અમદાવાદ, બહેરામપુરાના ગૌતમનગર ચાર રસ્તા પાસે પોલીસના સીમ્બોલ વાળી કેપ પહેરી પોલીસ હોવાની ખોટી ઓળખ આપી રોફ જમાવીને લોકો પાસેથી પૈસા પડાવતા શખ્સને લોકોએ જડપી લીધો હતો. બાદમાં કંટ્રોલમાં ફોન કરીને કાગડાપીઠ પોલીસ સ્ટેશનને સોંપતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથધરી છે. કોરોના મહામારીના પગલે શહેર પોલીસ સઘન પેટ્રોલીંગ કરી રહી હતી દરમિયાન કાગડાપીઠ પોલીસના એ.એસ.આઈ હિતેન્દ્ર સિંહ તેમના સ્ટાફ સાથે વિસ્તારમાં પેટ્રોલીંગ પર હતા ત્યારે કંટ્રોલમાંથી મેસેજ આવ્યો હતો કે, ગૌતમ નગર ચાર રસ્તા બહેરામપુરા કન્યા શાળા પાસેથી એક વ્યક્તિએ નકલી પોલીસ બાબતે ફોન કર્યો છે અને ત્યાં લોકો ના ટોળા ભેગા થઈને આ નકલી પોલીસે ઝડપી લીધો છે. જેના પગલે એએસઆઈ સહીતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો ત્યારે ત્યાં લોકોના ટોળા ભેગા થયા હતા ત્યાના સ્થાનિક લોકોએ જણાવ્યુ હતુ કે, પોલીસના સીમ્બોલ વારી કેપ પહેરી વાહનો ઉભા રાખીને પોલીસ હોવાનો ખોટો રોફ જમાવીને વિજય મકવાણા નામનો શખ્સ લોકો પાસેથી પૈસા પડાવે છે. દરમિયાન એક વ્યક્તિની કુરિયરની રીક્ષા ઉભી રખાવીને રિક્ષામાં ભરેલા માલ સામાનના બીલો વિજયે માંગ્યા હતા. ત્યારે રિક્ષા ચાલકે પોલીસ હોવાનું આઈકાર્ડ માંગતા વિજયનો ભાંડો ફુટ્યો હતો. જેથી લોકોએ ભેગા થઈને વિજયને પકડીને પોલીસ કંટ્રોલરૂમમાં ફોન કર્યો હતો.