અફઘાનિસ્તાનને હરાવી ઝિમ્બાબ્વેએ પ્રથમ ટેસ્ટ માત્ર 2 દિવસમાં જીતી
04, માર્ચ 2021

અબુધાબી,

ઝિમ્બાબ્વેએ પ્રથમ ટેસ્ટ ૧૦ વિકેટે જીતી. ટીમે બે દિવસમાં અફઘાનિસ્તાનને હરાવી દીધું હતું. આ મેચ અબુધાબીમાં રમાઈ હતી. બીજા દિવસે ઝિમ્બાબ્વેએ ૧૭ રનના લક્ષ્યાંકને કોઈ વિકેટ વિના હાંસલ કરી લીધો હતો. ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં ૧૩૨ વર્ષ બાદ સતત બે ટેસ્ટ બે દિવસમાં પૂરી થઈ છે. આ પહેલા ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે મોટેરા ખાતે રમાયેલી ત્રીજી ટેસ્ટ પણ બે દિવસમાં પૂરી થઈ હતી. ભારતની મેચ ૨૫ ફેબ્રુઆરીએ અને આ મેચ ૩ માર્ચે પૂરી થઈ હતી. એટલે કે અઠવાડિયામાં બે ટેસ્ટ મેચ બે દિવસમાં સમાપ્ત થઈ.

મેચના બીજા દિવસે ઝિમ્બાબ્વેએ પ્રથમ દાવમાં ૫ વિકેટે ૧૩૩ રનથી રમવાનું શરૂ કર્યું હતું. આખી ટીમ ૨૫૦ રનમાં સમેટાઇ ગઇ હતી. કેપ્ટન સીન વિલિયમ્સે ૧૦૫ રન બનાવ્યા. અફઘાનિસ્તાને પ્રથમ દાવમાં ૧૩૧ રન બનાવ્યા હતા. આ રીતે ઝિમ્બાબ્વેને ૧૧૯ રનની લીડ મળી. જેના જવાબમાં અફઘાનિસ્તાનની ટીમ બીજી ઇનિંગમાં ૧૩૫ રનમાં સમેટાઇ ગઇ હતી. આ રીતે ઝિમ્બાબ્વેને ૧૭ રનનો લક્ષ્યાંક મળ્યો હતો. ઝિમ્બાબ્વેએ લક્ષ્ય ૩.૨ ઓવરમાં વિકેટ વિના મેળવી લીધું હતું.

મેચમાં કુલ ૩૦ વિકેટ પડી હતી. તેમાંથી ૧૮ વિકેટ ઝડપી બોલરોને જ્યારે ૧૨ વિકેટ સ્પિન બોલરોને મળી હતી. તે જ સમયે ભારત અને ઇંગ્લેન્ડની મેચમાં સ્પિન બોલરો દ્વારા ૩૦ માંથી ૨૮ વિકેટ મળી હતી. ઓવરઓલ ટેસ્ટમાં ૨૩ મી વખત ટેસ્ટ મેચ બે દિવસમાં પૂરી થઈ ગઈ છે. આ પહેલા ૧૮૮૮ અને ૧૮૮૯ ની વચ્ચે બે દિવસમાં સતત પાંચ ટેસ્ટ સમાપ્ત થઈ હતી. ઇંગ્લેન્ડ આ ૫ મેચમાં સામેલ હતું અને તેમાંથી ચાર મેચ જીતી હતી. ઝિમ્બાબ્વેએ પ્રથમ વખત ટેસ્ટમાં અફઘાનિસ્તાનને હરાવી દીધું હતું. ૨૦૦૦ થી અત્યાર સુધીના રેકોર્ડ પર નજર કરીએ તો કુલ ૮ ટેસ્ટ બે દિવસમાં અંત આવી ગયો છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution