લાવશે. તેમણે એમ પણ કહ્યું હતું કે, જો તેમ નહીં કરી શકાય તો તેઓ પોતાનો વીટો પાવર પણ વાપરશે. 

જો કે, તેઓ પોતાની ઈચ્છા પૂરી કરવામાં નાકામ રહ્યા હતા. પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આ જેલ બંધ કરવા ઈચ્છા નહોતા ધરાવતા. ક્યુબાની અમેરીકી સૈન્યથાણા નજીકની ગ્વાંતાનામો બે જેલમાં 40 જેટલા કેદીઓ રખાયા છે. અમેરીકામાં 11 સપ્ટેમ્બર, 2001ના આતંકવાદી હુમલાઓ પછી તત્કાલિન વડાપ્રધાન જ્યોર્જ બુશે કેટલાંક સંદિગ્ધ આતંકવાદીઓને પકડીને તેમાં કેદ કરી દીધા હતા. 2002માં આ જેલની કેટલીક એવી તસવીરો દુનિયા સામે આવી હતી જેને પગલે અમેરીકાએ વિશ્વ સમુદાયની ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. આ જેલમાંથી બહાર આવેલા કેટલાક કેદીઓએ કહ્યું હતું કે, આ જેલમાં છ બાય છની જગ્યામાં બાર જણાને ઠાંસી ઠાંસીને ભરી દેવાય છે. તેઓ ભાગ્યે જ અંદર શ્વાસ લઈ શકે છે. વાત કરવાની પણ મનાઈ હોય છે. આ જેલ એ સાક્ષાત મોત હોવાનું તેમણે કહ્યું હતું.