શહેરી આવાસ યોજનાના ૫૭૫ લાભાર્થીઓએ તેમના ફાળા પૈકી ૩૯ કરોડ જમા કરાવ્યા નથી
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
18, મે 2023  |   4158

વડોદરા, તા.૧૭

શહેરી ગરીબોનું શહેરમાં પોતાનું મકાન મળે તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકારના સહયોગથી હાઉસિંગ ફોર ઓલ યોજના અંતર્ગત વડોદરા કોર્પોરેશનના એફોર્ડેબલ હાઉસિંગ વિભાગ દ્વારા કુલ ૩૧,૨૩૪ મકાનોની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે, અને ૯૭૬૧ મકાનોનું કામ હાલ ચાલુ છે. શહેરને સ્લમ ફ્રી બનાવવા માટે સરકારી માલિકીની જમીન પર આગામી પાંચ વર્ષમાં બીજા ૨૪,૨૯૮ મકાનો બનાવવાનું આયોજન હાથ ધરાયું છે. વડોદરા કોર્પોરેશને મુખ્યમંત્રી ગૃહ યોજના અને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ફાળવેલા મકાનો પૈકી ૫૭૫ લાભાર્થીઓએ પોતાના ફાળાની બાકી આશરે ૩૯ કરોડ ની રકમ હજી સુધી જમા નહીં કરાવતા તે તા.૧૫ જૂન સુધીમાં ભરી દેવા નોટિસ આપવામાં આવી છે, અને જાે બાકી રૂપિયા નહીં ભરાય તો કોર્પોરેશન કોઈપણ જાતની જાણ કર્યા વગર ફાળવેલું મકાન રદ કરી દેશે ેતેવી સુચના પણ આપવામાં આવી છે.

જે મકાનના લાભાર્થી ફાળાની રકમ બાકી છે તેમાં ઇ ડબલ્યુ એસ સયાજીપુરા-સાંઈ રેસીડેન્સીની બાજુમાં, ગોત્રી-ચંદ્ર મોલેશ્વરની બાજુમાં, તાંદળજા-શુભમ પ્લોટની આગળ જતા, હરણી-અંબે વિદ્યાલયની બાજુમાં, એલઆઇજીના સયાજીપુરા-રુદ્રાક્ષ ફ્લેટની સામે, અટલાદરા-પ્રમુખસ્વામી હોસ્પિટલ પાસે, તાંદળજા-સન ફાર્માની પાછળ, માંજલપુર-લક્ષ્મી કૃપાની સામે, હરણી-સિગ્નસની પાછળ, ગોત્રી-પ્રત્યુશા ડુપ્લેક્સની પાસે, વાસણા રોડ-જકાતનાકા થી ગામ તરફ જતા તેમજ એમઆઈજી વાસણા રોડ-સોહમની સામે તથા સમા-ચાણક્યપુરી થી કેનાલ તરફ જતા મકાનોનો સમાવેશ થાય છે. લાભાર્થીઓએ આ મકાનો મેળવવા માટે અરજી કરતાં કોર્પોરેશન તરફથી પ્રોવિઝનલ ફાળવણી કરવામાં આવી છે. આ યોજનાના લાભાર્થીઓ દ્વારા આજ સુધી મકાનની બાકી રહેતી રકમ જમા કરાવેલ નથી. કોર્પોરેશને બાકી રકમ છે તેવા લાભાર્થીઓના નામ સાથેની યાદી કોર્પોરેશનની વેબસાઈટ ઉપર મૂકેલી છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution