18, ફેબ્રુઆરી 2024
વડોદરા, તા. ૧૮
દેશભરમાં ઇલેક્ટ્રિક વ્હીકલની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા દેશભરમાં પીએમ ઈ-બસ સેવા શરૂ કરવા જાહેરાત કરવામાં આવી છે. જેમાં ગુજરાતના વડોદરામાં ૧૫૦ ઈ-બસની તબક્કાવાર ખરીદી કરવામાં આવનાર છે. ત્યારે તે માટેના ચાર્જિંગ સ્ટેશન બનાવવાની દરખાસ્ત સ્થાયી સમક્ષ મુકવામાં આવી છે. શહેરમાં ગોત્રી, સયાજીગંજ અને નિઝામપુરા ખાતે ત્રણ સ્થળે ચાર્જિંગ સ્ટેશન બનાવવા માટે ટેન્ડર જાહેર કરાયું હતું. જેમાં મે. એશિયાટિક ટ્રેડર્સનું સૌથી ઓછા ભાવનું ટેન્ડર મંજૂરી અર્થે સ્થાયી સમક્ષ મુકવામાં આવ્યું છે. આગામી તા. ૨૩મી ફેબ્રુઆરીએ મળનાર સ્થાયીની બેઠકમાં ચર્ચા બાદ અંતિમ ર્નિણય લેવાશે.
વડોદરા મ્યુનિ. કોર્પોરેશનને કેન્દ્ર સરકારના પીએમ ઈ-બસ પ્રોજેક્ટ હેઠળ ૧૫૦ ઈ-બસ મળનાર છે. જાેકે, તબક્કાવાર મળનાર બસો માટેના ડેપો તેમજ તેના ચાર્જિંગ સ્ટેશન માટેની તૈયારીઓ કોર્પોરેશન દ્વારા શરૂ કરી દેવામાં આવી છે. જે અંતર્ગત કોર્પોરેશન દ્વારા શહેરના ત્રણ જુદા જુદા વિસ્તારમાં ડેપો બનાવવા માટે કવાયત શરૂ કરાઈ છે. જેમાં ગોત્રી, સયાજીગંજ અને નિઝામપુરાનો સમાવેશ થાય છે. જે ત્રણ સ્થળે ચાર્જિંગ સ્ટેશન બનાવવા માટે ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી હતી. જેમાં ત્રણ એજન્સી દ્વારા ટેન્ડર ભરાવમાં આવ્યું હતું. એજન્સી દ્વારા સબમિટ કરવામાં આવેલા ટેન્ડરના આધારે મ્યુનિ. કમિશનર દ્વારા દરખાસ્ત તૈયાર કરી સ્થાયી સમક્ષ મુકવામાં આવી છે. જે અનુસાર એજન્સી દ્વારા વીજ કંપની પાસેથી હાઇટેનશન સપ્લાય મેળવ્યા બાદ તેને ૪૧૫ વોલ્ટ એલટી કનેક્શનમાં રૂપાંતરિત કરવું, ટુ પોળ સ્ટ્રક્ચર, કેબલિંગ સહિતની કામગીરી કરવામાં આવશે. તેમજ બે વર્ષ માટે તેનું મેઇન્ટેનન્સ પણ એજન્સી દ્વારા કરવામાં આવશે. કોર્પોરેશન દ્વારા પ્રોજેક્ટની અંદાજિત રકમ રૂ. ૮,૦૦,૩૧,૪૦૯ નક્કી કરવામાં આવી હતી. ત્રણ એજન્સી દ્વારા ભરવામાં આવેલા ટેન્ડર પૈકી પ્રિકવોલીફીકેશન એજન્સી દ્વારા બે એજન્સીના ટેન્ડર મંજુર કરવામાં આવ્યા હતા. જેમાં મે. એશિયાટિક ટ્રેડર્સ દ્વારા ૦.૫૪ ટકા ઓછા ભાવે જયારે મે. સઈદ હિફાજત અલી દ્વારા ૧.૮૪ ટકા વધુ ભાવે રકમ કોટ કરવામાં આવી હતી. જેથી મ્યુનિ. કમિશનર દ્વારા મે. એશિયાટિક ટ્રેડર્સને ૦.૫૪ ટકા ઓછા ભાવે એટલે કે રૂ. ૭,૯૫,૯૫,૩૧૧માં ટેન્ડર આપવાની દરખાસ્ત મંજૂરી અર્થે સ્થાયી સમક્ષ મુકવામાં આવ્યું છે.