લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
08, જાન્યુઆરી 2026 |
3762
રાજપીપળા, એક તરફ ગુજરાતમાં વાઘની પ્રજાતિ લુપ્ત થતી જાય છે ત્યારે બીજી બાજુ નર્મદા જિલ્લાના રાજપીપળા નજીક ધર્મેશ્વર મહાદેવ મંદિરના એક રૂમ માંથી મોટી સંખ્યામાં શંકાસ્પદ વાઘનું ચામડું મળી આવતા રાજપીપળા વન વિભાગે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.આટલી મોટી સંખ્યામાં વાઘનું ચામડું મળી આવ્યું હોય એવો ગુજરાતમાં કદાચ પ્રથમ કિસ્સો હશે.આ ચામડું વાઘનું છે કે નકલી છે એની તપાસ માટે રાજપીપળા વન વિભાગે સેમ્પલ એફ.એસ.એલ માટે મોકલવાની કાર્યવાહી હાથ ધરી છે.
રાજપીપળા રેન્જ વન વિભાગના આર.એફ.ઓ જીગ્નેશ સોનીના જણાવ્યા મુજબ રાજપીપળા નજીક ધર્મેશ્વર મહાદેવ મંદિરનું રિનોવેશનનું કામ ચાલી રહ્યું હતું.એ દરમિયાન ત્યાંના સ્વર્ગસ્થ મહંતના રૂમ માંથી ખરાબ વાસ આવતી હોવાનું એમના ધ્યાને આવ્યું હતું.એ દરમિયાન વર્ષો જૂની એક પતરાની પેટીમાં કોઈ વન્ય પ્રાણીનું ચામડું હોવાનું જાણતા જ એ મંદિરના ટ્રસ્ટીઓએ રાજપીપળા વન વિભાગના આર.એફ.ઓ જા જીગ્નેશ સોનીને જાણ કરી હતી.જે બાદ અમે અમારી ટીમ સાથે ત્યાં પહોચી તપાસ હાથ ધરતા પેટીમાં શંકાસ્પદ વાઘનું ચામડું તથા નખ હોવાનું અમને જાણવા મળ્યું હતું.બાદ સરકારી પંચોની હાજરીમાં તમામ શંકાસ્પદ વાઘના ચામડાને વન વિભાગની કચેરીએ લાવ્યા હતા.ખરાઈ કર્યા બાદ એ ચામડું શંકાસ્પદ રીતે વાઘનું હોવાનું અમને જણાઈ આવ્યું હતું.આ ચામડું તથા નખ વાઘના જ છે કે નકલી છે એની તપાસ માટે અમે સેમ્પલ એફ.એસ.એલ માટે મોકલી આપવાની કાર્યવાહી હાથ ધરી છે.
આર.એફ.ઓ જીગ્નેશ સોનીએ વધુમાં જણાવ્યું હતું કે અમને તપાસ દરમિયાન ૩૭ જેટલા આખા ચામડા અને બીજા ટુકડા મળી ૪૦ થી વધુ ચામડા તથા ૧૩૩ જેટલા નખ મળી આવ્યા છે. આ તમામ વસ્તુઓ ધ્યાનમાં રાખી અમે વન્ય પ્રાણી અધિનિયમ ૧૭૨ હેઠળ અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી સરકારને જાણ કરી છે.ગુજરાતમાં વાઘની પ્રજાતિ લુપ્ત થઈ રહી છે તો બીજી બાજુ પ્રથમ દૃષ્ટિએ આ વન્ય પ્રાણીની તસ્કરી પણ હોઈ શકે, મહારાજનો ૧૯૨૬ માં જન્મ થયો હતો આજથી લગભગ ૫ મહિના પેહલા ૯૫ વર્ષની ઉંમરે નિધન થયું છે.વન્ય પ્રાણીના આ ચામડા અને નખ એમની જ રૂમ માંથી મળી આવ્યા છે.આ ચામડા મળ્યા એ પેટીમાંથી ૧૯૯૨ ના વર્ષનું ન્યૂઝ પેપર મળી આવ્યું છે એટલે આ ચામડા લગભગ ૩૩ વર્ષથી તો મહારાજ પાસે જ હશે એવો અંદાજ મારી શકાય.જાે એફ.એસ.એલ ની તપાસમાં આ ચામડું વાઘનું હશે એવું નીકળશે તો આ મહારાજ સાથે કોણ કોણ જાેડાયેલું હતું એ દિશામાં તપાસ કરી જવાબદારો સામે ગુનો નોંધી કડક કાર્યવાહી કરવામાં આવશે.