વડોદરા : વડોદરા મહાનગર પાલિકાના ગત પાંચ વર્ષના શાસનમાં સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીને પેટ ભરીને ભાડનાર આરએસપીના નેતાએ એકાએક પ્રજાદ્રોહ કરીને પલ્ટી મારી છે. પોતાના મત વિસ્તારમાં આખો મીંચીને જે પ્રજાએ મત આપીને ભાજપની સુનામી વચ્ચે આરએસપીની આખી પેનલને વિજેતા બનાવી હતી. એમનો કોઈપણ પ્રકારનો મત લીધા વિના લોહીના એક એક બુંદ સુધી સાથે રહેવાના સંકલ્પ સાથે રાજેશ આયરેએ ટીમ સાથે ભાજપનો ખેસ ધારણ કર્યો છે. આરએસપીના નેતા રાજેશ આયરેના ભાજપ પ્રવેશને લઈને ભાજપના વોર્ડ નવમા સંનિષ્ઠ કાર્યકરોની અવગણના કરાતા ભડકો થવા પામ્યો છે. જેને લઈને આ વોર્ડના મોટાભાગના કાર્યકર્તાઓ સામુહિક રાજીનામા આપવાના મૂડમાં આવી ગયા છે. આયરેના પક્ષ પ્રવેશ બાબતે ભાજપના કોઈ કાર્યકર્તાઓને વિશ્વાસમાં લેવામાં આવ્યા નથી એવી ફરિયાદ ઉઠવા પામી છે. ખુદ આ વિસ્તારના ધારાસભ્યને પણ અજાણ રાખવામાં આવ્યા છે .એમ ચર્ચાઈ રહ્યું છે. આ વોર્ડના ભાજપના સક્રિય કાર્યકર લલિત પટેલ સહિતના કાર્યકરોના બળવાને ખાળવાને માટે અને સમજાવવાને માટે ડેમેજ કંટ્રોલ કરવા શહેર ભાજપના મહામંત્રી અને પૂર્વ મેયર સુનિલ સોલંકી મોડી રાત સુધી પક્ષના વોર્ડ -૯ના કાર્યાલય ખાતે કાર્યકર્તાઓને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. જાે કે આ લખાય છે ત્યાં સુધી કાર્યકર્તાઓનો ગુસ્સો અને આક્રોશ વધુને વધુ વધતો જાય છે. પરંતુ કોઈ ટસના મસ થતા નથી .જેને લઈને શહેર ભાજપને માટે બકરું કાઢતા ઉંટ પેઠા જેવી સ્થિતિ પેદા થવા પામી છે. આ ઉપરાંત વિસ્તાર સાથે સંલગ્ન ટોચના નેતાઓને પણ અંધારામાં રાખવામાં આવતા વિપરીત સ્થિતિ પેદા થવા પામી છે. જાે કે બધું શાંત પડી જશે એવો વિશ્વાસ શહેર ભાજપના અગ્રણીઓ વ્યક્ત કરી રહ્યા છે.

ભાજપમાં આરએસપીના નેતા રાજેશ આયરે વિધિવત રીતે ભાજપનો ખેસ ધારણ કરીને પક્ષમાં જાેડાયા છે. તેઓની સાથે અન્ય બે કાઉન્સિલરો પૂર્ણિમાબેન આયરે તથા હેમલત્તાબેન ગોર પણ ૨૦૦ થી વધુ સમર્થકો સાથે ભાજપમાં જાેડાયા છે. શહેર અધ્યક્ષ અને ભાજપના આંગળીના વેઢે ગણી શકાય એટલા અગ્રણીઓની ઉપસ્થિતિમાં આયરે ભાજપમાં જાેડાયા હતા. જેમાં ડો.વિજય શાહ ઉપરાંત સુનિલ સોલંકી, જશવંતસિંહ સોલંકી તથા રાકેશ સેવક ઉપસ્થિત હતા. શહેર ભાજપના અધ્યક્ષના મત મુજબ રાજેશ આયરેના ભાજપમાં જાેડાવવાથી વોર્ડ નંબર નવ અને આસપાસના અન્ય વોર્ડમાં ભાજપનું સંગઠન વધુ મજબૂત બનશે. આ રાજેશ આયરેની ઘર વાપસી હોવાનું તેઓએ જણાવ્યું હતું. તેમજ તેઓના કારણે પાર્ટી વધુ મજબૂત બનશે. એમના થકી પાર્ટીને લાભ થશે. રાજેશ આયરી ભાજપ શહેરની તમામે તમામ ૭૬ બેઠકો પર વિજય હાંસલ કરશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

આયરેના ભાજપ પ્રવેશ અંગે થતી વિવિધ અટકળો

વડોદરા શહેર ભાજપના અધ્યક્ષ ડો.વિજય શાહના હસ્તે ભાજપનો ખેસ ધારણ કરનાર આરએસપીના રાજેશ આયરેના એકાએક ભાજપ પ્રવેશને લઈને વિવિધ અટકળો ચાલી રહી છે. છેલ્લા કેટલાક દિવસથી આયરે ભાજપમાં જાેડાનાર હોવાની અટકળો તેજ હતી. જે અંગે રાજેશ આયરે આવું કઈ જ નથી એમ પૃચ્છા કરનાર કાર્યકરોને જણાવી રહ્યા હતા. આખરે અફવાનો ફુગ્ગો ફૂટી જતા જે અટકળો ચાલી રહી છે એ મુજબ રાજેશ આયરે અને તેમના પત્ની તથા તેમની ભલામણના અન્ય ઉમેદવારને એમની પેનલમાં ટિકિટ આપવામાં આવે. આ ઉપરાંત રાજેશ આયરેને ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીઓમાં સયાજીગંજ બેઠક પરથી ભાજપમાંથી ચૂંટણી લડાવવાનું વચન આપવામાં આવ્યું હોય એવું ચર્ચાઈ રહ્યું છે.

વોર્ડ-૯ માંથી મોટાપાયે સામૂહિક રાજીનામાની સંભાવના

વડોદરા મહાનગર પાલિકાના ઈલેક્શન વોર્ડ નંબર -૯ માં ભાજપમાં રાજેશ આયરેના પ્રવેશને લઈને ભડકો થયો છે. જેના પ્રત્યાઘાત સ્વરૂપે આગામી દિવસોમાં કે ગણતરીના કલાકોમાં જ વોર્ડ-૯ માંથી ભાજપના સંનિષ્ઠ કાર્યકરોના મોટાપાયે સામુહિક રાજીનામા આપવાને માટે કાર્યકરો એકજુટ થઈને રાજીનામા આપે એવી સંભાવના છે. આમ ભાજપને માટે એક સાધતા તેર તૂટે એવી સ્થિતિ સર્જાવા પામી છે.

આયરેના પ્રવેશ બાબતે મને વિશ્વાસમાં લેવાયો નથી ઃ જીતુ સુખડિયા

ભારતીય જનતા પાર્ટીના પાયાના સંનિષ્ઠ કાર્યકર અને સયાજીગંજના ધારાસભ્ય જીતુ સુખડિયાએ રાજેશ આયરેના પ્રવેશ બાબતે જણાવ્યું હતું કે એ માટે મારે કઈ કહેવાનું નથી. મને એની જાણ નહોતી એ સત્ય છે. વિશ્વાસમાં લેવાયો નથી. પક્ષને જરૂર હશે તો લીધા હશે. આજકાલ ભાજપની બોલબાલા છે. જેને લઈને આયરે પાસે કોઈ વિકલ્પ નથી એટલે આવ્યા હશે એમ માનવું છે. તેઓને લેવાના છે એની મને જાણ સુદ્ધા કરાઈ નથી. આને લઈને ભાજપના પાયાના કાર્યકરોના હક્ક પર તરાપ વાગી છે. છેલ્લી વિધાનસભામાં ૯૫૦૦ની લીડ આયરેના વોર્ડમાંથી મળી હતી. જે ત્યાં ભાજપની મજબૂત સ્થિતિને માટે પૂરતો પુરાવો છે. વોર્ડ-૯માં પેજ સમિતિ સારી રીતે કાર્ય કરી રહી છે. ત્યારે આ પ્રવેશથી કાર્યકરોને દુઃખ થયું છે.