રાજકોટ-

એશિયાનું ગૌરવ અના જૂનાગઢની શાન એશીયેટીક લાયનની આગવી પ્રતિભા અંકીત કરતા વિશ્વ સિંહ દિવસની ઉજવણી દર વર્ષે કરવામાં આવે છે.સમગ્ર વિશ્વમાં આ પ્રજાતિના સંરક્ષણ અને સંવર્ઘન માટે લોકોમાં જાગૃતિ અને સિંહનાં સંરક્ષણ અને સંવર્ઘનમાં લોકોની ભાગીદારી વધે તે હેતુથી વિશ્વ સિંહ દિવસ ઉજવવામાં આવે છે. એશિયાનું એક માત્ર ગુજરાતના ગીરમાં જોવા મળતા સિંહોનું સામ્રાજ્ય ભારતના અનેક રાજ્યોની સાથે અન્ય દેશોમાં પણ જોવા મળતું હતું, પરંતુ કાળક્રમે સિંહોના નૈસર્ગિક કુદરતી અને લોકો દ્વારા નુકશાન થતા સિંહ આજે માત્ર ગુજરાત અને ગીરના જંગલમાં જોવા મળે છે,ગુજરાત અને ભારત સિવાય વર્ષો પહેલા જંગલના રાજા સિંહ મેસોપોટેમીયા,અરેબિયા અને પર્શિયા જેવા દેશોમાં પણ જોવા મળતા હતા,પરંતુ સિંહોના અકાળે શિકાર અને તેના રહેઠાણો નષ્ટ થવાને કારણે જંગલના રાજા સિંહ એશિયામાં એક માત્ર ગુજરાત ગીરમાં જોવા મળી રહ્યા છે.

સિંહોનું એકમાત્ર નિવાસ્થાન 'ગીર'

ગીરમાં જોવા મળતા જંગલના રાજા સિંહનું વર્ચસ્વ ભારત સહિત વિશ્વના કેટલાક દેશોમાં જોવા મળતું હતું,પરંતુ જંગલના રાજાની ડણક જાણે કે કેટલાક રાજ્ય અને દેશના લોકોને જાણે આંખમાં કણાની જેમ ખૂંચતી હોય તે પ્રકારે સિંહોના પ્રાકૃતિક નિવાસ્થાનોને ખૂબ મોટું નુકશાન કરીને સિંહોના શિકાર જેવા શોખ પાડીને જંગલના રાજા સમા જાજરમાન પ્રાણી સિંહ કાળક્રમે નષ્ટ થયા અને આજે એકમાત્ર એશિયામાં અને તે પણ ગુજરાતના ગીરમાં જોવા મળી રહ્યા છે. જંગલના રાજાને સંભાળવાનું અભિમાન આજે ગુજરાતની સાથે ગીર લઈ રહ્યું છે.તેની પાછળની મહેનતના કારણે ગીરના જંગલોમાં સિંહ મુક્ત મને ફૂલ્યા ફાલ્યા રહે છે.

ગીરનાં સાવજોની સંખ્યામાં વધારો

એશિયા સહીત વિશ્વના અરેબિયા, પર્શિયા અને મોસોપોટેમીયા દેશોમાં સિંહ કાળક્રમે આજે લુપ્ત બન્યા છે,પરંતુ જંગલના રાજાને સાચવવાનું અભિમાન આજે ગીર લઈ રહ્યું છે, વર્ષ 1884માં સૌરાષ્ટ્રની બહાર એકમાત્ર સિંહની હાજરી નોંધાય હતી, વર્ષ 1963માં ગિરનાર વિસ્તારમાં અંતિમ વખત સિંહ જોવા મળ્યો હતો, પરંતુ આજે સિંહોના સંવર્ધન અને તેની સલામતી ખુબજ મજબૂત થતાં ગિરનાર વિસ્તારમાં પણ આજે 20 કરતા વધુ વનરાજો જોવા મળી રહ્યા છે.જૂનાગઢમાં વર્ષ 1911માં નવાબે સતત ઘટતી જતી સિંહોની સંતતિને લઈને સિંહોના શિકાર પર પ્રતિબંધ લાગાવ્યોઅને પકડાયેલા પ્રત્યેક વ્યક્તિને મરણતુલ્ય સજા આપવાનું નક્કી કર્યું, ત્યારથી ગીરમાં સિંહોને જાણે કે મોકલું મેદાન મળ્યું હોય તે પ્રકારે સિંહોની સંતતિ સતત વધતી રહી છે.

જૂનાગઢના નવાબે સિંહોના શિકાર પર મુક્યો પ્રતિબંધ

નવાબી કાળમાં સિંહોનો શિકાર થતો હતો, જેના કારણે જંગલના રાજાની સંખ્યામાં સતત ઘટાડો જોવા મળ્યો અને જૂનાગઢના નવાબે સિંહોના શિકાર પર પ્રતિબંધ મૂકીને આ પ્રકારની ગેર કાનૂની ગતિવિધિમાં સામેલ સૌ કોઈને આકરી સજા ફટકારવાનો નિર્ણય કર્યો હતો.આ કારણે ગીરના સિંહોની સંતતિ સલામત રહી અને આજે સમગ્ર એશિયામાં 600 કરતા વધુ સિંહો એકમાત્ર ગીરના જંગલમાં જોવા મળે છે. સતત ઘટતી જતી સિંહોની સંખ્યા અને સિંહોની સુરક્ષાને લઈને નવાબ બાદ રાજ્યના વનવિભાગે કેટલાક સચોટ અને પરિણામલક્ષી કાર્યક્રમો ઘ્વારા આજે ગીરમાંથી સિંહોને લુપ્ત થતા અટકાવી દીધા છે.  

જંગલમાં ગેરકાયદેસર પ્રવેશ કરનારાઓની સંખ્યામાં ઘટાડો

સમય બદલવાની સાથે વન વિભાગ આધુનિક ટેકનોલોજી અને માનવ બળે સિંહના શિકાર અને તેની પજવણીની ઘટનાઓ પર સંપૂર્ણપણે કાબુ મેળવ્યો છે. વન વિભાગના કર્મચારી અને અધિકારીઓને સિંહોની સુરક્ષા માટે હથિયાર સહિત આધુનિક કહી શકાય તેવાત વાયરલેસ ટેકનોલોજી સભર વાહનો, સિંહોને રેડિયો કોલર, CCTV કેમેરા અને 24 કલાક સતત જંગલના એક એક રસ્તા પર નજર રાખતા વન વિભાગના કાર્યનિષ્ઠ કર્મચારીઓને કારણે 2008 બાદ સિંહોના શિકારની એક પણ ઘટના કે ગતિવિધિ સામે આવી નથી. આગામી દિવસોમાં વન વિભાગ ટેકનોલોજીના સહારે સિંહોની સુરક્ષાને લઇને વધુ કેટલાક પગલાં ઉઠાવવા જઈ રહી છે, જેને કારણે જંગલના રાજા સિંહની સુરક્ષા વધુ ચોક્કસ બની શકશે. સાસણ નજીક પણ સિંહોની સુરક્ષા અને તેની ગતિવિધિ પર 24 કલાક નજર રહી શકે તેમજ જંગલ વિસ્તારમાં ગેરકાયદેસર થતા પ્રવેશને રોકી શકાય તે માટે કંટ્રોલ યુનિટની પણ સ્થાપના કરવામાં આવી છે. જેના થકી જંગલ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરનાર વ્યક્તિઓની સંખ્યામાં પણ ખુબજ ઘટાડો જોવા મળી રહ્યો છે.

વિશ્વ સિંહ દિવસ નિમિત્તે તમામ લોકોને અભિનંદન આપ્યા

વિશ્વ સિંહ દિવસ નિમિત્તે તમામ લોકોને અભિનંદન આપતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના એક ટ્વીટ દ્વારા જણાવ્યું હતું કે, "સિંહ જાજરમાન અને હિંમતવાન છે. ભારતને એશિયાટિક સિંહનું ઘર હોવાનું ગર્વ છે. વિશ્વ સિંહ દિવસ પર, હું સિંહ સંરક્ષણ પ્રત્યે ઉત્સાહી એવા તમામ લોકોને અભિનંદન આપું છું. તમને જાણીને આનંદ થશે કે છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતની સિંહની વસ્તીમાં સતત વધારો થયો છે. ”