ગુજરાતમાં ભાજપને ફાયદો કરાવવા માટે આપનો ચૂંટણી પ્રચાર બ્રાર
25, નવેમ્બર 2022

ગાંધીનગર, આમ આદમી પાર્ટીએ ભાજપની ‘બી’ ટીમ છે અને તેઓ હિમાચલ છોડીને માત્ર ગુજરાતની અંદર ભાજપને ફાયદો કરાવવા માટે ચૂંટણી પ્રચાર કરી રહ્યાં છે તેમ પંજાબ કોંગ્રેસના પ્રમુખ અને ધારાસભ્ય અમરિન્દરસિંઘ રાજા બ્રારે જણાવ્યું હતું.પંજાબમાં આમ આદમી પાર્ટીએ આપેલા વાયદાઓનું પાલન નથી થઈ રહ્યું. પંજાબમાં હાલ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી છે. ૮૦ ના દસક જેવી સ્થિતિ જાેવા મળી રહી હોવાનો પણ અમરિન્દરસિંઘેકર્યો હતો.

ગુજરાતની મુલાકાતે આવેલા પંજાબ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ, ધારાસભ્ય અમરિન્દરસિંઘ રાજા બ્રારે પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટીએ ભાજપની ‘બી’ ટીમ છે. પંજાબના મુખ્યમંત્રી વારંવાર અહીં આવે છે, પંજાબથી કરોડો રૂપિયાની જાહેરાતો કરાઈ રહી છે. પંજાબથી ચૂંટણી પ્રચાર માટે પેઈડ વર્કર મોકલવામાં આવી રહ્યાં છે.

બ્રારે વધુમાં જણાવ્યું હતું કે, આ જ પ્રમાણે દિલ્હીની અંદર પણ અરવિંદ કેજરીવાલ સરકાર માત્રને માત્ર ખોટા વાયદાઓનો વેપાર કરી રહી છે. દિલ્હીની ચૂંટણી વખતે એવું કહેવામાં આવ્યું હતું કે, પંજાબના લીધે દિલ્હીમાં પ્રદૂષણ થાય છે અને અમે આ પ્રદૂષણની સમસ્યાનું સમાધાન કરી દીધુ છે. દિલ્હીમાં સફાઈ ઉપર ૬૮ લાખ રૂપિયા ખર્ચવામાં આવે છે અને તેની જાહેરાત માટે ૨૩ કરોડ રૂપિયા ખર્ચવામાં આવે છે. આજે દિલ્હીમાં પ્રદૂષણની સમસ્યાના લીધે શ્વાસ લેવો પણ મુશ્કેલ છે. અરવિંદ કેજરીવાલ આમ આદમી પાર્ટીને એક એડવર્ડટાઈઝ કંપનીની જેમચલાવી રહ્યાં છે.

બ્રારે વધુમાં કહ્યું હતું કે, આજે પંજાબમાં લો એન્ડ ઓર્ડરની સ્થિતી ૮૦ના દસક જેવી થઈ ગઈ છે. સિધુ મુસેવાલાની જાહેરમાં હત્યા કરાઈ. હિંદુત્વવાદી નેતાની હત્યા કરવામાં આવી. કાળી માતાના મંદિર ઉપર હુમલો કરાયો. આજે આઈ.બી.ના કાર્યાલય ઉપર હેન્ડ ગ્રેનેડ હુમલો કરાય છે. દિલ્હીનો ગેંગસ્ટર લોરેન્સ બીશનોઈ તિહાડ જેલમાંથી બે હજાર ગુંડાઓના નેટવર્કથી આખુ ખંડણીનું ગેરકાયદેસર તંત્ર ચલાવી રહ્યો છે. આજ વ્યક્તિના માણસોએ સિઘુ મુસેવાલાની હત્યા કરી હતી. પંજાબમાં છેલ્લા ૨૧ દિવસમાં ૧૯ મર્ડર થયા છે. આજે હવે પંજાબમાં આઝાદીના નારા અને ખાલિસ્તાનના નારા પણ લગાવી રહ્યાં છે. મને પણ ઈન્દિરા ગાંધીની જે રીતે હત્યા થઈ હતી તે રીતે મારી નાખવાની ધમકી અપાઈ છે. આજે પંજાબના વેપારીઓને ગુંડાઓ કનડી રહ્યાં છે અને તેમની જાનની સુરક્ષા માટે તેઓ ૧૦ થી ૨૦ લાખની ખંડણી ચુકવી રહ્યાં છે. જે પ્રમાણે આ બધી બાબતો પર પંજાબ પોલીસ નિષ્ક્રીય છે એ જ રીતે કેન્દ્રીય એજન્સીઓ પણ આંખ આડા કાન કરી રહી છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution