વોશ્ગિંટન-

કોરોના વાયરસની રસીબનાવનારી અમેરિકાની દિગ્ગજ કંપની ફાઈઝરે અમેરિકાને જ વેક્સીન આપવાનો ઈનકાર કરી દીધો છે. કંપનીના જણાવ્યા પ્રમાણે દુનિયાના બીજા દેશોએ કોરોનાની વેક્સીનના ડોઝના મોટા ઓર્ડર અગાઉથી જ આપી રાખ્યા હોવાથી તે અમેરિકાને તત્કાળ ડોઝ પુરા પાડી શકે નહીં.

ફાઇઝરે ટ્રમ્પ સરકારને સ્પસ્ટ જણાવી દીધું છે કે, અન્ય દેશોએ તેની કોરોના રસી ખરીદવા ધસારો કર્યો હોઈ તે અમેરિકાને જૂન-જુલાઈ પહેલાં કોરોના રસીના વધારાના ડોઝ પુરાં પાડી શકશે નહીં. આમ આ વર્ષના આરંભે અમેરિકી સરકારે ખરીદેલા ફાઇઝરના કોરોના રસીના ૧૦૦ મિલિયન ડોઝની તેની અપેક્ષા પ્રમાણે પુરા નહીં પાડવામાં આવે.

યુકેમાં ઈતિહાસના સૌથી મોટા રસીકરણના કાર્યક્રમનો આરંભ થઈ ગયો છે. ગઈ કાલે જ 90 વર્ષના બ્રિટિશ દાદી માર્ગારેટ મેગી કીનાન ફાઇઝર-બાયોએનટેકની કોરોના રસી મેળવનાર પ્રથમ વ્યક્તિ બન્યા છે. ઘાતક કોરોના વાઇરસ સામેની લડાઈમાં વેક્સિન ડે એટલે કે વી ડેની આજે ઉજવણી કરવામાં આવી હતી. જ્યારે બીજી બાજુ આગામી ઉનાળા પહેલા તમામ અમેરિકનોને રસી આપવાના કાર્યક્રમ પર જ પ્રશ્નાર્થ સર્જાવવા લાગ્યા છે.

જ્યારે રશિયામાં કોરોના રસી બાબતે જનતામાં અવિશ્વાસ પ્રવર્તતો હોવાથી રશિયાના વિજ્ઞાનીઓ કોરોના મહામારી નાથવા માટે કપરાં ચડાણ છે. ઓક્ટોબરમાં એક સર્વેમાં 59 ટકા પ્રતિભાવકોએ તેમને કોરોનાની રસી મફત મળે તો પણ તે લેવામાં રસ નથી એમ જણાવ્યું હતું. ફાઇઝર અને બાયોએનટેક દ્વારા નવેમ્બર મહિનામાં જાહેર કરવામાં આવ્યું કે તેમની કોરોના રસી 90 ટકા અસરકારક છે ત્યારે જગત આખાના આરોગ્ય નિષ્ણાતો ખુશ થઈ ગયા હતા પણ શેર બજારોએ આ બાબતે ઝાઝો ઉત્સાહ દાખવ્યો નથી. જ્યારે આ જાહેરાત કરવામાં આવી તે દિવસે એએન્ડપી 500 ઇન્ડેક્સ માત્ર 1.2 ટકા જ વધ્યો હતો. બીજી તરફ વિશ્વ આરોગ્ય સંસ્થાએ નાતાલના તહેવારોની મોસમમાં સગાંઓને ન ભેટવાની સલાહ આપતાં ઘણાંને આઘાત લાગ્યો છે.

અમેરિકાના ડો. માઇકલ રયાને જણાવ્યું હતું કે, હાલ કોરોના મહામારીમાં એક મિનિટમાં એક કે બે અમેરિકનો મોતને ભેટી રહ્યા છે તે આઘાતજનક છે. હવે આ સ્થિતિમાં અમેરિકાને જ ફાઈઝર દ્વારા તત્કાળ રસી આપવાના કરેલા ઈનકારથી અહીં સ્થિતિ વધારે કથળી શકે છે.