ગોધરા નગરપાલિકાએ કાર્યક્ષેત્રની બહાર વાવડી પંચાયતની હદમાં પાણીની પાઈપ કેમ નાંખી હશે?
24, જુલાઈ 2020

ગોધરા, તા.ર૩ 

ગોધરા શહેરના પ્રજાજનોની પાણી અંગેની સમસ્યાઓ હલ કરવામાં ઉદાસીન દેખાતા વહીવટી તંત્રએ સત્તાધારી ભાજપના કેટલાક ચહેરાઓના ઘર સુધી પાણી પહોંચાડવા માટે પાલીકાના વહીવટી તંત્ર દ્વારા ગોધરા પાલીકાના કાર્યક્ષેત્રની હદપાર કરીને વાવડી ગ્રામ પંચાયતના કેટલાક વિસ્તારોમાંથી પાણીની પાઈપ લાઈન નાંખવાની કરેલી કામગીરીઓ શહેરીજનોમા ભારે ચર્ચાઓમાં સ્થાન પામી છે. ગોધરા ન.પાલીકાના સત્તાધીશો દ્વારા લાખો રૂપિયાના ખર્ચાઓની શંકાઓ વચ્ચે રહેલ આ પાણીની પાઈપ લાઈન નાખવાની આ કામગીરીઓ કાર્યક્ષેત્રની મર્યાદાઓ ઓળંગીને વાવડી ગ્રુપ ગ્રામ પંચાયતના કાર્યક્ષેત્રમાં કરવામાં આવેલ આ કામગીરીઓ જાહેર પ્રજાજનોની સુવિધાઓ માટે નહી પરંતુ વાવડી ગ્રામ પંચાયતમા રહેતા સત્તાધારી ભાજપના બે-ચાર અગ્રણીઓના ઘર સુધી પાણી પહોંચાડવા માટે ગોધરા ન.પાલીકાનો આ અતિઉત્સાહની નજરોમાં આ મુદ્દો ચર્ચાઓમાં ગોઠવાઈ ચુક્યો છે.

ગોધરા શહેરના બામરોલી રોડ ઉપર પાલીકા હદ વિસ્તારમાં આવતા અંકુર સોસાયટીના પાછળના ભાગેથી નવિન પીવાના પાણીની શરૂ કરાયેલ આ પાઈપ લાઈનનુ કામ અર્ધગોળાકાર રીતે વાવડી ગ્રામ પંચાયતમાં સમાવેશ સોસાયટીઓ ભુતિયા બંગલા રોડ, નંદનવન, શ્રીજી નગરમાંથી રસ્તાઓ ખોદીને વિજળીક ગતિએ પીવીસી પાઈપ લાઈનનુ કામ એક અંદાજ મુજબ પુર્ણ થવાના આરે છે. ગોધરા પાલીકા સત્તાધીશો દ્વારા લાખો રૂપિયાના ખર્ચે પોતાના કાર્યક્ષેત્ર બહારની આ કામગીરીઓ સંદર્ભમાં ત્રણ વર્ષ પુર્વે પાણીની સુવિધા માટે આવેલ અરજીનુ કારણ બતાવે છે તો ક્યાંક ધારાસભ્યએ ગ્રાન્ટ આપવાની ભલામણ કરી હોવાના કારણો આગળ ધરે છે પરંતુ પ્રજાજનોની ચર્ચાઓમાં સ્ફોટક સત્ય એ છે કે સત્તાધારી ભાજપના બે-ચાર અગ્રણીઓના ઘરો સુધી પાણીનો જથ્થો પુરતા પ્રમાણમાં પહોંચે આ સુવિધાઓ પહોંચાડવા માટે ગોધરા ન.પાલીકાના વહીવટી તંત્ર દ્વારા લાખો રૂપિયાના ખર્ચે પાલીકાના કાર્યક્ષેત્રની હદપાર કરીને વાવડી ગ્રામ પંચાયતના કાર્યક્ષેત્રમા સુવિધાઓની કામગીરીઓ કરી છે, આ મામલામાં વિરોધ પક્ષના સદસ્યોની કહેવાતી જાગૃતતાઓ પણ કુલડીમાં ગોળ ભાંગે એવી છે. 

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution