18, મે 2025
396 |
વડોદરા, પોલીસના નામે ધમકી આપીને ડિજીટલ એરેસ્ટ કરીને ઓનલાઈન ઠગાઈ કરતી ટોળકીને ઠગાઈના નાણાં ટ્રાન્સફર કરવા માટે વડોદરામાં આવીને પાંચ બેંક ખાતા ખોલી આપનાર પુણાના ધો.૮ પાસ ગઠિયાની સાયબર ક્રાઈમ પોલીસે વડોદરામાં થયેલી ઠગાઈના ગુનામાં ધરપકડ કરી હતી. શહેરના એક રહીશને ત્રણ મહિના અગાઉ ઓનલાઈન ઠગાઈ કરતી ટોળકીએ ફોન કરીને પોલીસ તરીકે બોગસ ઓળખ આપીને જણાવ્યું હતું કે તમારુ આધારકાર્ડ મની લોંડરીંગમાં વપરાયું છે અને હવે તમને દિલ્હી સાયબર ક્રાઈમમાંથી ફોન આવશે. ત્યારબાદ તેઓના અન્ય સાગરીતોએ અલગ નંબર પરથી ફોન કરીને જણાવ્યું હતું કે મની લોન્ડરીંગ કેસમાં તમને એક લાખ રૂપિયા રોકડા મળ્યા છે માટે તમારુ બેંક એકાઉન્ટ ચેક કરવામાં આવશે. ટોળકીએ વોટ્સએપથી વીડિયો કોલ કરી નિવેદન લીધું હતું અને તેમના બેંક એકાઉન્ટની તમામ માહિતી લઈ તેમને ડિજીટલ એરેસ્ટ કર્યા હતાં તેમજ ધમકી આપી હતી કે જ્યાં સુધી આ કેસની તપાસ ચાલશે ત્યાં સુધી તમામ બેંક બેલેન્સ, એફડી, શેર બધું તેઓને સોંપવાનું રહેશે નહી તો પોલીસ ઘરે આવીને તમારી ધરપકડ કરશે. આ ધમકી ફફડી ગયેલા રહીશે ટોળકીની સુચના મુજબ અલગ અલગ બેંક ખાતામાં કુલ ૨૩ લાખ રૂપિયા ટ્રાન્સફ કર્યા હતા જે નાણાં ટોળકીએ સગેવગે કરી ઠગાઈ કરતાં તેની આ બનાવની ગત ૩જી માર્ચે શહેરના સાયબર ક્રાઈમ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ ફરિયાદના તપાસમાં પોલીસે તપાસનો દોર મહારાષ્ટ્રના પુણામાં લંબાવ્યો હતો અને ઠગ ટોળકીના ૨૨ વર્ષીય સાગરીત માત્ર ધો.૮ પાસ મહેન્દ્રકુમાર મેઘવાલને ઝડપી પાડ્યો હતો. અત્રે લવાયેલાં મહેન્દ્રકુમારની પુછપરછમાં એવી વિગતો સપાટી પર આવી હતી કે તેણે વડોદરામાં આવીને ડિજિટલ એરેસ્ટ કરતી ટોળકીને પાંચ એકાઉન્ટ ખોલી આપ્યા હતા અને બેંકની તમામ કિટ અને સીમકાર્ડ આપતા ઠગ ટોળકીએ નાણાં ટ્રાન્સફર કરીને ઉપાડી લીધા હતાં. પોલીસે તેની પાસેથી એક લેપટોપ તેમજ ચાર મોબાઈલ, આઠ ડેબિટ કાર્ડ, પાંચ ચેકબુક, બે પાનકાર્ડ અને ત્રણ સ્ટેમ્પ સહિત અન્ય વિગતો જપ્ત કરી હતી.
બેંક ખાતાં ખોલાવવા વતનમાંથી લોકોને લઈ આવતો હતો
મહેન્દ્રકુમારે એવી ચોંકાવનારી કબુલાત કરી હતી કે તે ઠગ ટોળકીનો બેંક ખાતા સપ્લાયર છે. તે પોતે અલગ અલગ બેંકમાં ખાતા ખોલાવતો હતો તેમજ તેના વતનમાંથી પણ પરિચિતોને વિવિધ શહેરોમાં બોલાવતો હતો અને તેઓને એક બે મહિના માટે શહેરમાં રાખી તેઓના નામે દુકાન કે રહેઠાણ મકાન ભાડે લઈ તેમાં ડમી પેઢી ઉભી કરીને બેંક ખાતા ખોલાવતો હતો અને અને તેમાં ઓનલાઈન સુવિધા એક્ટિવ કરાવતો હતો. તેણે પુણામાં પણ તેના અને તેના મિત્રોના નામે ડમી પેઢીઓ ખોલાવી ૧૫ ખાતા ખોલાવી ટોળકીને આપી દીધા છે. આ ૧૫ ખાતા વિરુધ્ધ દેશભરમાં ૧૦થી વધુ ફરિયાદ છે જેમાં ૫૦ લાખથી વધુનું ટર્નઓવર થયું છે.
પોલીસે ૨૩ લાખમાંથી ૧૮.૮૬ લાખનું રિફંડ અપાવ્યું
વડોદરાના રહીશને ડિજિટલ એરેસ્ટ કરીને ઠગ ટોળકીએ ૨૩ લાખ ટ્રાન્સફર કરાવી લઈ ઠગાઈ કરી હોવાની સાયબર ક્રાઈમ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા જ પોલીસે તુરંત જે બેંક ખાતાઓમાં નાણાં ટ્રાન્સફર થયા છે તેની તપાસ કરી જરૂરી કાર્યવાહી કરી હતી. પોલીસે ટેકનીલક એનાલીસીસ અને મની ટ્રેલના આધારે ફરિયાદી પાસેથી પડાવી લેવામાં આવેલા ૨૩ લાખમાંથી ૧૮.૮૬ લાખનું રિફંડ અપાવ્યું હતું.