28, જુલાઈ 2020
ગાંધીનગર-
ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ દિન-પ્રતિદિન વધી રહ્યું છે. પરિસ્થિતિ એટલી હદે વકરી છે કેલ અત્યારે તો કોરોના કેસોએ ૧૦૦૦ના આંકને પાર કરી દીધો છે. કોરોનાના વધતા જતા કેસોને પગલે આ વર્ષે નવરાત્રી પર પણ રોક લાગી શકે છે. જેવી રીતે ગુજરાતમાં કોરોનાના કેસો વધી રહ્યા છે તે જોતા આ વખતે ઉત્સવ થી માંડીને મેળાઓની ઉજવણી પર રાજ્ય સરકારે રોક લગાવી દીધી છે. અને તેને જોતા હવે આગામી દિવસોમાં રુમઝુમ કરતા આવી રહેલી નવરાત્રી પર પણ પ્રતિબંધ લાગી શકે તેવી શક્યતા જોવાઇ રહી છે. રાજ્યના ગરબા આયોજકોએ તમામ નિયમોનું પાલન કરી ગરબા માટે મંજૂરી આપવા રાજ્ય સરકાર સમક્ષ માંગણી કરી છે.
મળતી માહિતી મુજબ અત્યારે ગરબા આયોજકો ગાંધીનગર પહોંચ્યા છે અને તેઓ રાજ્ય સરકાર સમક્ષ નવરાત્રી નિયમિત રીતે થાય તેની રજૂઆત કરશે જોકે સૂત્રોનું કહેવું છે કે ગરબા આયોજકની આ માંગને રાજ્ય સરકાર ફગાવી શકે છે કેમ કે, ગરબા સ્થળોએ હજારો લોકોની ભીડ એકઠી થાય છે ત્યારે સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક અને સેનેટાઈઝરનું નિયમોનું પાલન કરવું ખૂબ જ અઘરું છે. હવે રાજ્ય સરકાર શું નિર્ણય લે છે તેના પર ગરબા આયોજકો અને ખેલૈયાઓની નજર છે.