લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
07, જાન્યુઆરી 2026 |
3069
નવી દિલ્હી: કેન્દ્ર સરકારના લાખો કર્મચારીઓ અને પેન્શનધારકો માટે નવા વર્ષની ભેટ તૈયાર છે. જાન્યુઆરી ૨૦૨૬થી મોંઘવારી ભથ્થાઅને મોંઘવારી રાહતમાં ૨ ટકાનો વધારો થવો લગભગ નિશ્ચિત માનવામાં આવી રહ્યો છે. આ વધારા બાદ કર્મચારીઓનો ડીએ ૫૮%થી વધીને ૬૦% થઈ જશે.
લેબર બ્યુરો દ્વારા જાહેર કરવામાં આવેલા સત્તાવાર ડેટા અનુસાર, કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થાની ગણતરી માટેના મુખ્ય આધાર એવા ‘ઓલ ઈન્ડિયા કન્ઝ્યુમર પ્રાઈઝ ઈન્ડેક્સ‘માં નવેમ્બર ૨૦૨૫ દરમિયાન ૦.૫ પોઈન્ટનો ઉછાળો જાેવા મળ્યો છે, જેનાથી આ આંકડો હવે ૧૪૮.૨ પર પહોંચી ગયો છે. ૭મા પગાર પંચના નિર્ધારિત નિયમો મુજબ, મોંઘવારી ભથ્થું છેલ્લા ૧૨ મહિનાના ગ્રાહક ભાવ સૂચકાંકના સરેરાશ આધારે નક્કી કરવામાં આવે છે. નિષ્ણાતોના મતે, જુલાઈથી નવેમ્બર ૨૦૨૫ સુધીના સતત વધતા આંકડાઓને જાેતા ડીએ અત્યારે ૫૯.૯૩%ની સપાટીએ પહોંચ્યું છે. આ સ્થિતિ સ્પષ્ટ કરે છે કે જાે આગામી ડિસેમ્બર મહિનાનો ઇન્ડેક્સ સ્થિર રહે અથવા તેમાં સામાન્ય ઘટાડો થાય તો પણ, સરેરાશ મોંઘવારી ભથ્થું ૬૦%થી નીચે જવાની કોઈ શક્યતા નથી, જે કર્મચારીઓ માટે પગાર વધારાના સ્પષ્ટ સંકેત આપે છે. સરકારની પ્રવર્તમાન નીતિ અનુસાર, મોંઘવારી ભથ્થાની ગણતરી હંમેશા પૂર્ણાંકમાં કરવામાં આવે છે, જેનો અર્થ છે કે જાે ગણતરી મુજબનો આંકડો ૬૦.૦૧%થી લઈને ૬૦.૯૯%ની વચ્ચે હોય તો પણ તેને સત્તાવાર રીતે ૬૦% જ માન્ય રાખવામાં આવે છે. આ નવો વધારો ૧ જાન્યુઆરી, ૨૦૨૬થી અમલી બનશે, સત્તાવાર જાહેરાત અને નોટિફિકેશન સરકારી પ્રક્રિયાઓને કારણે સામાન્ય રીતે માર્ચ અથવા એપ્રિલ મહિનામાં બહાર પાડવામાં આવે છે. સમયગાળાનો તફાવત કર્મચારીઓને એરિયર્સ (બાકી રકમ) તરીકે એકસાથે ચૂકવવામાં આવશે.