અમદાવાદ, સ્માર્ટ સિટી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વહીવટીતંત્રમાં ફરજ બજાવતા અધિકારીઓ અને શાસન કરવા જેમને લોકોએ મત આપીને મ્યુનિ.માં મોકલ્યા છે આ તમામ અંતરાત્માનો અવાજ સાંભળવાની તસ્દી લેતા હોય એવું દેખાતુ નથી.શહેરના જે વિસ્તારમાં સંસદસભ્ય કે ધારાસભ્યની ગ્રાન્ટમાંથી રકમ ફાળવવામાં આવે એ વિસ્તારમાં જ સ્માર્ટ શાળાઓ બનાવવામાં આવી રહી છે.તો સ્લમ વિસ્તારમાં રહેતા ગરીબ પરિવારના બાળકો માટે કયા કારણથી સ્માર્ટ શાળા બનાવવાનું આયોજન કરવામાં આવતું નથી.ગરીબ બાળકો માટે સ્માર્ટ શાળા નહીં બને તો એમના સર્વાંગી વિકાસનું શું થશે એ વિચાર કેમ કરવામાં આવતો નથી. પછાત વર્ગ સેવા સમિતિના પ્રમુખ પુનમભાઈ પરમારે આ અંગે પ્રતિક્રીયા આપતા કહ્યુ,છ માસ અગાઉ અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલબોર્ડની પહેલી બેઠક મળી હતી.આ બેઠકમાં શહેરનાં દરેક વોર્ડમાં એક સ્માર્ટ શાળા નવા સત્ર પહેલાં શરુ કરવા અંગે ર્નિણય લેવામાં આવ્યો હતો.હાલમાં શહેરના દસ જેટલા વોર્ડમાં સ્માર્ટ શાળા આવેલી છે.જે વોર્ડમાં સ્માર્ટ શાળાઓ આવેલી નથી એવા બાકીના તમામ વોર્ડમાં સ્માર્ટ શાળાઓ શરૃ કરવાનું આયોજન કરવામાં આવ્યુ હતુ.આમ છતાં હાલમાં ગરીબ અને પછાત વર્ગના બાળકોની વસ્તી ધરાવતા વોર્ડમાં નવી સ્માર્ટ શાળાઓ બનાવવા અંગેનું આયોજન મંથરગતિએ ચાલી રહ્યુ હોવાનું જાણવા મળે છે. કુબેરનગર બંગલા એરિયા પાસે એક સ્થળે શાળા શરુ કરવામાં આવી હતી.પંદર બાય પંદર ફૂટના પતરાના શેડ સાથેના આ શાળામાં આવેલા ઓરડાઓમાં વોર્ડના ગરીબ અને આર્થિક રીતે પછાત વર્ગના બાળકો અભ્યાસ કરી રહ્યા છે. કુલ છ ઓરડા ધરાવતી કુબેરનગર આંબાવાડી ગુજરાતી શાળા નંબર-૧માં સવારના સમયે ધોરણ -૬થી ૮ અને બપોરના સમયે ગુજરાતી શાળા નંબર-૨માં ધોરણ -૧થી ૫નાં બે-બે વર્ગો ચલાવવામાં આવી રહ્યા છે.મકાન જર્જરીત અને પુરતા હવા-ઉજાસ વગરનું છે.જેમાં નામ માત્ર લાઈટ અને પંખાની સગવડ છે.શાળામાં અભ્યાસ કરતા બાળકો અને શૈક્ષણિક કાર્ય કરતા શિક્ષકો માટે પુરતી બાથરુમ કે શૌચાલયની પણ વ્યવસ્થા નથી.રમતગમત માટેનું મોકળુ મેદાન પણ નથી.શાળાની બંને બાજુએ જાહેર રસ્તો આવેલો હોવાથી સતત રહેતા વાહનોની અવરજવરથી બાળકોને શિક્ષણ મેળવવામાં પણ ખલેલ પડી રહી છે.

 કયા વિસ્તારમાં સ્માર્ટ શાળા ચાલે છે?

શહેરના કાંકરિયા વોર્ડમાં એક,એલિસબ્રિજ વિસ્તારમાં-૨, ઈન્દ્રપુરીમાં-૧ અને ચાંદલોડિયામાં -૧ સ્માર્ટ શાળા હાલ કાર્યરત છે.ઉપરાંત અસારવામાં-૨,બહેરામપુરામાં-૧ અને સૈજપુરમાં-૧ સ્માર્ટ શાળા બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.