04, ડિસેમ્બર 2020
મુંબઇ
લોકપ્રિય કોમેડી સિરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના રાઈટર્સમાંથી એક અભિષેક મકવાણાએ પોતાના ઘરમાં આત્મહત્યા કરી લીધી હતી. અભિષેકના પરિવારનો દાવો છે કે તે સાઈબર ફ્રોડનો ભોગ બન્યો હતો અને તેને બ્લેકમેલ કરવામાં આવતો હતો.
પરિવારે એવો પણ દાવો કર્યો છે કે તેને ધમકીભર્યા ફોન આવતા હતા અને લોનની બાકી રકમ ચૂકવી દેવાનું કહેવામાં આવતું હતું.
મુંબઈ મિરરના અહેવાલ પ્રમાણે, 27 નવેમ્બરના રોજ અભિષેક પોતાના મુંબઈ સ્થિત ફ્લેટમાં લટકતી હાલતમાં મળી આવ્યો હતો. સુસાઈડ નોટમાં અભિષેકે આર્થિક સમસ્યા હોવાની વાત કહી હતી. અભિષેકના ભાઈ જેનીસે કહ્યું હતું કે અભિષેકના મોત બાદ તેને આ મુદ્દાની ખબર પડી હતી. તેણે ફોન રિસીવ કરવાનું શરૂ કર્યું ત્યારે તેને આ આખી વાત સમજાઈ હતી.
વધુમાં જેનીસે કહ્યું હતું, 'મારા ભાઈના મોત બાદ મેં તેના મેઈલ ચેક કર્યાં હતાં. મને અલગ-અલગ નંબર પરથી લોન ચૂકવી દેવા અંગેના ફોન આવ્યા હતા. એક નંબર બાંગ્લાદેશમાં, એક મ્યાનમાર અને બીજા ભારતના વિવિધ રાજ્યોમાં રજિસ્ટર્ડ હતા.'
જેનીસે આગળ કહ્યું હતું, 'ઈમેઈલ પરથી મને એક વાત સમજાઈ કે મારા ભાઈએ 'ઈઝી લોન' એપ્સમાંથી એક લોન લીધી હતી. આ લોનમાં વ્યાજદર વધારે હોય છે. મેં મારા ભાઈ તથા તેમની વચ્ચે થયેલા ટ્રાન્ઝેક્શનને હવે બારીકાઈથી જોવાનું શરૂ કર્યું ત્યારે એક વાત મારા ધ્યાનમાં આવી કે ભાઈએ લોન માટે અરજી ના કરી હોવા છતાંય તેઓ થોડી થોડી રકમ મોકલતા હતા. આ લોન પર તેમણે 30 ટકાનો વ્યાજદર ગણ્યો હતો.
ચારકોપ પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીએ આ કેસ નોંધ્યો છે અને કહ્યું હતું કે પરિવારે ફોન નંબર્સ આપ્યા છે, તે આધારે તપાસ શરૂ કરવામાં આવી છે અને બેંક ટ્રાન્ઝેક્શન પણ જોવામાં આવ્યા છે.