દિલ્હી-

દેશભરમાં નોંધાયેલા છેલ્લા સાત દિવસની કોરોના કેસોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે અને આવું સતત નવમા દિવસે બન્યું છે. ગંભીર બાબત એ છે કે, ગત વર્ષના સપ્ટેમ્બર માસ બાદ પહેલીવાર આટલી મોટી સંખ્યામાં કેસોમાં ઉછાળો નોંધાયો છે. મંગળવારે દેશભરમાં નોંધાયેલા કોરોના કેસોની સંખ્યા 13,000ના આંકડાને પાર કરી ગઈ હતી. 

સાત દિવસની રોજની સરેરાશ કેસોની સંખ્યામાં 1800 જેટલા કેસોનો વધારો થયો છે અને 14મી ફેબ્રુઆરીએ નોંધાયેલા 11,430 કેસોની સામે મંગળવારે નોંધાયેલા કેસોની સંખ્યા 13267 હતી જે રોજના કેસોમાં ભારે ઉછાળો બતાવે છે. 

ગયા સપ્ટેમ્બર માસ પછી આટલા મોટા પ્રમાણમાં કેસોની સંખ્યામાં ઉછાળો નોંધાયો હોય તો એ નવેમ્બરના 19મી થી 24મી સુધીના છ દિવસના સમયગાળાનો હતો. મંગળવારે નવા 13579 કેસો નોંધાયા હતા જેમાં તેલંગણના આંકડા સામેલ નથી કેમ કે, રાજ્યે રોજેરોજના આંકડા આપવાનો હવે ઈનકાર કરી દીધો છે અને આસામના કેસો પણ સામેલ નથી કેમ કે, મોડી રાત સુધી આંકડા મોકલાયા નહોતા. આ કેસોમાં મોત પામનારાઓનો આંકડો પણ 102 સુધી પહોંચી ગયો હતો જે છેલ્લા 3 દિવસ દરમિયાન 100ની નીચે રહ્યો હતો. મહારાષ્ટ્રમાં 6218 કેસો નોંધાયા હતા.