દેશી દારૂની ખેપમાં મહિલાઓ પણ ધૂમ સ્ટાઈલથી એક્ટિવા પર દેશી દારૂની ખેપ મારતી યુવતી ઝડપાઈ
13, ફેબ્રુઆરી 2021

વડોદરા : શહેરની આસપાસ આવેલા ગ્રામ્ય વિસ્તારોમાંથી પોલીસની નજર સામે ધુમ સ્ટાઈલથી બાઈક પર હજારો લીટર દેશી દારૂ ઠાલવવાના શરમજનક બનાવો બાદ હવે શહેરમાં મહિલાઓ પણ મોપેડ પર દેશી દારૂની ખેંપ મારતી થઈ હોવાની ચોંકાવનારી વિગતો પીસીબીના દરોડામાં સપાટી પર આવી છે. પીસીબી પોલીસે ગઈ કાલે એક યુવતીને એક્ટિવા પર દેશી દારૂની ખેંપ મારતા રંગે હાથ ઝડપી પાડતા ચકચાર જાગી છે.

સાંજ પડતા જ શહેરના છેવાડે આવેલા ગ્રામ્ય વિસ્તારોમાંથી હાઈવે મારફત શહેરના હરણીરોડ, આજવારોડ, વાઘોડિયારોડ, સમારોડ તેમજ મકરપુરા રોડ પરથી ધુમ સ્ટાઈલમાં બાઈક પર ડબલસવારીમાં સફેદ મિનીયા થેલામાં હજારો લીટર દેશી દારૂ ભરેલા પોટલા લઈને માથાભારે યુવકો પસાર થતા હોવાના દ્રશ્યો સામાન્ય થયા છે. શહેરમાં કોઈ પણ પોલીસ કમિશ્નર આવે પરંતું સ્થાનિક પોલીસની રહેમનજર અને ખિસ્સા ગરમ થતા હોવાના કારણે શહેરમાં હજારો લીટર દેશી દારૂ કોઈ પણ જાતની મુશ્કેલી વિના સ્થાનિક બુટલેગરોના ત્યાં રોજેરોજ ઠલવાઈ રહ્યો છે. માથાભારે ખેપિયાઓનું પોલીસ સાથે સેટીંગ હોઈ પોલીસ પણ તેઓને ખેંપ મારતા જાેવા છતાં આંખ આડા કાન કરી દેતા હોય છે. જાેકે અત્યાર સુધી માથાભારે યુવકો દેશી દારૂની ખેંપમાં સંડોવાયેલા હતા પરંતું હવે માત્ર એક વારની ખેંપમાં જંગી નાણાં મળતા હોઈ હવે દેશી દારૂની ખેંપમાં મહિલાઓએ પણ ઝંપલાવ્યું છે. પીસીબી પોલીસને ગઈ કાલે બાતમી મળી હતી કે એક્ટિવા પર એક મહિલા દેશી દારૂની ખેંપ મારે છે. આ વિગતોના પગલે પીસીબીના સ્ટાફે ગઈ કાલે મકરપુરા ગામ હનુમાનજી મંદિર પાસે વોંચ ગોઠવી હતી અને ત્યાંથી ધુમ સ્ટાઈલમાં પસાર થઈ રહેલી એક્ટિવાચાલક પુષ્પા માનસિંગ તાવળે (ઈમામપુરા, પોપ્યુલર બેકરીના ખાંચામાં, વારસિયા)ને કોર્ડન કરીને ઝડપી પાડી હતી. તેના એક્ટિવાના ફુટરેસ્ટના ભાગે મિનીયા થેલમાંથી દેશી દારૂની ૭ દુધીઓ મળી આવતા પોલીસે તેની અટકાયત કરી તેની પાસેથી ૧૭ લીટર દેશી દારૂ અને એક્ટિવા સહિત ૨૫ હજારથી વધુની મત્તા કબજે કરી હતી.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution